હસે તેનું દુઃખ ખસે

હસે તેનું દુઃખ ખસે - શિતલ સંજય દેવજી મહેતા (ડગારાવાળા), માંડવી

હાસ્ય એ મનુષ્યને મળેલું મોટામાં મોટું વરદાન, એક ઉત્તમ ઔષધ અને એક સારી કસરત છે. સંઘર્ષ, સમસ્યા અને તાણથી ભરેલા જીવનમાં રાહત મેળવવાનો સરળ અને શ્રેષ્ઠ ઉપાય એટલે મુક્ત હાસ્ય, ખડખડાટ હાસ્ય. એ હાસ્ય મેળવવા માટે ક્યાંય લાફીંગ ક્લબમાં કે પાટીઓમાં જવાની જરૂર નથી. એનો મૂળ સ્ત્રોત માનવીનું મન અને એનું ઘર છે. તમે કોઈ હસમુખા, ઉત્સાહ અને તરવરાટથી ભરપુર વ્યક્તિત્વવાળી કોઈ વ્યક્તિને જુઓ તો સમજી લેજો કે એને હાસ્યનો ભરપૂર ડોઝ એના ઘરમાંથી મળી રહે છે. કામ-ધંધા માટે સવારે જ્યારે વ્યક્તિ ઘર બહાર પગ મૂકે છે ત્યારે પરિવાર તરફથી પાંચ આંગળી સાથે હલતો હાથ અને હાસ્ય સભર ચહેરાની કહેલ ‘બાય’ અને રાત્રે આખા દિવસની દોડધામના અંતે ઘરમાં પ્રવેશેલી વ્યક્તિને ખડખડાટ હાસ્યથી ભરપૂર ‘વેલકમ’આખા દિવસનો થાક ઉતારી દે છે. પછી ભલે ને એ હાસ્ય વૃદ્ધ માંના એક પણ દાંત વિનાના બોખા મોંઢાનું હોય, ખિલખિલાટ કરતાં સંતાનોનું હોય કે મલકાટ કરતું મૂક હાસ્ય આપતી પત્નીનું હોય. પરિવારના હાસ્યરૂપી હોજમાં ન્હાઈ મનુષ્ય હળવોફૂલ બની જાય છે. આવનાર નવા દિવસ, નવા પડકારો માટે શક્તિનો નવો ભરપૂર સ્ત્રોત એકઠો કરી લે છે.

કહેવાય છે કે ‘હસે એનું દુઃખ ખસે.’ ખરેખર દુઃખને દૂર કરવા માટેની કોઈ જડીબુટ્ટી હોય તો એ હાસ્ય જ છે. રડવાથી કંઈ જ હાંસલ થતું નથી. પરિસ્થિતિમાં કંઈ જ ફરક પડતો નથી. આપણા રોદણાં જ્યાં ત્યાં રડવાને બદલે, ખોટી સહાનુભૂતિ મેળવવાને બદલે માણસે મુક્તમને પોતાની નજીકની વ્યક્તિ સાથે હસી લેવું જોઈએ.

કોઈ કવિએ યોગ્ય જ કહ્યું છે કે-‘જરા હસતાં રમતાં જીવો, જગત બદલાઈ જશે, શિરે ભાર લઈ ફરશો તો, જીવન કરમાઈ જશે. જરા હસો, જગતને હસાવો, જગત બદલાઈ જશે. પોતાના દુઃખ પર પોતે જ હસી લઈએ તો એના જેવો કોઈ પુરુષાર્થ નથી. મોટાભાગના રોગો નાદુરસ્ત મનના કારણે જ થાય છે. મન અસ્વસ્થ હોય ત્યારે તન પર માઠી અસર પડે છે. ખડખડાટ હસવાથી ફેફસાંને ભરપૂર પ્રાણવાયુ મળે છે. તન અને મન બંને તંદુરસ્ત રહે છે.

સંસ્કૃત નાટકોમાં રાજાની સાથે હંમેશાં વિદુષક રહેતો. એ વિદુષક એટલે રાજાનો મિત્ર. એ રાજાને હજારો ચિંતાઓ વચ્ચે પણ હસાવતો રહેતો એવો કોઈ પરમ મિત્ર આપણી પાસે પણ હોવો જોઈએ. સંસારમાં આનંદમય અને માનભેર જીવવું હોય તો આવો વિદુષક મિત્ર આપણી ભીતર જ ઉછેરવાનો છે. સામાન્ય જીવનમાં પણ જે રમૂજી સ્વભાવ ધરાવે છે જે હસતો રહે છે એ પોતાનું કામ ઘણી સરળતાથી પાર પાડી શકે છે. હસમુખા સ્વભાવનો માનવી ગમે તેવી આફતમાં પણ સ્વસ્થ રહી શકે છે. એ આફતમાંથી ઉગરવાનો માર્ગ શોધી શકે છે. મહાન હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવે પોતાની જાત પર હસી લેતા. મહાન કલાકાર ચાર્લી ચેપ્લીન પણ પોતાની જાત પર હસી લેતા આથી આવા લોકો લોકપ્રિય બન્યા હતા. જે સહનશક્તિ કેળવી શકે તે જ પોતાની જાત પર હસી શકે.

Every Coin has two sides. દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. હસવાના ફાયદા ઘણા છે તો ગેરફાયદા પણ છે. ગમે તે સ્થળે, ગમે એમ હસવું દુર્ઘટના નોંતરી શકે છે. દ્રૌપદીના એક અટ્ટહાસ્યે આખું મહાભારત ખડું કરી દીધું. દુર્યોધન જલ અને સ્થલનો ભેદ ન સમજી શક્યો એ જોઈ દ્રૌપદીએ એની સખીઓ સાથે ગગનભેદી અટ્ટહાસ્ય કરી મજાક ઉડાવેલ અને વિનાશ નોતરેલ. સ્થાન, સમય અને સ્થળ જોઈ હસવું જોઈએ. ક્યારેય એવા લોકોનો સંગાથ ન કરવો કે જેઓ હંમેશા બીજાની નિંદા, ટીખળ કે ઉતારી પાડવા હસતા હોય છે. એ લોકોના હાસ્યમાં ક્યારેય સામેલ ન થવું એ હાસ્ય કરતાં ગંભીરતા સારી. કોઈ પણ માણસની વેદના પર ક્યારેય ન હસવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે‘હસતાં બાંધેલાં કર્મ રડતાં પણ નહીં છૂટે.’ આપણું હાસ્ય હંમેશા નિખાલસ, ડંખ વગરનું અને નરવું હોવું જોઈએ.

 શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટસાહિત્ય સ્પર્ધા-૨૦૧૭)

 (‘કચ્છ ગુર્જરી’ના જુન ૨૦૧૮ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates