હસે તેની દુનિયા વસે

હસે તેની દુનિયા વસે - ધર્મ હિતેન્દ્ર નવીનચંદ્ર શાહ, ભુજ

ઈશ્વરે-કુદરતે માનવીને કેટલાંક વરદાનો આપ્યાં છે. તેમાં હાસ્ય એક અમૂલ્ય વરદાન છે. ગરીબ અને તવંગર સૌ કોઈ વગર પૈસે મોજ માણી શકે છે. હાસ્ય એ તંદુરસ્તી માટેનું મહત્ત્વનું ટોનિક છે.

કુદરત તરફથી માનવજાતને હાસ્ય નામનું અદ્‌ભુત ઔષધી ભેટરૂપે મળેલ છે. જે માણસ જન્મતાંની સાથે જ આજીવન વાપરી શકે છે. હસતો માણસ તાજા વહેતા ઝરણાની જેમ તાજગી વેરતો જાય છે.

નોર્મન કઝીન કહે છે કે ‘ખડખડાટ હસવું એ ઈન્ટરનલ જોગીંગ છે. એની તાકાતથી આજીવન તંદુરસ્ત રહીને જીવનમાં હકારાત્મકતા અને જીવંતતા લાવી શકાય. હાસ્ય નિર્મળ હૃદયમાંથી ફૂટી નીકળતા ઝરણા જેવું હોવું જોઈએ. નિખાલસ અને સરળ હૃદયનો માણસ જ ખડખડાટ હસી શકે છે.

જે બાળકોમાં હાસ્ય અને મનોવિનોદની ક્ષમતા વધુ હોય તેમનું મગજ ઝડપથી વિકસે છે.

ઓલિવર વેન્ડલે સાચું જ કહ્યું છે કે - આનંદીપણું એ ઈશ્વરીય ઔષધ છે. પ્રત્યેક જણે તેમાં સ્નાન કરવું જોઈએ.

રોજ માત્ર દસ જ મિનિટ ખડખડાટ હાસ્યથી માણસ તંદુરસ્ત રહી શકે છે. હાસ્યથેરાપી અજમાવીને નોર્મન કઝીન્સ નામના અમેરિકન પત્રકારે પોતાનો હૃદયરોગ મટાડ્યો હતો. હસવાથી મન પ્રસન્ન થઈ જાય છે. ચિંતા, તણાવ અને ઉદાસી છુમંતર થઈ જાય છે.

હાસ્ય એક ઉત્તમ ઔષધ છે. હાસ્ય એક સારી કસરત છે. ખડખડાટ હસવાથી આપણાં ફેફસાંમાં પ્રાણવાયુ જાય છે અને શરીર તંદુરસ્ત રહે છે.

આપણે આપણી દુનિયા વસાવવી હોય તો આપણે આપણી જાત પર હસી લેતાં શીખવું જોઈએ. મહાન હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવે પોતાની જાત પર હસી લેતા. તેથી જ તેઓ લોકપ્રિય બન્યા. જે સહનશક્તિ કેળવી શકે તે જ પોતાની જાત પર હસી શકે.  

જિંદગીનું રહસ્ય- જીવો અને હસો. હસો અને જીવો. જીવવા માટે હસો, હસતાં હસતાં જીવો. તંદુરસ્ત બની રહેવા હસો. લાંબુ જીવવા હશો. ખુશ રહો અને લાંબું જીવો.

ખુશી ખરીદવાથી નથી મળતી, ખુશીના છોડને મસ્તીપૂર્વક સીંચતા રહો. જિંદગીમાં બારે મહિના વસંત છે. એમ માની દુઃખના દિવસોમાં પણ હસતા રહો અને પોતાની દુનિયા વસાવો.

૧૯૯૮ના વર્ષથી મે મહિનાના પ્રથમ રવિવારની ઉજવણી વર્લ્ડ લાફટર ડે, વિશ્વ હાસ્યદિન, તરીકે કરવામાં આવે છે તેથી હાસ્યનું ખબ જ મહત્ત્વ છે. હાસ્યથી મળે છે.

H - Health  - સ્વાસ્થ્ય

U - Unity - એકતા

M – Magnetic Personality - ચુંબકીય વ્યક્તિત્વ

O - Ovation - આવકાર

U - Uniqueness - અદ્વિતીયતા

R - Recreation - આનંદ પ્રમોદ

મુશ્કેલીઓમાં ભીતર હાસ્યનો ધોધ વહેતો હશે તો વિપરીત ક્ષણો આપણી તરફેણમાં વળશે.

હંમેશાં હસતા લોકો આનંદ ફેલાવી શકે. નિષ્ફળતા, સંઘર્ષ ઉપર હળવાશથી હસી નાખવું, હસતી અને હસાવતી વ્યક્તિ સમાજમાં હાર્ટપેશન્ટોની સંખ્યા ઓછી કરે છે. આવી વ્યક્તિ પોતાની દુનિયા તો વસાવે છે સાથોસાથ અન્યની દુનિયા પણ વસાવવામાં મદદરૂપ બને છે.

હાસ્યથેરાપીની ટેકનીક ખૂબ શક્તિશાળી પુરવાર થાય છે. દુનિયાની દરેક વ્યક્તિને ખીલેલાં પુષ્પો અને ખીલેલા ચહેરા જ પસંદ છે.

મોદીએ હાસ્ય ઉપર ટેક્સ નથી નાખ્યો તેમજ નોટબંધી કરી પણ હાસ્યબંધી નથી કરી. માટે દુનિયાને બતાવી દેવાનું કે નોટબંધીમાં પણ એ જ હસી શકે છે જે દિલનો અમીર છે.

ગમગીનીને ગુલાબમાં ફેરવવા માટે ખરેખર ’Laughter is the best Medicine' નો ડોઝ ચાલુ રાખી જીવનને કિલ્લોલતું કરી હાસ્યમેવ જયતે.

આ રીતે હસતાં રહી પોતાની તેમજ અન્યની દુનિયા વસાવવા પ્રયત્ન કરીએ.

 

 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮)

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates