હસે તેનું દુઃખ ખસે

હસે તેનું દુઃખ ખસે - હિતેષ નવીનચંદ્ર ચાંપશી શાહ, ભુજ (અંગીયા)

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટસાહિત્ય સ્પર્ધા-૨૦૧૭ : નિબંધ)

ઈશ્વરે - કુદરતે માનવીને કેટલાંક વરદાનો આપ્યાં છે. તેમાં હાસ્ય એક અમૂલ્ય વરદાન છે. ગરીબ અને તવંગર સૌ કોઈ વગર પૈસે મોજ માણી શકે છે. હાસ્ય એ તંદુરસ્તી માટેનું મહત્ત્વનું ‘ટોનિક’ છે. એ તંદુરસ્તી જાળવવામાં મદદ તો કરે છે જ પણ એથી જીવનમાં બીજા પણ અનેક લાભ થાય છે તે આપણે જોઈએ. આપણને જે સંયોગ મળ્યો છે તેને હસતા મોઢે સ્વીકારી લો અને તો જ દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહિ કરે શકે. તેલ અબીબ વિશ્વ વિદ્યાલયના મનોવિજ્ઞાનના વિશેષજ્ઞ ડૉ. એવનર જીવે અઢીત્રણ વર્ષ સુધી ‘હાસ્ય’ પર સંશોધન કર્યું હતું. તેમના સંશોધનનું તારણ એવું નીકળ્યું હતું કે હસવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને વર્ગમાં શિક્ષણ આપતાં આપતાં શિક્ષક વિદ્યાર્થીઓને રમૂજી દૃષ્ટાંતો આપતાં રહે તો પાઠ જલ્દી યાદ રહી જાય છે. હસવું એ માનવ સ્વભાવની અનિવાર્યતા છે એટલે એ સંશોધનનો વિષય બનવો જોઈએ. ડૉ. જીવનું કહેવું છે કે એન્જિનિયર અને ગણિતજ્ઞ હાસ્યની મદદ વડે તાજા બની પોતાના પ્રશ્નો ઝડપથી ઉકેલી શકે છે. એવું પણ જણાયું છે કે જે બાળકોમાં હાસ્ય અને મનોવિનોદની ક્ષમતા વધુ હોય તેમનું મગજ ઝડપથી વિકાસે છે. તેઓ પોતાની માતાના પ્રભાવમાં વધુ રહે છે. ‘હસે તેનું ઘર વસે.’ અને ‘હસતા નર સદા સુખી’ એ કહેવતો પણ ઘણું ઘણું કહી જાય છે. હાસ્ય અને ચિંતાને બારમે ચંદ્ર છે એટલે જે લોકો ચિંતાતુર રહેતા હોય તે ખુલ્લા દિલે હસી શકતા નથી એટલે ચિંતાને વહેલી તકે રામ રામ કરવા જોઈએ.

ઓલિવર વેન્ડેલે સાચું જ કહ્યું છે કે - ‘આનંદીપણું એ ઈશ્વરીય ઔષધ છે. પ્રત્યેક જણે તેમાં સ્નાન કરવું જોઈએ. અત્યંત વ્યગ્રતા, ચિંતા વગેરે, જીવનનો કાટ આનંદીપણાના તેલથી દૂર કરવો જોઈએ.’ કહેવાની જરૂર નથી કે આનંદીપણું હંમેશા આરોગ્યપ્રદ હોય છે. એ માનવજીવનમાં ઉત્પન્ન થયેલી અસ્વાભાવિક સ્થિતિને સ્વાભાવિક બનાવવાની ક્ષમતા ધરાવે છે એટલું જ નહિ જીવનમાં આવતા આઘાતોમાં કારગત ઔષધની ગરજ પણ સારે છે.

વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા એવું તારણ નીકળ્યું છે કે જેઓ સારી પેઠે હસીને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવે છે તેઓ જીવનને ગંભીરતાથી લેનારાઓ કરતાં વધુ વર્ષો જીવે છે. અનેક પ્રકારની કસરતોમાં હાસ્ય એ પણ એક કસરત છે. રોજ માત્ર દસ જ મિનિટ ખડખડાટ હાસ્યથી માણસ તંદુરસ્ત રહી શકે છે. એક મનોચિકિત્સકે તો એવું પણ કહ્યું હતું કે, રોજ અડધો કલાક ખડખડાટ હસવાથી આયુષ્યમાં વધારો થાય છે.’

હાસ્ય થેરાપી અજમાવીને નોર્મ કઝીન્સ નામના અમેરિકન પત્રકારે પોતાનો હૃદયરોગ મટાડ્યો હતો એ તો જગજાહેર છે. લાફીંગ ક્લબોમાં નિયમિત જનારાઓ કબૂલ કરે છે કે તેમનું સ્વાસ્થ્ય તેઓ લાફીંગ ક્લબમાં જતા તે વખતનાં કરતાં સુધર્યું છે અને તેઓ ઘણાં રોગોમાંથી મુક્ત થયા છે. જો તમારે ચિંતા, ઉદ્વેગ, નિરાશા, ચિડિયાપણું, ઉદાસીનતા, ટેન્શનમાંથી મુક્ત થવું હોય તો આનંદમાં રહેતાં શીખો. તમને કદાચ ખબર નહિ હોય પણ નાની નાની વસ્તુઓમાં પણ આનંદ છુપાયો હોય છે એ શોધી કાઢતાં તમને આવડશે તો આનંદીપણું સ્વભાવ બની જશે. જે માણસ બાલ્યાવસ્થામાં શરમાળ અને સંકુચિત તથા ગંભીર પ્રકૃતિનો હોય છે તે પુખ્તાવસ્થામાં પણ તેવો જ રહે છે માટે નાનપણથી જ હસવાની ટેવ પાડવી જોઈએ. હાસ્યને આપણે ઘણું મહત્ત્વ નથી આપતાં પરંતુ દૈનિક જીવનમાં એનું ખૂબ જ મહત્ત્વ છે.

હસવાથી મન પ્રસન્ન થઈ જાય છે. ચિંતા, તણાવ અને ઉદાસી છુમંતર થઈ જાય. કવિ દુલા કાગનું વિધાન છે - ‘આજનો માણસ સુખી થવા હાટુ દુઃખી થાય છે.’ માનવીને સાંગોપાંગ સંપૂર્ણ બનાવનાર હાસ્ય આનંદીપણું છે એ તમે ક્યારેય ભૂલશો નહિ. તમારી પ્રસન્નતા બહાર ઠલવાતાં જ તમારી અંદર કરૂણાનો ઉદય થશે. ઉદારતા અને વિશાળતાનો અનુભવ થશે. અંદરથી દુઃખ અને પીડાનો ભય અલોપ થઈ જશે. ઘરમાં રહેલાં નાના ભૂલકાંઓ સાથે અડધો કે એક કલાક ગાળવાથી પણ મન પ્રફુલ્લતાથી મહેંકી ઊઠે છે અને પ્રફુલ્લિત મન ઘણી સમસ્યાઓને ઉકેલી શકે છે. સૌ પ્રથમ તો સવારે આંખ ઉઘડે ત્યારે મનમાં સંકલ્પ કરો. ‘આજે હું આખો દિવસ ખુશમિજાજમાં જ રહીશ. પ્રત્યેક ક્ષણને હું માણીશ. એને વેડફી નહીં નાખું.’

શરૂઆતમાં આનંદમાં રહેવાની ટેવ પડી જશે અને એ ટેવ પછી સ્વભાવ બની જશે. હસતાં હસતાં જીવન જીવવાની કળા શીખવતાં શ્રી શ્રી રવિશંકર યુવાનોને આકર્ષે છે અને સાંપ્રત સમસ્યાઓમાં તેઓ હોંશે હોંશે ઝંપલાવે છે. આજે આર્ટ ઓફ લિવિંગની શાખાઓ ૧૫૦ દેશોમાં છે. જે શોધ વિશે વાંચીને હસવું આવે એના સંશોધકને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી દર વર્ષે આઈ જી નોબેલ પ્રાઈઝ આપે છે. આપણે દુઃખથી ક્યારે છૂટીએ કે માણસને જે સ્થિતિ મળી છે, જે સંયોગ મળ્યો છે તેને હસતાં મોઢે સ્વીકારી લો અને તો જ દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહિ કરી શકે. જે પરિસ્થિતિમાં કુદરતે રાખ્યાં છે એ જ પરિસ્થિતિમાં રાજી રહેતાં શીખો. કોઈની નિંદા કરવાનું કે દોષ જોવાનું છોડી દો. ચિંતા ઓછી કરો. સ્વભાવ હસમુખો બનાવો. હસતાં રહો અને સુખી થાઓ.

'All the Animals, excepting man, Know that the principle business of life is to enjoy.' - Samuel Butler.

 

 

(‘કચ્છ ગુર્જરી’ના એપ્રિલ ૨૦૧૮ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates