જન્મ દિવસ

જન્મ દિવસ - સુષમા શેઠ, વડોદરા

મેંદો, માખણ, બેકીંગ પાવડર, હાશ! બધી સામગ્રી હતી. કાલે દીકરાનો એકવીસમો બર્થ ડે.  “નિરાંતે પરવારીને મસ્ત કેક બનાવું” વિચારતી રુદ્રાએ રસોડામાંથી બહાર આવી છાપું હાથમાં લીધું. ઘર, વર, દીકરો અને રસોડું એટલે રુદ્રાની આખી દુનિયા.

“છાશવારે ગેંગરેપ, બળાત્કાર, એસિડ-અટેક, જાતીય સતામણી.... છાપામાં દરરોજ આવાં સમાચાર વાંચીને મન ખિન્ન થઈ જાય છે તો ક્યારેક એવું ખુન્નસ ચડે છે કે આવા લોકોને ગાલે તમાચો મારી દઊં. શું તેમને સ્હેજેય વિચાર નહીં આવતો હોય કે કોઈની મા, બહેન, દીકરી...” ક્રોધથી રાતીપીળી થઈ ગયેલી રુદ્રા છાપું એક તરફ ફંગોળતાં મોટેથી બરાડી.

“શાંત થા અને વધુ વિચારવાનું બંધ કર. આવું તો દુનિયામાં ચાલ્યા જ કરે. તેમાં આપણે શું? અમથી દુ:ખી ના થઈશ.” રોજબરોજની આવી ઘટનાઓથી ટેવાઈ ગયેલા દીપકે છાપામાં ડોકું ઘાલી દીધું. દીકરાના જન્મદિવસની કેક બનાવવા રુદ્રા રસોડામાં ગઈ.

“હેય મોમ, વોટ્સ અપ? વા.... ઉ કેક?” રસોડામાં ખાંખાંખોળા કરતો જય પોતાની વહાલી મમ્મી પાછળ આવીને ઊભો રહી ગયો. 

“ચાલ મોઢું નહીં, હાથ ચલાવ જોઊં.” રુદ્રાએ ચેવડાનો બુકડો ભરતા પોતાના એકના એક લાડકાને કહ્યું અને બંને હસી પડ્યા.

“મારી એકવીસમી બર્થડે છે સો સ્પેશિયલ સેલિબ્રેશન ટુનાઈટ મોમ. ફ્રેન્ડ્સ પાર્ટી લીધા વગર છોડશે નહીં. મેં બધાને આજે ક્લબમાં ઈન્વાઈટ કર્યા છે.” બોલતા સોહામણા જયની આંખો ચમકી. તેના ક્લીન શેવ્ડ ચહેરા પર થપથપાવેલ આફ્ટર શેવની તીવ્ર મહેક રુદ્રાના નાકમાં પેસી ગઈ.

“નેકી ઔર પૂછપૂછ? આ કેક લઈ જજે. સૌને ખવડાવજે. ફટાફટ બનાવી દઊં.” રુદ્રા અતિ ઉત્સાહમાં હતી પછી તો પૂછવું જ શું! તે મંડી પડી.

દેખાવડો જય સાંજે નવા કપડાં પહેરી તૈયાર થઈ ગયો. આજે તેનો મોબાઈલ સતત રણકતો રહ્યો. 

સાંજે ધમાલિયા મિત્રો તેને લેવા આવ્યા અને “આંટી આંટી” કહી આખું ઘર ગજવી દીધું. 

“ચાલ દોસ્ત આજે મોડો ના પડીશ.” ક્યાંક પહોંચવા હમેશા મોડા પડતા જયને તેના મિત્રો ક્લબ પર સમયસર પહોંચવા માટે રીતસર ખેંચી ગયા.

“બધા બહુ મૂડમાં છે.” બોલતી રુદ્રા પણ ખૂબ ખુશ હતી.

“તે હોય જ ને, આ જુવાનિયાઓ મોજમસ્તી નહીં માણે તો શું આપણે માણીશું? ભેગા મળી સૌ આનંદ કરેજને.” દીપક રુદ્રાના ખભે હાથ મૂકી બોલ્યો.

“અરે પણ ધમાલમસ્તી અને ઊતાવળમાં આ કેક તો અહીં રહી ગઈ. મેં કેટલી મહેનતે ખાસ જયને ભાવતી ચોકલેટ કેક બનાવી.” કલાકેક બાદ ખ્યાલ આવતાં રુદ્રાના ચહેરા પર અકળામણ તરવરી.

“હજુ ક્યાં મોડું થયું છે? ચાલ કારમાં જઈને આપી આવીએ.” દીપકે ધરપત આપતાં કહ્યું.

“હા. આમ તો બાર વાગ્યે જ કાપશે. હું કપડાં બદલી લઊં.” રુદ્રાને રાહત થઈ.

થોડી વારે બંને પતિ-પત્ની લાડકા દીકરાને જન્મદિવસની કેક હાથોહાથ પહોંચાડવા નીકળ્યા. ક્લબ પર પહોંચી જઈ દીપકે ગાડી પાર્ક કરી. 

“જા તું અંદર જઈ આપી આવ, હું અહીં છું. ઝટ આવજે પાછી.” બગાસાં ખાતા દીપકે કહ્યું ત્યારે ઘડિયાળના કાંટા રાતના સાડા અગિયારનો સમય બતાવતા હતા.

બંને હાથમાં બોક્સને ઝાલી રુદ્રા કારની બહાર ઊતરી. રસ્તા પર  ખાસ અવર જવર નહોતી. ક્લબમાંય ઓછી ગાડીઓ હતી. તે અંદર દાખલ થઈ. જય તેમજ મિત્ર ટોળકી આ વિશાળ ક્લબમાં ક્યાં હશે તેનો તેને ખ્યાલ નહોતો.

પેસેજમાં અવઢવતી દાખલ થઈ  તે ચારે તરફ નજર ફેરવતી રહી. સામે મોટી લોન હતી તેની પાછળ હારબંધ રુમો. જમણી તરફ શાંતિથી ઊંઘતો સ્વીમીંગપુલ અને તેની આગળના બાથરુમ્સ વટાવ્યા બાદ ડાબી તરફ બેન્ક્વેટ હોલ હતો. તે એ તરફ આગળ વધી ત્યાં તેને કાને રાત્રિના અંધકારને ચીરતો એક યુવતીનો તીણો ગભરાયેલો અવાજ અથડાયો.

“પ્લીઝ છોડ મને...યુ રાસ્કલ!” યુવતીનો સ્વર ધ્રૂજતો હતો તે રુદ્રા અનુભવી શકી. કંઈક ખોટું થઈ રહયાના ભણકારા તેના મનમાં વાગ્યાં. અવાજ બાથરુમમાંથી આવતો હતો.

“નો વે. એક કીસ તો બનતી હૈ.” એ પૌરુષી અવાજ જાણીતો લાગ્યો.

“ઊં... આહ...” સાથે એક દબાયેલી ચીસ.

અને એક ધક્કા સાથે કંઈક પછડાવાનો અવાજ સંભળાયો. રુદ્રાને સમજતાં વાર ન લાગી કે પેલી યુવતી સાથે જબરજસ્તી થઈ રહી છે. કેકનું બોક્સ નીચે મૂકી તે એ તરફ દોડી.

પેલો છોકરો એ યુવતી પર ઝળુંબી રહ્યો હતો. જમીન પર પછડાયેલી એ પેલા છોકરાની મજબૂત પકડમાંથી છૂટવા તરફડતી રહી, “બચાવો....” બૂમ પાડે તે પહેલાં એ છોકરાનો મજબૂત પંજો પેલીના હોઠ પર દબાયો અને ઝનૂનપૂર્વક છાતી પરથી સિલ્કનો ડ્રેસ ચીરાયો. રુદ્રાની સામે પેલાની પીઠ હતી અને છોકરીનો ઘવાયેલો ચહેરો જે ઝપાઝપી થયાની ચાડી ખાતો હતો. તેની આંખોમાં ભય સ્પષ્ટ રીતે ડોકાતો હતો. રુદ્રાને જોતાં જ એ કાજળઘેરી આંખોમાં મદદ માટેની આજીજી ઊભરાઈ.

રુદ્રા ત્વરિત દોડી. તેને શું સુઝયું કે આવેશમાં આવી ત્યાં ખૂણામાં પડેલો લોખંડનો સળિયો ઊપાડી લઈ જોરથી પેલાના માથે ફટાકારી દીધો. બીજું કંઈ  વિચારવાનો એ સમય નહોતો. હરણીસમી છટપટાતી પેલી છોકરીને છોડાવવી જ રહી.

લોહી નીંગળતી હાલતમાં માથું પકડી લેતો પેલો બેભાન થઈ ત્યાં ફર્શ પર ઢળી પડ્યો. એ યુવતી આભારવશ નજરે રુદ્રાને તાકતી રહી. પળવારમાં શું બની ગયું તે બંનેમાંથી કોઈને ન સમજાયું.

‘’જય... તું?’’ ત્યાં લોહીલુહાણ થઈ ઢળી પડેલો એ ચહેરો નજર સમક્ષ છતો થતાં જ રુદ્રાની આંખો ફાટી ગઈ. તે ત્યાં જ ફસડાઈ પડી. એક સ્તબ્ધતા આખા વાતાવરણને જકડી ગઈ અને પછી “આહહહ...” રુદ્રાનું આક્રંદ થીજી ગયેલી હવામાં પ્રસરી ગયું. અવાજ સાંભળી સૌ દોડી આવ્યા. 

‘’આંટી તમે આ શું કર્યું? જય? જય ઈઝ નો મોર! તમને કંઈ ભાન છે?” જયના મિત્રે પૂછ્યું.

“પહેલાં નહોતું બેટા, હવે ભાન આવ્યું. અવાજ પરથી મને સમજાઈ ગયેલું, એ જય હતો.” સૌના આશ્ચર્ય વચ્ચે આંખમાં ધસી આવતાં આંસુ લૂછતી રુદ્રાનો મક્કમ અવાજ આખી ક્લબમાં ગુંજ્યો, “મારા લાડકાને મેં ક્યારેય ન પૂછ્યું કે તું કોની સાથે, ક્યાં જાય છે, મોડી રાત સુધી શું કરે છે? તેને.. તેને લાડ લડાવ્યા પરંતુ સાચી સમજણ ન આપી શકી.” 

પેલી છોકરીને તેણે પોતાનો દુપટ્ટો ઓઢાડ્યો, એ જોઈ ત્યાં હાજર દરેકની આંખો છલકાઈ. 

“આંટી? થેંક્સ...” હાથ જોડતી એ બોલી ત્યારે તેના હોઠ પર પોતાના બે હાથ મૂકી દેતી રુદ્રા બોલી, “આંટી નહીં, મા. મને તારી મા સમજજે. સ્ત્રી ધારે તો દેવીમાંથી દૈત્યોનો નાશ કરનારી દુર્ગા બની શકે છે.”

ટટ્ટાર અડગ ચાલે બહાર નીકળી રુદ્રાએ દીપકને ઢંઢોળતા કહ્યું, “ચાલો પોલીસ સ્ટેશન.” આંખો ચોળતો દીપક રુદ્રાનું આ નવું સ્વરુપ જોઈ રહ્યો.

નીચે પડેલી કેક પર લખાયેલું, “હેપી બર્થડે જય” તે દિવસે એક નવી માનો જન્મ થયો. એ નારી-શક્તિનો જય હતો!

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates