હમારે જમાને મેં

હમારે જમાને મેં - રોશની ગૌતમ શાહ, ભુજ

વ્યક્તિ એ સમાજનો અંગ છે. સમાજ દ્વારા તેની ઓળખ ને અસ્તિત્વ છે. દરેક વ્યક્તિના પોતાના વ્યક્તિગત વિચારો હોય છે છતાં સિદ્ધાંત અને પરંપરા પ્રમાણેનું જીવન જીવવું પડે છે. જેના આધારે તેના જીવનની કિતાબ લખાતી હોય છે. જીવનના ઉતાર-ચઢાવ અને અનુભવો તેના જીવનરૂપી કિતાબના દરેક પાનાને ઉત્તરોત્તર વધુ સમૃદ્ધ બનાવે છે. દરેકની પોતાના સમયની કહાની હોય છે, જીવનમૂલ્યો હોય છે. જે તે સમયની પેઢીને પોતાનો સમય યોગ્ય લાગે છે. તેમની રહેણી-કરણી વ્યાજબી લાગે છે. જૂની પેઢી પોતાની વાતને યોગ્ય ઠરાવે છે. તેઓ ‘હમારે જમાને કી’ વાત કરે છે. કદાચ તેમના પછીની પેઢી કંઈ જુદું જ વિચારતી હોય છે. આ પરિસ્થિતિ દરેક સમયે રહેતી હોય છે.

આજે જ્યારે આપણે ટેક્નોલોજીના યુગમાં પ્રવેશી વિકાસના માર્ગે આગળ વધી રહ્યા છીએ, મોબાઈલ યુગમાં આવી ગયા છીએ, એ સમયમાં આપણી નવી પેઢીની વાત કરીએ તો તેઓ થોડા હાઈપર, ઉત્સાહી, થનગનાટ ભર્યા, જોમ અને જુસ્સાવાળા છે. તેઓ શિષ્ટાચારમાં માનવાવાળા અને પ્રેક્ટીકલ છે. આજે જૂની પેઢી અને નવી પેઢીના વિચારોમાં ઘણો જ તફાવત છે. ૫૦-૬૦ વર્ષ પહેલાંથી આજ સુધીની જે પેઢીઓ આવી તે લગભગ સમાંતર હતી. વિચારોનો મતભેદ હતો પણ આજે વિકાસના ક્ષેત્રે હરણફાળ ભરતા બે પેઢી વચ્ચેનો મતભેદ ચોક્કસ પ્રમાણમાં વધી ગયો છે. આજે મોબાઈલ યુગના કારણે દુનિયા જાણે ‘હમારી મુઠ્ઠી મેં’ થઈ ગઈ છે. નવી શોધોના કારણે આપણું જીવન વધારે સગવડતાભર્યું થયું છે. આજની પેઢીની રહેણીકરણી અને વિચારોમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. તેઓ વડીલોની વાત સાંભળે છે, અમલમાં મૂકે છે સાથે પોતાના વિચારોને પણ સચોટ રીતે, તર્કપૂર્ણ રજૂઆત કરવાની હિંમત રાખી નવી દિશા આપે છે. આ પરિસ્થિતિને સ્વીકારવામાં જૂની પેઢીને સમય લાગે છે. તેઓ પોતાને તથા પોતાના વિચારોને પરિવર્તિત કરી અપગ્રેડ થઈ રહ્યા છે. જે આજના સમયે ખૂબ જરૂરી છે.

આજની પેઢી થોડી વધુ ફોરવર્ડ છે. એક નવી જ દિશામાં કદમ માંડી રહી છે. જ્યાં હરિફાઈનો માહોલ છે. સ્પર્ધા અને શ્રેષ્ઠતાનો યુગ છે. યુવાવર્ગ આ હરિફાઈમાં જોડાયેલો છે. દરેકને આગળ વધુ શ્રેષ્ઠ થવું છે એવા પણ યુવા વર્ગ છે જેની આ દિશામાં જવા માટે પોતાની સ્થિતિ, પરિસ્થિતિ અને શક્તિ નથી હોતી આ સંજોગોમાં તે હતાશ થાય છે.

સમાચારપત્રોમાં આવા પ્રસંગો, દુઃખદ વાત અવારનવાર વાંચવા મળે છે. તેના માટે ઘણી સ્કૂલોમાં યોગ, મેડિટેશન, મોટિવેશનના વર્ગો ચાલુ કરવામાં આવે છે. જે સરાહનીય છે. જેનો ઉદ્દેશ્ય ભાવિ પેઢીનું જતન કરી તેઓને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રદાન કરવાનું છે. જેથી તેઓને યોગ્ય સમયે યોગ્ય દિશા મળી રહે તો પોતાના જીવનના સર્વાંગી વિકાસ તરફ આગળ વધી શકે. માતા-પિતા પણ કુશળ પેરેન્ટીંગ દ્વારા સંતાનોને સાંભળે, સમજે, તેને સંભાળી શકે. સાથે એક એવા વાતાવરણનું નિર્માણ કરે જ્યાં પોતાના સંતાનો મુક્તપણે, નિઃસંકોચ પોતાના વિચારો રજુ કરી શકે. પોતાની વાત તેઓની સમક્ષ મૂકી શકે. પોતાનામાં રહેલી શક્તિની મર્યાદાને સમજી શકે. સમજાવી શકે અને તેમને ઈચ્છિત અને ગમતી દિશામાં આગળ વધવા માતા-પિતાનો સહયોગ મેળવી શકે.

 

 

(કચ્છ ગુર્જરી જુલાઇ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates