હસે તેનું દુઃખ ખસે

હસે તેનું દુઃખ ખસે - સુધાબેન મહેન્દ્ર મહેતા, ઘાટકોપર (માંડવી)

દુનિયામાં ચોર્યાશી લાખ યોનિઓ માનવામાં આવી છે જેમાં માત્ર મનુષ્યજ હસી શકે છે. કુતરા, બિલાડા કે ગધેડાને ક્યારે પણ હસતા જોયા છે? કોઈ પણ પ્રાણી પાસે હસવાની ક્ષમતા નથી, માત્ર મનુષ્ય પાસેજ છે, છતાં પણ એ કેમ હસતો નથી? લાગે છે બધા જાનવરને જોઈને એનું પણ હાસ્ય વિસરાઈ ગયું છે. મનુષ્યએ પોતાની સ્વભાવિક સરળતા અને પવિત્રતાને વેડફી નાખી છે, પરિણામે હાસ્ય નાશ પામ્યું છે. એક માણસ જ એવો છે જે રડતાં રડતાં જન્મે છે, ફરિયાદ કરતાં કરતાં જીવે છે અને પશ્ચાતાપ કરી કરીને મરે છે. શા માટે? કારણકે અનમોલ હસવાનું વિસરાઈ ગયું છે. ‘હસે તેનું દુઃખ ખસે’ આ શિર્ષક પર લખવાથી ખરેખર દિલ બાગબાગ થઈ જાય છે.

'Smile is electricity and Life is Battery, whenever you smile battery is charged and your day becomes beautiful.'

હા મિત્રો આ હાસ્યજ જીવનમાં જાદુ ભરે છે. સવારે પથારીમાંથી ઉઠતાંજ દર્પણ સામે પોતાનો ચહેરો જોઈ અને હસો, કારણકે આજની તનાવ ભરી જીવનશૈલીમાં માણસ હસવાનું ભૂલી રહ્યો છે. ઘણા લોકોની તો હસવાની ક્ષમતાજ ક્ષીણ થઈ ગઈ છે. તનાવને કારણે ઉદાસ, ચિંતીત અને વિચારમગ્ન થઈ જાય છે. આવી સ્થિતિમાં જિંદગીની સારી પળો, આનંદીત પળો યાદ કરીને દિલ ખોલીને હસો. માણસને આટલી દવાઓ કેમ ખાવી પડે છે? કારણકે એ હસતો નથી. તમને જ્યારે તબિયતની ચિંતા થાય, ટેન્શન, ડિપ્રેશન સતાવે ત્યારે ખડખડાટ હસવાનો સારામાં સારો ઈલાજ છે. વૈજ્ઞાનિક રીતે આ સિદ્ધ થયેલી વાત છે. હસવાથી નવજીવન મળે છે, આનંદ અને ઉત્સાહ વધે છે.

કુદરતમાં ચારેકોર હાસ્ય ફેલાયેલું છે. ખીલી રહેલાં ફૂલોમાં, કોયલની મીઠી કુંહુમાં, ઉગતા સૂર્યના કિરણમાં, સરિતાના ખળખળ વહેતા નીરમા હાસ્યનો અનુભવ કરો તો મન પ્રસન્ન રહેશે. જેમ ગાડીને પુરપાટ ચલાવવા માટે પેટ્રોલની ટાંકી ફુલ કરવી પડે છે, મોબાઈલ આખો દિવસ ચલાવવા માટે રોજ સવારે ચાર્જ કરવો પડે છે, તેમજ આનંદ અને ઉત્સાહમાં રહેવા માટે આપણે પણ ચાજ ર્થવું પડે છે. એના માટે યોગ, કસરત, લાફીંગ કરવું ખૂબજ જરૂરી છે.

‘જરા હસતાં હસતાં જીવો તો જીવન બદલાઈ જશે, માથે ભાર લઈને ફરશો તો જીવન કરમાઈ જશે.’

કોઈએ કેટલું સરસ કહ્યું છે કે ‘ભોજન અડધું કરો, પાણી એથી બે ગણું પીવો, ફરવાનું ત્રણ ગણું કરો અને હસવાનું ચાર ગણું કરો.’ આ ઉપરથી લાગે છે ને હસવું અને હસાવવું એ સૌથી અગત્યનું છે. ખુશ મન માઈલો ચાલી જાય છે અને ઉદાસ મન કદમમાં થાકી જાય છે. અને મિત્રો આ હસવામાં નિદરેષતા, નિર્મળતા હોવી જોઈએ. કોઈ વ્યક્તિ પર બિલકુલ હસવાનું નથી, ટીખળ કરી કોઈ પડતાને જોઈ હસવાનું નથી, એને પ્રેમથી ઉઠાડવાના છે. એક સ્મિત હજારો લોકોને પોતાના બનાવી શકે છે, દુનિયાના હજારો ગમનો નાશ કરી શકે છે. ઘણી ઉદાસી ભોગવી કાંઈ લાભ નથી થયો. જેને હસતાં આવડે છે એના આંસુ પણ હસે છે અને જેને હસતાં નથી આવડતું એનું હાસ્ય પણ રૂદન છે. માટેજ હસતા રહેજો. બીજું જીવનમાં એક મંત્ર ખાસ યાદ રાખવાનોકે ‘હસો, હસાવો અને હસી નાખો’ હસો અને હસાવો જિંદગીમાં ચાલે છે પણ ત્રીજો મહત્ત્વનો મંત્ર હસી નાખો એ ખરેખર અઘરું છે, પણ જો આપણે એ મંત્ર અપનાવશું તો ખૂબ સુખી થશું. માટે જ મિત્રો..

‘કલકા દિન કિસને દેખા, આજકા દિન ખોયે ક્યું?

જિન ઘડિયોંમેં હસ સકતેહૈં ઉન ઘડિયોંમેં રોયે ક્યું?

તો જિંદગી હકારાત્મક રીતે જીવવા માટે ચાલો સહુ સાથે હસીએ.

‘ચાલો સહુ એ સાથે હસીએ, કારણ વિના થોડું હસીએ,

નાના-મોટા સહુ મળીને, મુક્ત મને સહુ સાથે હસીએ.

બાળક જેવું સ્મિત કરીને, મોકો મળતાં ખડખડ હસીએ,

પડઘા પાડી ઘરની ભીંતે હસી હસીને બેવળ વળીએ.

હસવામાં કોઈ હાણ નથી, હસવાનાં કોઈ દામ નથી,

તમે હસશો તો સૌએ હસશે, પરના દિલને જીતી લઈએ.

 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૭ : નિબંધ)

(કચ્છ ગુર્જરીના જુલાઈ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates