Happy Valentine's Day

Happy Valentine's Day - નિરંજના જિતેન્દ્ર શાહ

લક્ષ્યા, મારા ઘરનાં બગીચામાં મેં જાતે જ ગુલાબનો છોડ વાવ્યો છે. આજે એના પર પહેલું ગુલાબ ખીલ્યું છે. એ તોડીને હું તારા માટે...’ નૈષેધે ડાંડલી સહિતનું ગુલાબ ધર્યું. લક્ષ્યાએ આનાકાની કરી અને કહ્યું, ‘મારાથી એ ન લેવાય. પહેલું ફૂલ તો ભગવાનને ધરવાનું હોય.’

હું એ જ તો કરી રહ્યો છું.’ નૈષેધનાં હોઠ પરથી સહજ રીતે વાક્ય સરી પડયું. સાડાચાર વર્ષથી ધરબાઈને પડેલી લાગણી છલકાઈ પડી. ચકમકનાં બે પથ્થરો એકબીજાની સાથે ઘસાય અને તણખો ઝરે એવો જ સ્પાર્ક આ બે હૈયાં ટકરાયા અને ઝરી પડ્યો.

ડૉ. નૈષેધે વાતવાતમાં કહી દીધું કે, ‘લક્ષ્યા જ એકમાત્ર એનો ભગવાન છે.’ તો લક્ષ્યાએ એક શબ્દ પણ બોલ્યા વગર ફૂલનો સ્વીકાર કરીને જણાવી દીધું કે નૈષેધનો પ્રસ્તાવ મંજુર છે. એ બંનેને પ્રેમમાં પડેલા જોઈ અમને બધાને આનંદ થયો. ગુલાબનું ફૂલ તો સાંજ પડતામાં કરમાઈ ગયું પણ બે જુવાન હૈયાં વચ્ચે પાંગરેલા પ્રણયનું પુષ્પ પૂરબહારમાં ખીલતું જ રહ્યું. ડૉ. નૈષેધ ને લક્ષ્યા એક જ જ્ઞાતિનાં હતાં. બંને દેખાવમાં આકર્ષક હતાં. બંનેના પરિવારની સામાજિક, આર્થિક સ્થિતિ પણ એકસરખી હતી એટલે લગ્ન વચ્ચે કોઈ વિઘ્ન ન હતું.

એક દિવસ અમે ત્રણ જણ કૉફી હાઉસમાં બેઠા હતા. મેં વાત કાઢી, ‘તમે લોકો સગાઈ ક્યારે કરો છો? ઘરે વાત કરી કે નહીં?’ ડૉ. નૈષેધે માથું હલાવ્યું. ‘હા અને ના, મમ્મી-પપ્પાને થોડીઘણી વાત કરી દીધી છે પણ...’

‘તો શું જન્માક્ષરો નથી મળતા. શી તકલીફ છે?’ ત્યાં અચાનક ડૉ. લક્ષ્યા બોલી ઉઠી, ‘સર અમારે બીજી એક વાતનું મેચીંગ કરાવવું પડે તેમ છે.’

હું કૉફીનો કપ પકડીને થંભી ગયો. ડૉ. લક્ષ્યા ધીમા પડી ગયેલા અવાજે બોલી રહી હતી. ‘સર! નૈષેધ થેલેસેમિયા માઈનોરનો શિકાર છે. એની જીદ છે કે મારે પણ બ્લડ રિપોર્ટ કઢાવી લેવો. જો હું પણ થેલેસેમિયા માઈનોર હોઉં તો અમે લગ્ન ન કરી શકીએ.

જો અમે લગ્ન કરીએ તો અમારું ભાવિ બાળક થેલેસેમિયા મેજર નામની બીમારી સાથે લઈને જન્મે. અમે ડૉકટર થઈને આવી ભૂલ કરી શકીએ, સર?’

‘તો હવે શું કરશો તમે?’ મારી કૉફી ઠંડી પડી ગઈ હતી અને હું પણ. ડૉ. નૈષેધે માહિતી આપી. ‘સર, લક્ષ્યાએ એના બ્લડનો નમૂનો લેબોરેટરીમાં મોકલાવી દીધો છે. હવે અમને એના રિપોર્ટની પ્રતીક્ષા છે.’

બરાબર તે દિવસે ડૉ. લક્ષ્યા છાનીમાની આવીને મને એક બંધ કવર આપી ગઈ. ‘શું છે આની અંદર?’ મારો પ્રશ્ન. એનો જવાબ. ‘મારું અને નૈષેધનું ભવિષ્ય. મારો બ્લડ રિપોર્ટ આવી જાય પછી જ આ કવર ખોલજો.’

બીજા દિવસે ગાયનેકનો આઉટડોર પતાવીને લગભગ દોઢ વાગ્યે હું નવરો પડ્યો.

આમ તો ડૉ. લક્ષ્યા મારા વિભાગમાં જ કામ કરતી હતી. પણ આજ સવારથી જ એ ગાયબ હતી. મારી ચિંતા સહનશક્તિનો કાંટો વટાવી જાય એ પહેલાં ડૉ. લક્ષ્યા ઉછળતી કુદતી આવી ચડી. એની પાછળ જ વાવાઝોડા જેવો નૈષેધ હતો. ડૉ. લક્ષ્યાનાં હાથમાં બ્લડ રિપોર્ટ હતો. ડૉ. લક્ષ્યા હર્ષથી ઉછળી રહી હતી. ‘થેંક ગોડ, સર! મારો રિપોર્ટ નોર્મલ આવ્યો છે. હવે અમે લગ્ન કરી શકીએ છીએ. સર, મેં તમને જે કવર આપ્યો છે તે ખોલો. તમે પણ વાંચો, નૈષેધને પણ વંચાવો. એને ખબર પડે કે હું તેને કેટલો પ્રેમ કરું છું.’

મેં ખિસ્સામાંથી કવર કાઢ્યું. અંદરથી કાગળ કાઢ્યો. ડૉ. લક્ષ્યાએ લખ્યું હતું, ‘સર, મારો રિપોર્ટ ખરાબ આવ્યો છે. હું નૈષેધ સાથે લગ્ન નહીં કરી શકું. પરંતુ નૈષેધ વગર જીવી પણ નહીં શકું માટે હું મારી જિંદગીનો અંત લાવી રહી છું. સર, તમે નૈષેધને સાચવી લેજો.’

હું અને નૈષેધ આ પત્ર વાંચીને હસી પડ્યા. લક્ષ્યાએ કહ્યું, ‘તમે બને હસો છો શા માટે? હું સાચે જ નૈષેધને બહુ જ પ્રેમ... મેં ખુલાસો કર્યો, ‘લક્ષ્યા, હકીકત એવી છે કે તારા ગયા પછી નૈષેધ પણ મને એક કાગળ આપી ગયો. નૈષેધે તેમાં લખ્યું છે,‘લક્ષ્યાનો રિપોર્ટ ખરાબ આવશે તો પણ હું લક્ષ્યા સાથે લગ્ન કરીશ. હું ક્યારેય બાળક પેદા નહીં કરું. મને વંશજ વગર ચાલશે પણ મારી લક્ષ્યા વગર નહીં ચાલે. લક્ષ્યા, હવે તું જ કહે, કોનો પ્રેમ ચડિયાતો?’

આજે એ ઘટનાને વરસો થઈ ગયા છે પણ એ જુવાન યુગલ મને બહુ મોટી વાત શીખવી ગયું. ગુલાબનું ફૂલ આપવું અને સ્વીકારવું એ જ સાચો પ્રેમ નથી. પણ નિર્વંશ જવાની તૈયારી સાથે પ્રેમિકાનો હાથ ઝાલવો એ સાચો પ્રેમ છે.

 

 

(ટૂંકાવીને સંકલન સાભાર : ડૉકટરની ડાયરી- ડૉ. શરદ ઠાકર)

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રૂઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates