હસે તેની દુનિયા વસે

હસે તેની દુનિયા વસે - સુષ્મા કમલેશ શેઠ, વડોદરા (માંડવી)

પરિચય : મુંબઈમાં B.Sc. (Home Sc.) કર્યા બાદ વડોદરા ખાતે સ્થાયી. પ્રી-પ્રાઈમરી ટીચર તરીકે કામ કરતી ત્યારે બાળકોને વાર્તા ઘડી કાઢી સંભળાવતી. જાણીતા લેખક શ્રી હીરાલાલ ફોફળીયા, સંબંધે કાકા થાય, તેમનું સુરેશ દલાલ, હરિન્દ્ર દવે, ચંદ્રકાંત બક્ષી, જયંત ખત્રીનું મિત્ર વર્તુળ મેં નાનપણમાં સાંભળેલું, માણેલું. શ્રી ગુલાબચંદ જૈન (ફિલ્મ ગીતો, લેખો લખતા) સંબંધે કાકાજી થાય.

કુકીંગ હરિફાઈ તેમજ કચ્છ શક્તિચિત્રલેખા, Honest Infoline (સુરત), nexus story compitition (National level) માં ઈનામો મેળવેલ છે. રેડિયો ઉપરાંત સજર્ન ઈ-મેગેઝીન, ફીલીંગ્સ, મમતા, કચ્છ ગુર્જરીમાં મારી વાર્તાઓ છપાયેલી છે. ‘સંદેશ’ દૈનિક (ગુજરાત) તેમજ ગુજરાત ગાડીયન (સુરત, વાપી, વલસાડ, ભરૂચ)માં મારી વાર્તાઓ અને ‘દિલ-સે’ કોલ છપાય છે. હાલ‘સજર્ન માઈક્રોફિક્શન વોટ્‌સ એપ’ ગ્રુપ સાથે જોડાઈને ટૂંકી વાર્તા લખવાને કાર્યરત છું.

**

‘પરાક્રમી તીન તગડા’

પ્રસ્તાવના : દુઃખ, શોક, પીડા, કષ્ટ ભરેલા જીવનમાં મારા મતે મુક્ત હાસ્ય માણવાનો આનંદ લૂંટવો તે આવકાર્ય અને લહાવો ગણાય. વળી હાસ્યને ઉત્તમ ઔષધ ગણાવાયું છે. લાફિંગ ક્લબ જે ન આપી શકે તે આનંદ એક સારી વાર્તા કે નિબંધ આપે છે. વાંચન એટલે પોતાની પાસે, પોતાની સગવડે મળતો પોતાનો મિત્ર. હલકી કક્ષાનું હાસ્ય પીરસવું તે છીછરાઈ છે જ્યારે માર્મિક, નિર્ભેળ, નિદરેષ હાસ્ય વાંચનારના મનને સહજ પ્રસન્નતા અર્પી મોઢું મલકાવી દેવા સમર્થ છે. તો પ્રસ્તુત છે નિબંધ-હાસ્યલેખ ‘પરાક્રમી તીન તગડા’ - એક રમુજી શબ્દચિત્ર.

શું ઘરમાં હસવા જેવું રહ્યું નથી માટે લાફ્ટર ક્લબો છલકાય છે? લાફ્ટર થેરેપીને અસરકારક, તણાવમુક્તિ માટે ઉપયોગી ગણાય છે. વળી હાસ્ય યુનિવર્સલ ભાષા છે. તો મિત્રો હસતા રહો.

**

મહેશ, રવિ, સુનિલ ત્રણે પાક્કા મિત્રો.

મહેશ, ભણતર અધુરું છોડી આખો વખત ઘરની કોટડીમાં પુરાઈ પોતાની ધૂનમાં રચ્યોપચ્યો રહેતો, અવનવી અત્યાધુનિક ગીતોની ધૂન રચતો તરવરીયો યુવાન. તેના ખ્યાતનામ ગીતકાર પિતા હયાત હતા ત્યારે ઉલટસુલટ કઢંગા ગીતો રચવા બદલ તેને ઘણુંય ટોકતા.. તેઓ તેના લખેલા ગીતોના કાગળ કચરા ટોપલીને સુપરત કરતા. હવે, મહેશ સ્વરચિત ગીતો પ્રિય પત્નીને ટાણે-કટાણે હોંશપૂર્વક સંભળાવતો જેથી કંટાળીને બિચારી ઘણેભાગે કાનમાં પૂમડાં ખોંસી રાખતી.

બીજો રવિ : સસરાજીની આદેખાઈમાં સતત સળગતો બેકાર, નોકરી પડતી મૂકી દીધેલો સાડા સાડત્રીસ વર્ષીય યુવાન. ગાવાનો શોખ, પરાણે પાળનાર રવિના ગાયક શ્વસુર સંગીતના સફળ કાર્યક્રમો આપતા. આદરણીય પૂજ્ય પિતાશ્રીનાં મધુર કંઠના વખાણ કરતાં ન થાકતી પત્ની દ્વારા સસરાજીના ગુણગાન સાંભળી થાકેલો રવિ, પત્નીને પ્રભાવિત કરવા બગડેલી ગિટાર લઈ ગાવાએ ચઢતો ત્યારે પાડોશીઓના બારીબારણાં સજ્જડ બંધ પાળતાં. તેના આલાપ સાથે પોળના શ્વાનો સાદ પૂરાવતા. બંને બાળકો બંટી, બબલી હોંશપૂર્વક મિત્રોના ઘેર અભ્યાસાર્થે ઉપડી જતા. એક દિવસ સાખ પાડોશણ રમાકાકીએ ફરિયાદ નોંધાવી, ‘આવડા ઈનું ગીત હાંભરીને મારા ડોહા ધુણવા માંડે છે. કાંક ઉકલી જાસે તો કેસ ઠોકી દૈસ હા.’

‘સોરી કાકી, મારેય રસોઈમાં ખાંડની જગાએ મીઠું પડી જાય છે. અમને તો આદત પડી ગઈછ બેસૂરું હાંભળવાની ને બેસ્વાદ ખાવાની.’ રવિની સમજદાર પત્ની કાકીને સમજાવવા મથતી.

ત્રીજો પ્રેમમાં પડી પછડાયા બાદ આજીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા લીધેલ હૃદયભંગ સુનિલ : તેને થતું કે આ દુનિયા તેને લાયક નથી. સુનિલને પ્રેયસી છોડીને ભાગી ગઈ ત્યારથી તે મોડર્ન-આર્ટ ચીતરતો થયો. મનનો બળાપો કેનવાસ પર રંગોના છાંટા તેમજ આડા અવળા રેલા સ્વરૂપે રેલાતો જેનો ગૂઢાર્થ ગૂઢ જ રહેતો.

એક દિવસ ત્રણે નવરા મિત્રોના ફળદ્રુપ ભેજામાં ‘કંઈક’ અનોખું કરવાનો વિચાર ઝબુક્યો, ‘જુવાનિયા રૉક-શૉ પાછળ ઘેલા થાય છે. તેમાં શું છે? હું ગીતો લખું, તું ગિટાર લઈ, વેશ કાઢી, રાગડા તાણ. બેકડ્રોપ, પોસ્ટર, બીજી વ્યવસ્થા સુનિલ સંભાળી લેશે.’ મહેશે પોતાનો ‘વિચક્ષણ આઈડિયા’ સંભળાવ્યો. જે બાકીના બંને ‘ભવિષ્યના હોનહાર’ મિત્રોએ હર્ષ વધાવી લીધો.

પછી તો પૂછવું જ શું? ‘હમ કિસીસે કમ નહીં’ કહેતાં ભવ્ય શૉની તૈયારીઓમાં થવા માંડી. શહેરમાં ઠેરઠેર પોસ્ટરો ચોંટાડાયા. હેંડબીલો વહેંચાયા. મહેશના તુક્કા મુજબ પ્રવેશ નિઃશુલ્ક રખાયો પરંતુ બહાર નીકળવાના બસો રૂપિયા જે બખૂબી ઝીણા અક્ષરોમાં છપાવાયેલું.

સોસાયટીના ફાજલ મેદાનમાં કાર્યક્રમ ગોઠવાયો. કુતુહલવશ મફત શૉ જોવા લોકોના ધાડેધાડા ઉમટી પડ્યા. હકડેઠઠ ભરાયેલ મેદાનમાં ચોમેર અંધારું કરી દીધા બાદ, સ્ટેજ પરથી રવિની પત્નીએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું, ‘આપે મારા વહાલા પરમ પિતાશ્રીને પ્રેમથી સાંભળ્યા છે. આજે તમારી કસોટી છે, મારા પતિને પણ સાંભળો અને સંભાળી લો.’ તાળીઓનો ગડગડાટ થયો.

ઝબુકતી લાઈટો વચ્ચે અર્ધ ફાટેલું જીન્સ, ચળકતું લાલ ટી-શર્ટ, અસ્તવ્યસ્ત વાળ, હાથમાં ગિટાર સાથે બે-સૂરો રવિ ઘાંટા પાડતો મહેશ રચિત ગીત ગાતો મચી પડ્યો, ‘મારી ચામાં પડી માખી..માખી.. મેં તેને જોઈ કાઢી નાખી.. નાખી...’ તે સાથે બહાર ઉભેલા ગધેડા ભૂંકવા માંડ્યા. શાંત બેઠેલી માખીઓ પોતાનું અપમાન સહન ન થતાં ઝનૂનભેર ઉડવા માંડી. કર્ણપટલ પર અથડાયેલા શબ્દોને લીધે હૃદયના વધી ગયેલા કંપનથી સ્ટીઅરીંગ સંભાળવા બેકાબૂ બનેલ હાથો વડે રસ્તે ચાલી જતી ગાડીઓ ભટકાઈને અથડાઈ પડી. કારચાલકો એકબીજાને ગાળો આપતા ઝગડી પડ્યા. રવિના પૂજ્ય શ્વસુર આઘાતથી ઢળી પડ્યા.

રવિના બાળકો બંટી-બબલીએ સમયસૂચકતા વાપરી, સ્ટેજ પર ફેંકાયેલાં જૂતા-ચંપલ-ઈંડાં, ટમેટાં વગેરે જે હાથ લાગ્યું તે કામનું સમજી બધું ભેગું કરવા માંડ્યું. મહેશે સરદદર્ની દવા લોકો વચ્ચે જઈ, બમણા ભાવે વેંચવા માંડી જે ચપોચપ ખપી ગઈ.

ત્રણેક ગીત પરાણે સહ્યા બાદ લોકોની ધીરજ ખૂટી. ખુરશીઓ ઉછળી, ધમાલ બોલાઈ. મફત શો માણવા આવેલી બીચારી જનતાનો બહાર નીકળવા ધસારો થયો તેમાં બે-ચાર ચગદાયા. વળી દરવાજા પાસે સુનિલ ઉપરાંત વિકરાળ આલ્સેશન કૂતરા સહિત ઉભા રાખેલા બે હટ્ટાકટ્ટા ભાડુતી બાઉંસરો, રૂપિયા વસુલ્યા સિવાય કોઈને બહાર નીકળવા નહોતા દેતા. પ્રવેશદ્વાર સજ્જડ તાળા મારી બંધ કરી દેવાયેલું. કાર્યક્રમ અધવચ્ચે અટકાવવો પડ્યો ત્યારે ત્યાં ઘરના આઠ જણા સિવાય કોઈ નહોતું. તોયે ત્રણે મિત્રોએ નફો કર્યો બોલો!

‘વોટ એન આઈડિયા સરજી’ એકબીજાને તાળી આપતા ત્રણે નવો આઈડિયા વિચારતા ઘરભેગા થયા.

 

 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮)

 

(કચ્છ ગુર્જરી ફેબ્રૂઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates