ગૃહલક્ષ્મી પૂજન

ગૃહલક્ષ્મી પૂજન - નિરંજના જિતેન્દ્ર શાહ,

‘મમ્મી, મારા ડાન્સક્લાસનો ટાઈમ ચેઈન્જ થયો છે. સ્કૂલથી ક્લાસમાં જઈશ. પ્લીઝ, લંચબોક્સની સાથે નાસ્તાનો ડબ્બો પણ આપી દેજે..’ ‘મમ્મી, હું ગઈકાલે રાતનાં સોફા પર બેસીને વાંચતી હતી એ બુક તેં ક્યાં ઉંચી મૂકી છે? મમ્મી..’ અવની શેફાલીને જવાબ આપે તે પહેલા તો સમર્થ- ‘મમ્મી, મારા કરાટેનો ડ્રેસ તમે જોયો છે?’ ‘અવની, આજે મારે ઓફિસ રોજનાં સમય કરતાં વહેલું પહોંચવું છે. તારે બેંકમાં જવાનું છે. યાદ રાખજે.’ પતિદેવે બ્રોડકાસ્ટ કર્યું.

‘આજે ડ્રાઈવર નથી આવવાનો. અવની મને દેરાસર લઈ જજે.’ સાસુમાની ફરમાઈશ આવી. હા, ભલે, ચોક્કસ. ઓ.કે. જેવા ટૂંકાક્ષરી જવાબો આપતી અવનીને ક્યારેય શાંતિથી બ્રેકફાસ્ટ કરવાનો સમય મળતો ન હતો. ‘ત્યાગ કરીને ભોગવ.’ પરિવારનાં સભ્યોની સગવડ સાચવવામાં ઓતપ્રોત અવની પોતાની જાતને-સ્વ અસ્તિત્વને ભૂલી ગઈ છે. એક સમયે, એક સાથે અનેક કાર્યો કરતી ‘સુપર વુમન’ છે અવની.

***

‘બેટા, તને પરીખ સરનાં ટ્યુશન ક્લાસમાં જવું છે પરંતુ ટ્યુશન ફી વધારે છે તેથી તું અમને કહેતા અચકાયો. ડોન્ટ વરી, કાલે જઈને ફી ભરી આવજે.’ નીતા પોતાના દશમી કક્ષામાં પ્રવેશ કરી રહેલાં પુત્રને કહી રહી હતી. કહ્યા વગર જ સંતાનના મનની વાત જાણી જાય તે મા. મધ્યમ વર્ગીય નીતાએ પોતાનાં વસ્ત્ર-ઘરેણાની ખરીદીમાં કરકસર કરી ટ્યુશન ફી માટે રૂપિયા બચાવ્યા હતા.

***

‘હે નાથ ! આપણને જમીનમાંથી મળેલાં આ ધનનો એવો ઉપયોગ કરીએ કે લોકો જોઈ શકે પણ લઈ ન શકે’ જૈન શાસનના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ અંકિત કરનાર અનુપમા દેવીનાં આ ઉદ્‌ગારો ને વસ્તુપાલતે જપાલ દ્વારા વિશ્વ વિખ્યાત દેલવાડાનાં દહેરાનું સજર્ન થયું. ઘરમાં આવેલાં ધનનું લક્ષ્મીમાં રૂપાંતર કરે છે ગૃહલક્ષ્મી. અનુપમાનાં અવતાર જેવા સ્ત્રીઓ વર્તમાનમાં પણ છે. એક ભાઈએ જૈન મુનિ ભગવંત પાસે પરિગ્રહ પ્રમાણનું વ્રત લીધું એટલે કે અમુક કરોડ રૂપિયાથી વિશેષ ધનનો સંગ્રહ ન કરવો પરંતુ ભાગ્યયોગે ઘણું કમાતા ગયા. ત્યારે તેઓના ધર્મપત્નીએ તેઓને સૂચન કર્યું. આપણે આ ધનનો ઉપયોગ ધાર્મિક-શૈક્ષણિક, સામાજિક તેમજ અન્ય ક્ષેત્રોનાં ઉત્કર્ષ માટે કરીએ. પતિએ પત્નીનાં સૂચનને હર્ષ સાથે વધાવી લીધું. તેઓની લક્ષ્મીનું મહાલક્ષ્મીમાં રૂપાંતર થઈ રહ્યું છે. અનેક ગૃહિણીનાં ગૌરવવંતા ઈતિહાસથી શાસનની- દેશની સંસ્કૃતિ સમૃદ્ધ છે.

સ્ત્રી શતદલ કમલ જેવી છે. પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ, બંને વચ્ચે પણ ખીલતા રહેવાની કળા તેની પાસે છે. ગૃહિણી જિંદગીની પ્રત્યેક ક્ષણ ઘર તથા કુટુંબને અર્પણ કરી રહી છે. ‘એ તો એની ફરજ છે’ જેવા સ્ટેટમેન્ટ કરી ગૃહિણીની સેવા જ લેતા રહેવાનું. ધનતેરસનાં દિવસે ચોપડા પૂજન થતું હતું અથવા થાય છે. લક્ષ્મી પૂજન થાય છે તો ગૃહલક્ષ્મી પૂજન કેમ નહીં? એ પૂજન માટે દ્રવ્ય ક્ષેત્ર- કાળમાં ભલે વૈવિધતા હોય પરંતુ હૃદયનો ભાવ તો એક જ હોય.

ગૃહલક્ષ્મી સન્માન - ગૃહલક્ષ્મી ગૌરવ.

 

 

 

(કચ્છ ગુર્જરી ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates