જીવનમાં આવતી હીચકીઓનો પ્રતિકાર

જીવનમાં આવતી હીચકીઓનો પ્રતિકાર - માનસી મૃદુલ સંઘવી, માંડવી

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮; પ્રથમ વિજેતા)

પ્રસ્તાવના : જીવનમાં ડગલે ને પગલે આપણે ક્યારેકને ક્યારેક નાની-મોટી હીચકીઓનો સામનો તો કરવાનો આવે જ છે. રંક હોય કે રાય, વામન હોય કે વિરાટ, કોઈ જ તેનાથી બાકાત નથી તો શા માટે જે અનિવાર્ય જ છે તેને હસતા મુખે, હકારાત્મક અભિગમ અપનાવીને ન આવકારવું?

મેં એજ્યુકેશન વાઈઝ એમબીએ વિથ ફાઈનાન્સ કરેલું છે અને હાલ હું ડીપી વર્લ્ડ સાથે કામ કરું છું. નાનપણથી જ શબ્દોને રમાડવાનો શોખ છે, જે વાંચન કે લેખનના રૂપમાં સતત પ્રગટ્યા કરતું હોય છે. શાયરી અને કવિતાઓ પર હું થોડો ઘણો હાથ અજમાવતી રહું છું અને એ રીતે મારા શોખને મઠારતી રહું છું.

** ** **

જીવનમાં આવતી હીચકી, હેડકી, biccups -obstacle. આ તો થઈ સામાન્ય પરિભાષા. પણ શું ખરેખર હીચકી એ પડકાર કે નડતર છે? ના, હીચકી એક સ્પીડ બમ્પ છે. જે તમને થોડા સમય માટે ધીરા પાડી દે છે. તમને ડરાવે છે કે અટકાવી કે ફસાવી દેશે. પણ એ તો સ્વયં પર નિર્ભર કરે છે કે આપણે તેને કઈ રીતે લઈએ છીએ?

હીચકી નામ સાંભળતા જ મને ‘પા’ ફિલ્મનું ગીત યાદ આવે છે.

‘હીચકી હીચકી, હીચક હીચકી હો ના જાના,

ખ્વાબોંકી ગલીમેં તું યાદ બનકે ખો ના જાના.’

હા, જીવનભરમાં અનેક નાની-મોટી હીચકીઓ તો આવતી જ રહેવાની છે. આપણે પોતે જ કહીએ છીએ ને કે જીવન એક કસોટી છે! તો કસોટી તો પાર કરવી જ રહી, પણ હા, તે સમયનો આપણો અભિગમ નવા પૃષ્ઠો ખોલવામાં જરૂર મદદ કરે છે!!

આપણે ત્યાં કહેવાય છે ને કે, જ્યારે કોઈ યાદ કરે તો આપણને હીચકી આવે. તો અરે, આ તો સ્વયં ઈશ્વર તમને યાદ કરી રહ્યા છે! અને તે પાત્રતા જોયા વગર થોડી યાદ કરવાના? એ તો હંમેશાં કહે જ છે ને,

'કામ કર, હાંક માર, મદદ તૈયાર.’

બસ, આ જ અભિગમ તો જીવનના પડકારોને પડકારવા અપનાવવાનો છે. કારણકે, એમ પણ જીવન જીવવાના બે જ રસ્તા છે :

(૧) ભાગ લો (ભાગીદાર બનો) અથવા (૨) ભાગ લો (ભાગી જાવ).

તો, ગમે તેટલી વિપદા આવે, સંકટો આવે, મુસીબતોનો ધોધમાર વરસાદ વરસે પણ આપણે આપણા પ્રણ પર અડગ ટકી રહેવાનું છે. કારણકે ડગલું ભર્યા પછી તો ના હટવું- ના હટવું!! આપણને ખબર જ છે કે, અનેકવાર ભોંયે પડ્યા છતાં પણ કરોળિયો હાર્યા વગર જાળ ગૂંથ્યે જ રાખે છે! નાનું અબુધ પક્ષી પણ ઉડતાં ન શીખે તેટલી વાર પ્રયત્ન કર્યા જ કરે છે! તો આપણે તો બુદ્ધિજીવી માનવી છીએ! અરે, કબીરજી કહી ગયા છે ને, ‘કરત કરત અભ્યાસકે, જડમતિ હોત સુજાન.’ તો પરિશ્રમનો તો બીજો કોઈ વિકલ્પ છે ખરો??

એક મૂર્તિ બનવા માટે પથ્થરે પણ ટકોરા તો ખાવા જ પડે છે! સુવર્ણએ પણ તપવું પડે છે આભૂષણ બનવા! ઘણના ઘા ઝીંકાયા વગર કઈ રીતે ઘાટ ઘડાવાનો?? અરે, એક ચણાયેલી ઈમારત પણ ક્યાં કદી નક્શામાં હોય છે? મધનો સ્વાદ લેવા માટે ડંખનો સ્વાદ તો લેવો જ પડે ને! અરે, સુખ અને દુઃખ તો જિંદગીના બે પહેલુ છે અને -

‘સુખ તો દુઃખ પછી જ શોભે,

ઘનાન્ધકારે જયમ દીપ શોભે.’

જેવો ગુલાબ અને કાંટાનો સંગ એવો જ સુખ અને દુઃખનો સંગ! અરે, આ તો ઈદ અને રોઝા જેવો મીઠો સંબંધ છે. નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યા વિનાની સફળતાનો આમ પણ શું મતલબ? એ તો જાણે એકલી મીઠાશ ને ગળપણનો ત્રાસ!

આપણે ઘણીવાર મુસીબતના સમયે પ્રારબ્ધને જવાબદાર ઠેરવીને કોશીશ કરવાનું છોડી દેતા હોઈએ છીએ. પણ જો પ્રારબ્ધમાં જ ‘સાહસે શ્રી’લખેલું હશે તો?

‘અરે, પ્રારબ્ધ તો ઘેલું છે, રહે એ દૂર માંગે તો,

ન માગે દોડતું આવે, ન વિશ્વાસે તું કદી રહેજે.’

તો બસ, જેમ કોઈએ કહ્યું છે ને,

‘મને મળી નિષ્ફળતા અનેક, તેથી હું થયો જિંદગીમાં કૈંક સફળ.’

ને મગજમાં ઠસાવી. ખુદ પર ભરોસો રાખી, લક્ષ્યને ઓઝલ થવા દીધા વગર, મંડી પડો!! કારણકે, સાચી દિશાનો પંથ તો ઠોકરની આસપાસ જ છે!

જીવનમાં આવતી તકલીફો સામેનો હકારાત્મક અભિગમ માણસને ક્યાં નથી પહોંચાડતો ! એના ઉદાહરણો આપણી પાસે ક્યાં ઓછા છે? મને આઈન્સ્ટાઈનજીની હકારાત્મક અભિગમ અંગેની એક વાત યાદ આવે છે કે જે હજાર રસ્તે હું સફળ ન થયો, એ મારી નિષ્ફળતા નથી પણ મેં એ હજાર રસ્તા શોધ્યા જે મારા કામના નથી! અરે, વગર પ્રયત્ને કોલંબસને અમેરિકા ક્યાંથી જડ્યું હોત? જે અવાજને કારણે રીજેક્ટ કરી દેવામાં આવ્યા હતા, એ લતાજી આજે સુરસામજ્ઞી છે! અમિતાભ બચ્ચન કે સચિન તેંડુલકરનો સંઘર્ષ ક્યાં કોઈથી અજાણ્યો છે?? સ્ટ્રીટલાઈટના ભણતરે પણ આપણું બંધારણ રચનારા આંબેડકરજીને આપણે ક્યાં નથી જાણતા? જન્મથી જ બહેરા અને અંધ એવા હેલન કેલરના જીવનની દાસ્તાન ક્યાં કોઈથી અજાણી છે! ૨૭-૨૭ વર્ષો સુધી જેલમાં રહીને પણ આખરે સમાજમાંથી અસમાનતા દૂર કરનાર દક્ષિણ આફ્રિકાના ગાંધી મંડેલાજીને કોણ નથી જાણતું? અરે, પોતાની જ પોતે સ્થાપેલી કંપનીમાંથી કાઢી મુકાયેલા અને છતાં અડગ-અણનમ એવા સ્ટીવ જોબ્સની કહાની તો હરેક બાળકને ખબર છે!

તો, આ બધા ઉદાહરણો આપણને શું સૂચવે છે? જીવનના સમુદ્રમાં ભરતી-ઓટ તો આવ્યા જ કરવાની છે. આપણે કુશળ નાવિક બની આ નાવને વણડૂબાડ્યે મઝધારે પહોંચાડવાની છે! જે આપણા હાથમાં છે જ નહીં, તેને વિચાય કર્યા વગર- ટેન્શન લીધા વગર - કાલની ચિંતા કર્યા વગર, હસતા મોંઢે, ખુલ્લા હાથે, દિલના દ્વાર ખોલી, ખુશમિજાજે એવી રીતે તો આ જિંદગીને આવકારવાની છે કે બે ઘડી તો હીચકીઓ પણ ગૂંચવાઈ જાય! જિંદગીની ઝોળીમાં કંઈપણ આસાનીથી આવીને પડતું જ નથી તો હવે તો આ નબળાઈઓને વીક પોઈન્ટ્‌સને જ શક્તિમાં પરિવર્તિત કરવા રહ્યા. તો બસ, અંતે હું એટલું જ કહીશ કે એ ન વિચારો કે જિંદગીમાં કેટલો સમય બાકી છે પણ એ વિચારો કે એ સમયમાં કેટલી જિંદગી બાકી છે!!

કારણકે,

‘જિંદગી એક સફર હૈ સુહાના,

યહાં કલ ક્યા હો કિસને જાના??’

તો, બસ આ જ બધું મગજમાં ઠસાવીને આ મહાકાળરૂપી હીચકીઓને પણ બતાવી દઈએ કે,

‘હમેં રોક શકે યે જમાનેમેં દમ નહીં,

હમ સે હૈ જમાના, જમાને સે હમ નહીં।’

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates