જમાઈના કંકુપગલા

જમાઈના કંકુપગલા - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ

શિખરના માતા-પિતા કાર એક્સીડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. ફ્લેટમાં એકલો તે રહેતો. પોતાના જ શહેરની મા-બાપની એકની એક વ્હાલસોયી દીકરી નવ્યા સાથે તેના લગ્ન થયા. નવ્યાનાં કંકુ પગલાંથી શિખરનું મકાન જાણે ઘર બન્યું. પણ બીજી બાજુ નવ્યાનું ઘર.. ખાલીખમ સૂનું થઈ ગયું હતું. નવ્યાની મમ્મીની તબિયત નરમ ગરમ રહેતી. અવારનવાર નવ્યાને જવું પડતું. મા-બાપ માટે કોને જીવ ન બળે? વળી નવ્યાનો ફ્લેટ સેકન્ડ પ્લોર પર હતો. એના મમ્મીને પગની તકલીફ હતી. તેઓ દાદરા ચડી શકતા નહિ. બિલ્ડીંગમાં લિફ્ટ ન હતી. એટલે તેઓ અહીં આવી શકે તેમ ન હતા. શિખર પણ નવ્યાને સપોટ કરતો. વારંવાર જવાનું થાય તો પણ નારાજગી ન દર્શાવતો.

દોઢ વર્ષે નવ્યાને સારા દિવસ રહ્યા. નવ્યાને પોતાની તબિયત સાચવવા પડતી. માને સંભાળવી પડતી ને શિખરનું ઘર પણ. શિખર આ દોડાદોડી જોઈ રહ્યો હતો. એણે સામેથી નવ્યાને કીધું. ‘અત્યારે તારી હાલત સૂડી વચ્ચે સોપરી જેવી છે. તારા મમ્મીને પગની તકલીફ હોવાથી તે અહીં આવી શકશે નહીં, એ હું જાણું છું. આપણે થોડો સમય મમ્મીના ઘરે રહીએ તો મને કોઈ વાંધો નથી. ‘ઘરજમાઈ’ શબ્દથી હું ડરતો નથી. તું મને કહી નથી શકતી પણ હું સમજી શકં છું. એમનું ધ્યાન રાખવું આપણી ફરજ છે. એ મારા પણ માતાપિતા સમાન જ છે.’

નવ્યાની આંખોમાં ઝળઝળિયાં આવ્યા. એના મમ્મી-પપ્પા ભાવવિભોર થયા, સાસુના ઘરે જમાઈના કંકુ પગલાં થયા.

 

 

(કચ્છ ગુર્જરી એપ્રિલ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates