જૈન શ્રાવક તરીકેની આપણા સૌની ફરજો

જૈન શ્રાવક તરીકેની આપણા સૌની ફરજો - પંકજ રવિલાલ શાહ, દાદર

આપણે બધા જૈન શ્રાવક છીએ. કોઈ દેરાવાસી છે તો કોઈ સ્થાનકવાસી અને હવે તો તેમાં પણ કેટલા બધા ફાંટા પડતા જાય છે. જ્યારે કે ખરેખર તો જરૂર છે બધા જ ફાંટાઓને ભેગા મળીને એક થવાની. આજે આપણે ભલે કોઈપણ ગચ્છના અનુયાયી હોઈએ પણ સૌથી પહેલાં તો આપણે સૌ ભગવાન મહાવીર સ્વામીના જ અનુયાયી છીએ.

આપણા એરિયામાંથી કોઈ વ્યક્તિ સંસારની માયા છોડીને સંયમ માર્ગે જવા માટે દીક્ષા લે છે, ત્યારે તેમની દીક્ષા નિમિત્તે કેટલા બધા ચડાવા બોલીએ છીએ. પણ પછી એમના સંયમકાળમાં તેમના પ્રત્યેની આપણી શું ફરજો છે તેનો ક્યારેય પણ વિચાર કર્યો છે?

આપણા રહેણાંકની આજુબાજુમાં કોઈપણ ગચ્છનાં ગુરુ મહારાજ પધારે ત્યારે આપણે તેમને ગુરુવંદન કરવા જઈ તેમની શાતા તો પૂછીએ છીએ પણ સાથે તેમની ગોચરી-પાણીનો લાભ લેવા, તેમનો ગોચરીનો સમય જાણીને તે સમયે તેમને બોલાવવા ઉપાશ્રય કે સ્થાનકે જવું જોઈએ. આ આપણા શ્રાવકોના ૧૨ વ્રતમાંનો એક વ્રત છે. અને જો ગુરુ મહારાજ આપણા પરિસરથી પરિચિત ન હોય તો તેમને આપણા ઘરેથી સુજતો આહાર વહોરાવ્યા પછી તેમની સાથે આજુબાજુના જૈનોના ઘર બતાવવા અને તેમની ત્રણ ટાઈમની ગોચરી માટેની વ્યવસ્થા કરવી તે જૈન શ્રાવક તરીકે આપણા સૌની ફરજ છે. ક્યારેક કોઈ ગુરુ ભગવંતને નાની મોટી બીમારી કે સાચી ધર્મ પ્રમાણેની અડચણ અથવા અગવડતા હોય તો તે દૂર કરવી તે પણ આપણા સૌની ફરજ છે.

બીજું આજે આપણા ફ્લેટમાં આપણા માટે જેટલા રૂમ એટલા ટોયલેટ બાથરૂમ હોય છે, પણ સાધુ-સાધ્વીજીને પરઠવવા માટે ઉપાશ્રય કે સ્થાનકમાં કોઈ સગવડ છે કે નહીં તેની ક્યારેય નોંધ લીધી છે? પરઠવવા માટે જંગલ તો શહેરમાં ન લાવી શકાય પણ તે માટેની જયણાપૂર્વકની સગવડ પણ ન કરી શકીએ તો ગુરુ મહારાજ પાસે રસ્તા પર જાહેરમાં પરઠવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. આજે મુંબઈ જેવા શહેરમાં ઘણા સંઘના લોકો ગુરુ મહારાજને ફ્લેટમાં ઉતારો આપે છે અને પછી તેઓ સ્થંડિલ કે માત્રુ પરઠવવા માટે રસ્તા પર જાય છે ત્યારે અજૈન લોકો સાથે આપણે પણ બોલીએ છીએ કે અહીં ગંદકી થાય છે. આ પરઠવવાની સગવડ ન હોવાથી ઘણાં મુનિ ભગવંતો આજે મુંબઈ જેવા શહેરમાં આવવાનું ટાળે છે. અને જે આવે છે તેઓ ન છૂટકે જ્યારે બાથરૂમ વાપરે છે ત્યારે તે માટે તેમણે આલોચના લેવી પડતી હોય છે. તે આલોચના લેવી ન પડે તે જોવાની જવાબદારી સૌ શ્રાવકોની છે.

આજે ખરેખર તો ધર્મ અને ગુરુ વિશે સાચી સમજણ ન હોવાથી ગોખણીયું જ્ઞાન વધ્યું છે અને વિનય ઘટ્યો છે. આપણા માટે ખરેખર તો સર્વે પંચ મહાવ્રતધારી ગુરુ ભગવંત પૂજનીય હોવા જોઈએ ત્યાં આજે માત્ર સારા વ્યાખ્યાન આપીને મેદની ભેગી કરી શકે તે જ ગુરુનો મહિમા રહ્યો છે. આજે ઘણા એવા પણ ગુરુ મહારાજો છે જે પોતાના શેષકાળ માટે નવા તીર્થસ્થાન બનાવી, પોતાને અનુકૂળ આવે તેવા ટ્રસ્ટીઓની નિમણુંક કરી પોતે પણ ત્યાં સ્થિર થઈ જાય છે. તેવી જ રીતે અમુક જ્ઞાની સંસારી વ્યક્તિ પણ ગુરુ તરીકે પોતાના અલગ આશ્રમ બનાવે છે.. શું આપણો જૈન ધર્મ આવું કરવાનું કહે છે? આ જે કાંઈપણ ચાલે છે તે શું સાચો માર્ગ છે? ક્યારે પણ વિચાર કર્યો કે આમાં ભૂલ ક્યાં થાય છે? કદાચ આપણા હોદ્દેદારોના કાયદા કાનૂન કે ગુરુ મહારાજ પ્રત્યેની ફરજમાં આપણે ટૂંકા પડતા હશું. અરે ઘણીવાર તો જાણતાં અજાણતાં આપણા કે આપણા આગેવાનોનાં આચરણથી ગુરુ ભગવંતને મનમાં એવા ભાવ આવી જાય છે કે મેં દીક્ષા ક્યાં લીધી?

બીજી બાજુ પદ અને પ્રતિષ્ઠાની લાલચ રાખનાર પોતાને ટ્રસ્ટી મંડળમાં કે પ્રમુખ તરીકે રહેવા માટે કોઈ ગુરુની અયોગ્ય વાત પણ માની લે છે. નહીં તો આજે કોઈપણ ગુરુ મહારાજ ચોમાસા માટે એવી શરતો મૂકી જ કેમ શકે કે ચોમાસા દરમિયાન સંઘમાં જેટલા પૈસા જમા થાય તેમાંથી અમુક ટકા હું કહું ત્યાં આપવાના. અરે ભાઈ જેણે સંસાર છોડી દીધો છે તેને પૈસાની જરૂર જ કેમ પડે? કારણકે આપણા સંઘના લોકો એક શ્રાવક તરીકેની જવાબદારીમાં ક્યાંક ઓછા પડે છે. અને કોઈ ગુરુમહારાજ તેમની શરતો મૂકે તો એ મુજબ ચાલવાને બદલે ગુરુ મહારાજને વિનમ્રતાથી કહી દેવાનું કે સાહેબજી અમે કોઈપણ પ્રકારની બોલી કે ફાળો એકત્ર કરતાં નથી માટે તમે કહો છો તે નહીં થાય. આપ આપના આત્માનું કલ્યાણ કરો સાથે અમને સહુને પણ સાચો ધર્મનો માર્ગ બતાવો. તો જે શિથિલ હશે તે ચારિત્રવાન બની ને સાચો ધર્મ કરતાં થાશે.

હજી ક્યાં ભૂલ થાય છે? સમાજમાં વાહવાહ મેળવવા માટે જ્યારે કાર્યકર્તાઓ વધારે પડતી સુવિધા ઊભી કરવામાં અજાણતાં ધર્મ વિરુદ્ધની વ્યવસ્થા કરતા હોય છે. દા.ત. આપણા જૈન ધર્મમાં જીભના સ્વાદ પ્રત્યેની આસક્તિ ઓછી કરવા માટે આયંબિલ તપ કરવાનું કહ્યું છે જેમાં છ વિગઈઓ દૂધ, દહીં, ઘી, તેલ, સાકર અને ગોળ વગરનો સાદો આહાર લેવાનો હોય છે. પણ આપણા કાર્યકર્તા વધારે સંખ્યામાં આયંબિલ તપ થાય તેવી સારી ભાવના વ્યક્ત કરવામાં ૧૫ વસ્તુના બદલે ૫૫ વસ્તુઓ બનાવે છે. દા.ત. ઢોસા, ઉત્તપા, પીઝા, મંચુરિયન, દહીંવડા, ભેલ, ફાફડા, અને એવા નામ સાથે દેખાવ પણ એવો હોય છે તો આમાં જીભના આશક્તી અને પ્રમાદ ઓછા ક્યાંથી થાય? આયંબિલ કરવાવાળા તો થાળી ધોઈને પી જશે પણ તેમના માટે બનાવેલ એટલી બધી વાનગીઓમાં જે વધે તેનો બગાડ તો નથી થતો ને એ કોઈએ ક્યારે જોયું છે?

તેવી જ રીતે પ્રભાવના... બહુ દુઃખની વાત છે કે આજે દરેક સ્થળે જે જૈનોની પાઠશાળા ચાલે છે તેમાં ઘણી જગ્યાએ લોકો પાઠશાળામાં આવે તે માટે પ્રભાવનારૂપી લાલચ આપવી પડે છે અને આપણે સૌ તે લઈએ પણ છીએ. મને તે નથી સમજાતું કે જ્યારે સ્કૂલમાં ભણવા માટે આપણે ભારે ફી ચૂકવીએ છીએ તો ધર્મનું ભણવા માટે ફી તો ચૂકવતા નથી અને તેના બદલે પ્રભાવના લઈએ છીએ! કોઈ કહેશે નાના બાળકોને લાલચ આપવી પડે પણ હું તો કહીશ  લાલચ આપીને નહીં પણ સાચી રીતે સમજાવીને પાઠશાળા મોકલાવી શકો છો. જ્યારે આજે ઘણા લોકો પોતાના બાળકોને પ્રભાવના ન લેવાના સંસ્કાર આપવાને બદલે પોતે જ સામેથી પ્રભાવના માંગે છે. અરે પ્રભાવનાની તો એવી આદત પડી ગઈ છે કે આયંબિલ કરીએ કે અઠ્ઠાઈ, પ્રતિક્રમણ કરીએ કે વ્યાખ્યાન સાંભળવા જઈએ પણ પ્રભાવના તો લેવાની. કોઈ કહેશે હું તો પ્રભાવના લઈને ભંડાર પૂરું છું. પણ ભાઈ ભંડાર સ્વદ્રવ્યે પુરવાનો હોય છે પ્રભાવના લઈને નહીં. અને જો બાળકને સાચા સંસ્કાર આપશો તો તેને ક્યારે પણ લાલચ આપવાની જરૂર નહીં પડે.

આ સમજણનો અભાવ છે. કારણકે પાઠશાળામાં જઈને જે ભણીએ છીએ તે સ્કૂલની પરીક્ષાની જેમ અલગ અલગ શ્રેણીની પરીક્ષા દેવા પૂરતું જ. અગર ઊંચી શ્રેણી પાસ કરનારને જો આગળની શ્રેણીમાંથી કંઈક પૂછીએ તો ઘણા કહેશે કે આ ભણ્યાં તો હતા પણ અત્યારે યાદ નથી. કારણકે ભણ્યાં’તા પણ શ્રેણીની પરીક્ષામાં પાસ થવા માટે, તેથી તે સૂત્રનાં અર્થ સમજી તેનું જીવનમાં આચરણ તો કરતાં જ નથી. આજે આપણે જે ધર્મ કરીએ છીએ તે દુનિયાને બતાવવા માટે જ કરીએ છીએ. હું એમ નથી કહેતો કે સંસાર છોડીને દીક્ષા લઈ લો. આપણે જ્યાં સુધી દીક્ષા નથી લીધી ત્યાં સુધી સૌ સંસારી લોકોને ગૃહસ્થી ધર્મ અને પરિવારની જવાબદારી તો પૂરી કરવાની રહેશે જ પણ તેની સાથે ગુરુ પાસે સાચું જ્ઞાન લઈ સાંસારિક જીવનની ફરજો સાથે સમજણપૂર્વક ધર્મ કરીએ તો? આત્માના કલ્યાણ માટે સાચો ધર્મ કરશું તો તે જ આપણને મોક્ષ તરફ લઈ જશે. પણ જો સમજણ જ સાચી નહીં હોય તો ધર્મ કેવી રીતે કરશું.

આજે દરેકે દરેક વ્યક્તિને મારી નમ્ર વિનંતી છે કે તમે એક સાચા જૈન તરીકે તમારી લક્ષ્મીને ખોટા માર્ગે ખર્ચ ન કરતાં સદુપયોગ કરો. આજે લગ્નમાં દેખાદેખીને લીધે જે ખોટા ખર્ચ કરવામાં આવે છે, તે બંધ કરીને તે પૈસા લગ્ન કે જન્મ દિવસ નિમીત્તે સારી જગ્યાએ વાપરો. પછી જુઓ તેના તમને કેટલા બધા ફાયદા થાય છે આ જોઈને તમારા સાધર્મિકો પણ સમાજમાં દેખાદેખીના ખોટા ખર્ચમાંથી બચી જશે.

સમય હજી ખરાબ આવશે માટે આપણને આપણા બાળકોના ધાર્મિક સંસ્કાર મજબૂત કરવા જરૂરી છે. આજનું શિક્ષણ જે અંગ્રેજોની દેન છે તેણે આપણને નાસ્તિક બનાવીને પશ્ચિમ શિક્ષણના ગુલામ બનાવી આપણા દેશમાં ૨૦૦ વર્ષ સુધી શાસન કર્યું. આ તો અમુક લોકોએ આ વાત સમજીને ફરીથી તે શિક્ષણ તે જ આપણી જૂની રીતે આપવા હવે આપણા જૈનો દ્વારા સંચાલિત મુંબઈ, અમદાવાદ, સુરત ને જોધપુર જેવા શહેરમાં ચાલતી જૈનો માટેની સારામાં સારી વિદ્યાલય અને સ્કૂલ ગુરુકુલમ છે, જે આજની પેઢીને દરેક રીતે પોતાના પગ પર ઊભા રહી શકે તેમ તૈયાર કરે છે. જો દરેક જણ પોતાનાં બાળકોને ત્યાં ભણવા મોકલશે તો તેમને જીવનમાં જરૂરી જ્ઞાન સાથે ધર્મનાં સારા સંસ્કાર મળશે માટે જ કહું છું કે જો દાન દેવું હોય તો આવી જૈનોની શિક્ષણ સંસ્થામાં તમારો પૈસો વાપરશો તો તે જૈનો માટે સૌથી સારી પ્રભાવના કહેવાશે અને એ સહુથી સારો ધર્મ કર્યો કહેવાશે.

મારી વાત વાંચીને ભૂલી ન જતા. સર્વેને વાત કરીને સમજાવશો તો એ પણ એક પ્રકારની ધર્મ આરાધના જ છે.

જિનઆજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખ્યું હોય તો મિચ્છામી દુક્કડમ્‌. મારી ભૂલ સુધારવા મને ૮૯૭૬૯૧૧૫૭૨ પર ફોન કે વોટ્‌સએપ કરીને સાચું માર્ગદર્શન આપશો.

(તપોવન સંસ્કારધામ અને ગુરુકુલમ જેવી સંસ્થા વિશેની માહિતી ભેગી કરું છું. કારણકે ઘણા લોકો પોતાના બાળકોને તેમાં મોકલવા બાબત હજી અચકાય છે. તેમને માટે બીજો લેખ લખવાનો વિચાર છે.)

ભલે અત્યારે અનુકૂળતા ન હોવાને લીધે ન કરી શકીએ પણ અનુકુળતા મળતાં કરીશું. એવી ભાવના -

- રોજ બને એટલા વધારે જીવોને અભયદાન આપીશ.

- રોજ બને એટલા વધારે છ કાયનાં જીવોની પૂરી કોશીશ સાથે રક્ષા કરીશ.

- રોજ ઓછામાં ઓછો એક સામાયિક કરીશ. - રોજ ૧૨ લોગ્ગસનો કાઉસ્સગ કરીશ.

- રોજ સવારે ૧૨ વંદના કરીશ. (૩ વંદના સર્વ અરિહંત પરમાત્માને, ૩ વંદના સર્વ સિદ્ધ ભગવંતોને, ૩ વંદના પંચ મહાવ્રતધારી અને અરિહંત ભગવાનની આજ્ઞા મુજબ વિચરતા સર્વ સાધુ અને સાધ્વીજીઓને, ૩ વંદના કેવલી રૂપ ધર્મને જે મને મોક્ષનો સાચો રસ્તો બતાવશે.

- હું રાત્રિ ભોજનનો અને કંદમૂળનો ત્યાગ કરીશ.

- રોજ જમવા બેસતાં પહેલાં ૫ નવકાર ગણીને એવી ભાવના ભાવીશ કે હું પંચ મહાવ્રતધારી ગુરુ ભગવંતોને વહોરાવીને પછી જમવા બેસીશ અને જમીને થાળી ધોઈને પી જઈશ. (અનાજ અને પાણીનો બગાડ નહીં કરું.)

- હું જલ્દીથી શ્રાવકના ૧૨ વ્રત (અમુક આજીવન અને અમુક હર વર્ષે) અને ૧૪ નિયમ લઈને તેને સાચી રીતે પાળી શકું એવી શક્તિ આપજો.

- હું મારું વ્યક્તિત્વ સુધારવાની પૂરી કોશિશ કરીશ.

- જન્મથી લઈને મૃત્યુ સુધી સતત કર્મ બંધ ચાલુ જ રહેશે માટે ધ્યાન રાખીશ કે પુણ્યબંધ વધારે થાય અને પાપબંધ ઓછો થાય.

- રોજ સવારે ઉઠીને ભગવાનનો આભાર માનવાનો કે હે પ્રભુ તમે મને હજી એક સુંદર દિવસ આપ્યો જેમાં હું મારાં કર્મ ખપાવીને ધર્મ કરી શકીશ.

- રોજ રાત્રે સુતી વખતે ઈરિયાવહિયાનો પાઠ કરી સર્વ જીવોને ખમાવીને બધું જ વોસરાવી દેવા માટે બોલવાનું આહાર શરીર ને ઉપધી પચ્ચકખુ પાપ ૧૮ મરણ આવે તો વોસિરે જીવું તો આગાર.

 

 

 

(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates