હસે તેની દુનિયા વસે

હસે તેની દુનિયા વસે - રાખી રૂપેન શાહ, કોલ્હાપુર (ભુજ)

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮; પ્રથમ વિજેતા)

 

Use your Smile to Change the World,

Don't let the world Change your smile.'

પ્રસ્તાવના : આ સાથે મારી કૃતિ ‘હસે તેની દુનિયા વસે’મોકલી રહી છું.. આ પ્રવૃત્તિ ખૂબ જ સરાહનીય છે. તેનાથી લેખનવૃત્તિને વેગ મળે છે.  ‘કચ્છ ગુર્જરી’દૂર દૂર રહેતા જૈન ભાઈ-બહેનોને એકસુત્રથી બાંધી રાખે છે. મનમાં ઉઠતા વિચારો અને ભાવાને કલમ દ્વારા આલેખવાનો મોકો મળ્યો છે.. જેની હું દિલથી આભારી છું...

** ** **

આપણે કેમ વિચારીએ હાસ્યનું કારણ? હસીને થઈએ હળવા ફૂલ.. હાસ્ય રાખે જીવનને હળવું ફૂલ.. આવો રેલાવીએ હાસ્યના ફૂલ.. હસતો ચહેરો લાગે સૌને વહાલો.. રડતો જાણે મૂરઝાયેલા ફૂલ. હસીને થઈએ હળવા ફૂલ.. ‘હસે એની દુનિયા જરૂર વસે’. હાસ્ય તો અમૃત કરતાં પણ વધુ મીઠું છે, તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ. તેને દુઃખના વલોણા વડે જ મેળવી શકાય. હાસ્ય એ તો કુદરતી ભગવાનની આપેલી બક્ષિસ છે. તેનો અમલ કરવો જોઈએ.. હાસ્ય તે સોનું છે. સોનાને કદાપિ કાટ લાગતો નથી.. તેને જેટલું તપાવો તેટલી ચમક વધારે આપે છે..

‘હાસ્યવૃત્તિ ધરાવતા માણસો જગત સાથે સરસ રીતે આસાનીથી સાનુકૂળતા સાધી શકે છે.’ અમાવસ્યાના અંધકારમાં પ્રકાશનું એક નાનું કિરણ પણ મહત્ત્વનું છે, તો જ દરેક ક્ષણ દુનિયામાં સાચા સુખોથી, આનંદથી હાસ્યથી ઝળહળતી બની રહેશે..

‘કારણ ન શોધ તું હસવા માટે,

જીવન ટૂંકું છે આ રડવા માટે..

નાના નાના સુખોથી સજાવી,

ઈન્દ્રધનુષ નવું જ ઘડવા માટે..’

હાસ્ય અનેક પ્રકારના હોય છે. - નિદરેષ, મંદમંદ, ખિલખિલાટ હાસ્ય, લુચ્ચું અને કપટી હાસ્ય, જોક્સ, ઠઠો.. મીમીક્રી અને વીટ... જેમ વૈજ્ઞાનિકો અવની ઉપરની જીવસૃષ્ટિને ગણવામાં સફળ થયા નથી. એમ હાસ્યના પ્રકારો નક્કી કરવામાં સાહિત્યકારો સફળ થયા નથી. હાસ્ય જ્યારે અશ્રુ સાથે ઠલવાય છે, ત્યારે ત્યારે એ શ્રેષ્ઠ હાસ્ય બની જાય છે.. જ્યારે નક્કી ન થાય કે એ હસે છે, કે રડે છે.. ત્યારે જે હાસ્ય નિષ્પન્ન થાય છે તે જ તો નિજાનંદી છે. એ જ તો છે સ્વર્ગ.. એ જ છે પરમાત્માનું રેશમી વસ્ત્રમાં વીંટળાયેલું અમૃત.. ઔષધ છે.. સ્માઈલ.. હાસ્ય.. મુસ્કાન.

‘હસી કે મોલ સબ કોઈ લેલે.. કોઈ ન દેખે આંસુ કે મેલે.’

‘પહેલું સુખ તે જાતે નર્યા.. એ બરાબર છે, પણ પહેલું દુઃખ તે પીઠમાં ગુમડું એ પણ હકીકત છે.. જેમ ઈશ્વર છે, છતાં એને જોઈ શકાતો નથી.. અનુભવમાં લઈ શકાય છે. દુઃખ, નિરાશા, ગ્લાનિ, સંકટ વગેરે જીવનમાં આવ્યા જ કરે છે.. ચાર્લી ચેપ્લીન આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ચાર્લી ચેપ્લીનની મા પણ ગામોગામ ફરીને સ્ટેજ પ્રોગ્રામ આપતી.. છેલ્લે એક નાટકનો રોલ ભજવતાં ભજવતાં જ સ્ટેજ પર ઢળી પડી.. પ્રેક્ષકો આફ્રીન થઈને તાળી પાડવા માંડ્યાં.. શું એકટીંગ છે.. પણ ખરેખર એ મૃત્યુ પામી હતી! કારણકે એના જીવનનો એક જ મંત્ર હતો..

‘જિંદગીમેં હંસાને કે લીએ ઈતની સિફત સે અપના કિરદાર નિભાના ચાહિએ કી..

પરદા ગિરને કે બાદ ભી તાલિયાં બજતી રહેની ચાહિએ..’

સાઈરામ દવે જેવા મહાન હાસ્ય કલાકારો, બીજા ધીરૂભાઈ સરવૈયા, જગદીશ ત્રિવેદી જેવા મહાન કલાકારો પોતાના હાસ્યના ડાયરામાં ઘણા બધા લોકોને રમૂજવૃત્તિ પમાડીને આનંદમાં રાખી શકે છે અને પેટ પકડીને હસાવી શકે છે. સરકસના ફાટેલા તંબુમાં આંગળી નાખીને કાણામાંથી સરકસ જોવાની જે મજા આવે એવી મજા ટિકીટ ખર્ચીને સરકસ જોવામાં નથી.. માણસે હાસ્યને ફિક્સ ડીપોઝીટમાં મૂક્યું છે અને ટેન્શનને કરન્ટ ખાતામાં! પાછું પોતાના ટેન્શનમાં ફ્રી પિરિયડ મળે તો કોકનું ઉછીનુંય લે એવા ઉદાર! હાસ્યના ઈન્દિરા વિકાસપત્રો લે! ૨૦ વર્ષે ૧૬ ગણું હશે મેન્ટલ હોસ્પિટલમાં!!

અત્યારની સસ્તી મોંઘવારીમાં સસ્તું-મોંઘું જો કોઈ હોય તે એ હાસ્ય જ છે. અમુક વ્યક્તિઓ રીતસર મોબાઈલ શોકસભાના આજીવન સભ્ય જેવા લાગે! આપણે પૂછવાની ઈચ્છા થઈ જાય કે છેલ્લે ક્યારે હસ્યા’તા..!? અને બોર્નવિટા ક્વીઝ કરતાંય વધુ ઝડપથી જવાબ મળે- ભાદરવો, નાઈન્ટીન એઈટી ટુ! પાછો આપણી પાસે એ અંગેનો અફસોસ પણ કરે.

સા..લ્લું ત્યારે છોકરો ગલીપચી કરી ગયેલો અને હું કંટ્રોલ નહીં કરી શકેલો.. હકીકતમાં આપણી આસપાસ બનતી સામાન્ય બાબતો કે વાતચીતમાંય એટલી રમૂજ ભરેલી હોય છે, છતાંય પ્રસંગ તો ઠીક છે, પણ જોક કહીએ તોય મૂળચંદ બાવીસ મિનિટ વિચાર કરે કે હસું કે નહીં? અને વિચારના અંતે પણ.. રાખે મૂલતવી જ.. આવા લોકો પાંત્રીસે પહોંચતા પહેલાં જ.. કોઈ ડૉકટરની આજીવન પ્રેક્ટીસ એના પર જ ચાલે.. એવી છપ્પન એપીસોડ જેવી લાંબી બીમારીની સિરિયલનો પ્રોડ્યુસર થઈ જાય.

‘હસતે હસતે કટ જાએ રસ્તે.. જિંદગી યું હી ચલતી રહે..

ખુશી મિલે યા ગમ.. બદલેંગે ના હમ.. દુનિયા ચાહે બદલતી રહે..

ઈશ્વરે મરચું આપ્યું છે, તો મીઠાઈ પણ આપી છે. ‘આપ આયે બહાર આયી’ જેવા હસમુખલાલોય અહીં જ ઉગ્યા છે. જેને તમે સાવ સાદા સવાલ પૂછો તોય રમૂજી જવાબ આપી વાતાવરણને વ્યક્તિને હળવા બનાવી દે.. અમિતાભ બચ્ચન જેવું ભર્યુંભાદર્યું ન હસી શકો, માની લીધું પણ.. મોનાલીસાની જેમ ૦.૦૦૦૧ મિલિમીટર જેટલા હોઠ તો આઘાપાછા કરો.. હાસ્ય એ તો દુનિયાની એકમાત્ર એવી મીઠાઈ છે સાહેબ જે ક્યારેય ડાયાબીટીસ કરતી નથી.. ઉપરથી અનેક રોગો મટાડે છે. હાસ્ય એ તો જડીબુટ્ટી છે.. ગમ્મત સાથે ભણાવતાં શિક્ષક હોય તો ભણવાની મજા આવે. રમૂજી બોસ હોય તો નોકરી કરવાની પણ મજા આવે અને નખરાળા મિત્રો હોય તો જીવન જીવવાની પણ મજા આવે...

પ્રાચીન વર્ણવ્યવસ્થા મુજબ બ્રાહ્મણ હસે.. વધુ દક્ષિણા મેળવવા.. ક્ષત્રિય હસે યુદ્ધ કરવા.. વાણિયો હસે વ્યાજ વસૂલવા તથા ક્ષુદ્ર હસે રહેમ રાખવા.. એક સ્મિતથી ચહેરાના ભાવ, મનના વિચાર.. અને આસપાસનું સમગ્ર વાતાવરણ બદલાઈ જાય.. ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે કે-

‘તું જ સુખની મહેફીલમાં તું સૌને નોંતરજે,

પણ.. જમજે અશ્રુનો થાળ એકલો..’

પુષ્પ પણ સદાય ખીલેલું જ સારું લાગે છે.. મુરઝાયેલું પુષ્પ તો ઈશ્વરને પણ ગમતું નથી.. તો પછી આપણા જીવનરૂપી બાગમાં શા માટે આવા ફૂલ ને ખીલેલું નહીં રાખવું? શા માટે આવા અમૂલ્ય જીવનરૂપી ભાગને ઉજ્જળ વેરાન કરવો? હાસ્ય તો ભલભલા ભડવીરનો ગુસ્સો પણ શાંત કરીને હસતાં-જીવતાં શીખવાડી દે છે..

‘પાનખરમાં વસંત થવું મને ગમે છે,

યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે.

આંખો તો ભીની રહેવાની જીવનમાં,

પણ બીજાને હસાવતાં રહેવું મને ગમે છે.’

મોજ કે હાસ્યવૃત્તિ માનવના સ્વભાવમાં છે. મી. જેટલીસાહેબે હજી સુધી હસવાની પ્રવૃત્તિ ઉપર ટેક્સ નાખ્યો નથી. જે શોધ વિશે વાંચીને હસવું આવે એનાં સંશોધકને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં દર વર્ષે આઈજી નોબેલ પ્રાઈઝ આપે છે. આપણે દુઃખથી ક્યારે છૂટીએ કે માણસને જે સ્થિતિ મળી છે જે સંયોગ મળ્યો છે, તેને હસતાં મોંઢે સ્વીકારી લો અને તો જ.. દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહીં કરી શકે.. જો સુખ અને દુઃખ એક સિક્કાના બે પહેલું છે, તો મારે બંનેને જીવવા છે- જીરવવા છે! ચિંતાઓનું ચૂરણ બનાવીને ખાઈ જવું છે! એ જિંદગી..! તું જે પાઠ ભણાવીશ એ બધા મને ભણવા છે. કારણકે..

‘ટીપાય તો મૃણમય ઘાટ થૈ શકે,

દટાય તો બીજ વૃક્ષ બની શકે.

સુકાય તો બિંદુ નભે ચડી શકે,

સમર્પણે માનવી દૈવ થૈ શકે !’

ગમગીનીને ગુલાબમાં ફેરવવા માટે ખરેખર 'Laughter is the best medicineનો ડોઝ ચાલુ રાખી જીવનને કિલ્લોલતું કરી નાખો. અંતે તો ‘હાસ્યમેવ જયતે’! તમે છેલ્લે ક્યારે હસ્યા હતા? યાદ નથી આવતું ને.. કંઈ વાંધો નહીં. આ લેખ વાંચી તો હસ્યા.. ને.. તો જે ‘હસે એની દુનિયા વસે.’

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates