જૈન ધર્મ અને વિજ્ઞાન

જૈન ધર્મ અને વિજ્ઞાન - અલ્કા સુનિલ શાહ, વડોદરા

વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. આજે આપણે સૌ ૨૧મી સદીમાં જીવી રહ્યા છીએ. જ્યાં દરરોજ કોઈને કોઈ નવી શોધખોળ થતી રહે છે અને માનવી દિન-પ્રતિદિન વધુ ને વધુ સિદ્ધિ હાંસલ કરીને કુદરત પર વિજય મેળવવા માટે કટિબદ્ધ બનતો જાય છે. આપણે માનીએ છીએ કે માનવજાતની વિકાસની આ યશોગાથા વિજ્ઞાનને આભારી છે. પથ્થર યુગનો આદિ માનવ આજ મંગળ ગ્રહ પર પગરણ માંડી ચૂક્યો છે પણ એવી કેટલીય બાબતો છે કે જેને આપણા તીર્થંકર ભગવંતોએ વર્ષો પૂર્વે કહેલી જ હતી.. એ આપણે શું ભૂલી નથી ગયા?

પૃથ્વી ગોળ છે અને સૂર્ય - ચંદ્ર તારા અને ગ્રહો આ બધું બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે એવું આજે વિજ્ઞાન કહે છે. પણ સર્વજ્ઞ ભગવંતોએ તો ચૌદ રાજલોકમાં આપણે જ્યાં વસીએ છીએ એ જંબુદ્વીપનો આકાર ગોળ થાળી જેવો બતાવ્યો છે અને એની આસપાસના બધા દ્વીપ, સમુદ્રો આદિનું પણ વર્ણન ખૂબ વિસ્તૃત રીતે લઘુસંગ્રહણી ગ્રંથમાં આચાર્ય શ્રી હરિભદ્ર સૂરિજીએ કરેલું જ છે. બ્રહ્માંડમાં અનેક આકાશગંગા - ૠફહફડ્ઢુ છે એવું સાબિત થયું છે તો પ્રભુ મુખેથી સાંભળીને દ્વાદશાંગીની રચના કરનાર પૂ. ગણધર ભગવંતોએ તો આ સત્ય વર્ષો પૂર્વ કહ્યું હતું. જેમાં સૂર્ય, ચંદ્ર, જ્યોતિષીવિમાન, આદિ સર્વેનું વર્ણન આ આકાશગંગાની સાથે સામ્યતા ધરાવે જ છે.

આપણી દિનચર્યાથી જ શરૂઆત કરીએ તો ધર્મ ક્યાં ક્યાં વિજ્ઞાન સાથે સંકળાયેલ છે એની સરખામણી થઈ જશે.

રાતે વહેલા જે સૂએ, વહેલા ઉઠે વીર

બળ- બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.

એવું આપણા પૂર્વજો કહી ગયા અને આપણે પણ માનીએ છીએ તો પ્રભુએ પણ જ્યારે ગૌતમસ્વામીએ પૂછેલું ત્યારે શ્રાવકની દિનચર્યાની દરેક બાબતો- ક્યારે જાગવું, શું શું કરવું, શું ખાવું- ક્યારે સૂવું- આ બધી જ વાતોની વિસ્તૃત વાત કરેલ તેમાં કહ્યું છે કે, સૂર્યોદય પૂર્વે એક પ્રહર બાકી હોય ત્યારે જાગવું અને જાગ્યા પછી જે ક્રિયાઓ આપણે કરીએ તેની વાત કરીએ તો આજે વિજ્ઞાન કહે છે કે વહેલી સવારે વાતાવરણમાં ’ઘુજ્ઞક્ષય’નું પ્રમાણ સવિશેષ હોય જેથી સવારમાં યોગાસન કરો- પ્રાણાયામ કરો. મોર્નીંગ વૉક લો એથી સ્વાસ્થ્ય સારું રહેશે. સાચો જૈન તો સવારે ઊઠીને પ્રભુસ્મરણ કરીને રાત્રિ દરમિયાન થયેલ પાપમાંથી પાછા ફરવાની ક્રિયારૂપ પ્રતિક્રમણ અવશ્ય કરશે જ. આ પ્રતિક્રમણની એક એક ક્રિયા વિધિ ખમાસમણું એટલે પંચાગ પ્રણિપાત, ગુરૂવંદન, વાંદણા (જેમાં સત્તર સંડાસા આવે) કાઉસગ્ગ આ દરેકેદરેક ક્રિયાઓ હકીકતમાં યૌગિક ક્રિયાઓ જેવી કે શંશાકાસન, ભૂધરાસન, કંઈક અંશે સૂર્યનમસ્કાર અને અલગ અલગ પ્રાણાયામ આ બધું જ પ્રતિક્રમણમાં આપણે કરીએ છીએ જ. જે આજનો આધુનિક માનવ યોગાસનના વર્ગોમાં જઈને કે જીમમાં જઈને કરે છે!

વનસ્પતિમાં જીવ છે એવું શ્રી જગદીશચંદ્ર બોજે શોધ્યું તો આપણે માન્યું, પણ એ જ વાત કે વનસ્પતિ એ એકેન્દ્રિય - સ્થાવર જીવ છે એવું નવતત્ત્વમાં ભગવાને કહ્યું હતું તે આપણે ભૂલી ગયા? અમેરિકા જેવા દેશના લોકો આજે ‘વિઘન’બનીને જીવે તો આપણે વાહવાહ કરી તેમને બિરદાવીએ પણ આપણું શાકાહારીપણું પણ કંઈક અંશે આ ‘વિઘન’ સાથ સામ્યતા ધરાવે છે એ પણ હકીકત છે.

આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે. પૃથ્વી- જળ - વાયુ- અગ્નિ અને આકાશ આ પંચમહાભૂતોની સમાનતા હોય તો સ્વાસ્થ્ય જળવાઈ રહે પણ જો તેમાં વધઘટ થાય તો તંદુરસ્તી બગડે એ જ બાબત ભગવાને કહી છે કે પર્વ-તિથીના દિવસોમાં લીલોતરીનો ત્યાગ કરવો શા માટે? વનસ્પતિમાં જલીયાંશ તત્ત્વ છે. વળી ચંદ્રની કળાની વધઘટના પરિણામે અમુક તિથિઓમાં જલતત્ત્વનું પ્રાધાન્ય વિશેષ હોય આમ વાતાવરણમાં અને શરીરમાં આની સમતુલા જળવાય માટે બીજ, પાંચમ, આઠમ, ચૌદસ-પૂનમ, અમાસ આદિ સમયમાં આ વનસ્પતિનો ત્યાગ કરવા પ્રભુએ સમજાવેલ છે. એ જ પ્રમાણે આજે વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે અમુક આહારથી માણસમાં તમોગુણની વૃદ્ધિ થાય છે. પરિણામે માણસની પ્રકૃતિ તામસી બનતાં તે ક્રોધી, હિંસક બને છે આવા આહારમાં કાંદાલસણ વગેરે ગણાવેલ છે. તો આપણા ભગવાને આ સર્વ કંદમૂળ અનંતકાય છે તેથી જીવહિંસા થાય છે માટે તેને ત્યાજ્ય ગણાવ્યા છે.

આયુર્વેદમાં મહર્ષિ વાગભટ્ટે આહાર અંગે અમુક બાબતો જણાવી છે કે કઠોળ સાથે દહીં અભિષ્યંદી છે માટે તે ન ખાવું.. તેથી ચર્મવિકાર થાય અને જો ખાવું જ હોય તો દહીં સંસ્કારિત કરીને - ગરમ કરી-વઘારીને - તેનું સ્વરૂપ બદલીને ખાઓ. વિરુદ્ધ આહારમાં ઘણી બાબતો જણાવી શરીર માટે આવો આહાર નુકસાન કરનાર છે જેથી ચામડીના, શ્વાસના રોગો થાય છે તેવું કહ્યું છે. તો સર્વજ્ઞ ભગવંતોએ પણ દ્વિદળની ખૂબ સુંદર સમજ આપતાં કહ્યું છે કે કાચા દહીં, દૂધ સાથે સર્વ કઠોળ ત્યાજ્ય ગણવા.. જેથી જીવહિંસાથી બચી શકાય. તે જ પ્રમાણે અમુક અભક્ષ્ય પદાર્થોની પણ સુંદર સમજ પ્રભુએ આપી તેનો ત્યાગ કરવા કહ્યું છે.

આજે વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે વાસી ખોરાક ખાવાથી પાચનતંત્ર બગડે છે. પ્રભુએ પણ રાત વાસી પદાર્થોમાં લાળિયા જીવની (બેઈન્દ્રિય જીવની) ઉત્પત્તિ થાય છે માટે તેનો ત્યાગ કરવા કહેલું જ છે. પણ આજે આધુનિક સમયમાં જીવતા આપણે આ વાતોને એટલી ગંભીર નથી ગણતા અને પછી એવો આહાર લઈને જાતજાતના રોગોના ભોગ બની ડૉકટરો પાસે દોડીએ છીએ.

પાણીમાં અસંખ્ય જીવ છે અને જો તેને શુદ્ધ કર્યા વગર પીવામાં આવે તો પાણીજન્ય અનેક રોગો જેવા કે કમળો, મરડો, કોલેરા આદિનો ભોગ બની જવાય છે. માટે જ આજે માનવી મીનરલ વોટર પીવાનું પસંદ કરે છે. સાચો શ્રાવક તો કાયમ ઉકાળેલું પાણી જ પીવે છે. પ્રભુએ પણ કહ્યું છે કે પાણી અર્થાત્‌ અપકાય જેમાં અસંખ્ય સૂક્ષ્મ જીવો છે. ગાળ્યા વગરનું પાણી ન પીવો અને ઉકાળેલ પાણીમાં આ જીવો વારંવાર ઉત્પન્ન થતા અટકે છે માટે પાણી ઉકાળીને પીવા કહ્યું છે. એ જ રીતે આપણી આવનારી પેઢીઓને પણ પાણી મળી રહે એ માટે અત્યારથી જ જાગૃતિ આણી પાણીનો અપવ્યય થતો અટકાવવો જરૂરી છે એ વાત આજનો સમજદાર માનવી જાણી શક્યો માટે જ ‘સેવ વૉટર’ના નામે લોકોને સમજાવવા પ્રયત્ન કરે છે. સામે આપણા ભગવાને તો વર્ષો પૂર્વે કહેલ કે- અપકાયમાં અસંખ્ય જીવો હોવાથી તેની હિંસા ન કરો. તેનો ખપ પૂરતો જ ઉપયોગ કરો. પાણીને બચાવો.

આપણા વ્રત- ઉપવાસ- આયંબિલ- એકાસણું, બેઆસણું આ બધા પાછળ કોઈને કોઈ હાદર્ છુપાયેલ છે એને આપણે સમજી નથી શક્યા. આજે વિજ્ઞાન પણ કહે છે કે બધા રોગોનું મૂળ પેટ છે. એને સ્વસ્થ રાખવા માટે આહાર સમજી વિચારીને લો- અકરાંતિયાની પેઠે ખા-ખા ન કરો. જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે ડૉકટરો યા તો ખોરાક સદંતર બંધ કરાવીને ગ્લુકોઝના બોટલ ચઢાવે છે તો ક્યારેક હળવો સુપાચ્ય ખોરાક જ લેવો તેવું કહે છે. આ બધું આપણા ધર્મમાં આવેલું જ છે. નવકારશીનું પચ્ચખાણ - કરીએ એટલે નિયમમાં આવીએ ખાવા પર અંકુશ આપોઆપ આવે. આયંબિલ એટલે તેલ- મરી-મસાલા વગરનો હળવો સુપાચ્ય આહાર જ છે જેથી પાચનતંત્રને આરામ મળે છે. એ જ પ્રમાણે આપણું ઉણોદરી તપ કે વૃત્તિ સંક્ષેપ જેવું આભ્યંતર તપ પણ આહાર પર નિયંત્રણ જ સૂચવે છે ને?

આજનું આધુનિક વિજ્ઞાન માને છે કે રાત્રે નિદ્રા લેતાં પૂર્વે ત્રણ કલાક પહેલાં સાંજનું હળવું ભોજન કરવું જેથી શરીર સ્વસ્થ રહે. એસીડીટી, ગેસ ટ્રબલ, અલ્સર આદિ અનેક રોગોથી બચી શકાય. પ્રભુએ એથી જ ચોવિહારનો નિયમ બતાવ્યો. સૂર્યાસ્ત પૂર્વે સાંજનું ભોજન લેવું. રાત્રિભોજનનો ત્યાગ કરવાનું કહ્યું. આપણા જ્ઞાની ભગવંત કેટલા દૂરંદેશી હતા! આપણી મશલયતશિંદય તુતયિંળને હેલ્થી રાખવી હશે, સ્વસ્થ રહેવું હશે તો આ વાતને જીવનમાં અપનાવવી જ રહી. શરીરની સાથે મન પણ પ્રસન્ન રહેવું જરૂરી છે. મનોરોગી અનેક શારીરિક વ્યાધિઓને પણ નોંતરે જ છે એ માટે મન પ્રસન્ન ચિત્ત- સ્વસ્થ રહેવું જોઈએ. આપણા પાંચ મહાવ્રત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આને જો જીવનમાં અપનાવીએ તો દિન-પ્રતિદિન વધતી જતી માનસિક તાણથી દૂર રહી શકીએ.

વારંવાર વિશ્વયુદ્ધ થશે તો... ના ભયથી આજે સમગ્ર વિશ્વ ભયભીત છે જ.. આજે શાંતિની અહાલેક જગાવવી હશે તો પ્રભુ મહાવીરે ચીંધેલા અહિંસાના માર્ગે કદમ આગળ માંડવા જ પડશે. માનવી માનવી વચ્ચે પ્રેમ ભાવ સ્થાપવા માટે ‘જીવો અને સર્વ જીવોને જીવવા દો’નો મંત્ર અપનાવવો પડશે. પ્રત્યેક માનવી મારો ભાઈ છે એવી ભાવના મનમાં સ્થાપિત કરવા માટે ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને ચરિતાર્થ કરવી પડશે.

હમણાંની જ વાત કરું તો.. થોડા સમય પૂર્વે સુપ્રિમ કોર્ટે ઈચ્છા મૃત્યુનો સ્વીકાર કરવાનું કહ્યું. માનવી ઈચ્છે તો પોતાના મૃત્યુને પણ ઈચ્છા મુજબ સ્વીકારી શકે. પ્રભુએ તો હજારો વર્ષ પૂર્વે ‘સંલેષણા’અને ‘સાગારી અણસણ’ની વાત કરી જ હતી ને? આત્મા પર વિજય મેળવવાનું સરળ કાર્ય.. પ્રભુએ શીખવ્યું છે.

આજના બુદ્ધિશાળી બાળકો વાતવાતમાં સંદેહ પેદા કરે કે આવું શા માટે? કોણે કહ્યું કે આમ કરવાથી આમ થશે? તો એ સમયે આપણે એને સાબિતી અને ઉદાહરણ સાથે સમજાવવું પડે તો જ એના નાનકડા મગજમાં એ વાત બંધબેસતી થાય. વિજ્ઞાનના આ યુગમાં લોકો કોઈ વાત એમને એમ આંધળું અનુકરણ કરીને સ્વીકારવા તૈયાર નથી થતા. એ વાત પહેલાં સાબિત કરો, પછી જ માનીશું એમ તેઓ કહે છે.

આ સમયે આપણા કેવળી ભગવંતોએ પ્રરૂપેલ જૈન ધર્મની સાચી સમજ આપી એમને હર એક બાબત ગીતાર્થ ગુરૂ પાસે સમજાવી હૃદયસ્થ કરાવી શકીએ એટલું જ્ઞાન સાચા અર્થમાં આપણા જૈન ધર્મમાં ભંડારેલું પડ્યું છે. જેને વિજ્ઞાન સાથે સહજ રીતે સાંકળી કોઈપણ દાખલા-દલીલ વગર સ્વીકારી શકાય તેમ છે જ. બસ એ વિષયની સાચી સમજ કેળવવા માટે પહેલાં ધર્મને સાચી રીતે જાણવો પડશે. હૃદયમાં ઉતારવો પડશે. એક અતૂટ શ્રદ્ધા કેળવવી પડશે કે મારા ભગવાને કહ્યું છે એ સાચું છે તો પછી વિજ્ઞાનની સાથે દોટ મૂકવાની સાચા જૈનને ક્યારેય જરૂર નહીં જ પડે એવું હું માનું છું.

 

(કચ્છ ગુર્જરીના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates