શ્રી ગોકુલદાસ તેજપાલ હાઈસ્કૂલ, માંડવીની સુવર્ણ યાદ

શ્રી ગોકુલદાસ તેજપાલ હાઈસ્કૂલ, માંડવીની સુવર્ણ યાદ - શ્રીમતી કિશોરી/અલકા અરવિંદ સંઘવી, અમદાવાદ

શ્રી જી.ટી. હાઈસ્કૂલ (શ્રી ગોકુલદાસ તેજપાલ હાઈસ્કૂલ), માંડવી આજ કેટલાય સ્પંદન જગાડી જાય છે. મનમાં કેટલીય યાદો ધરબાયેલી છે. યાદ કરીએ ત્યારે સ્મરણો તાજાં થઈ જાય છે.

અમે પાંચમા ધોરણમાં જી.ટી. હાઈસ્કૂલમાં એડમીશન લીધું. ત્યાં ગયા પછી ખૂબ જ હોંશ, ભણવાનો ઉત્સાહ વધવા લાગ્યો. ખૂબ જ પરિવર્તન આવ્યું અમારામાં.

પ્રાયમરી સ્કૂલમાં સ્લેટ-પેન અને ચોપડીઓ જ હતી. અહીં હાઈસ્કૂલમાં આવ્યા પછી નોટ-બુક, પેન, પેન્સીલ, કંપાસની શરૂઆત થઈ.

પ્રાયમરી સ્કૂલમાં રોજે રોજ રેંક બદલાતી. જ્યારે અહીં તો દરેક વિષયની અલગ અલગ નોટ અને દરેક વિષયના અલગ અલગ માર્ક ગણાય અને માર્કસ નોંધવા માટે રજિસ્ટર હતું. દર પહેલી તારીખે ફી ભરવાની અને તે રજિસ્ટરમાં નોંધાવવાની જ્યારે પ્રાથમિક સ્કૂલમાં ફી ન હતી.

અમારે દરરોજ યુનિફોર્મ પહેરીને આવવાનું હતું. અહીં છોકરા અને છોકરીઓનું સાથે ભણવાનું હતું. યુનિફોર્મમાં છોકરીઓએ સફેદ ટોપ અને ખાખી કલરનો સ્કર્ટ પહેરવાનું અને છોકરાઓએ સફેદ બુશશર્ટ અને ખાખી કલરની હાફ પેન્ટ પહેરવાની હતી.

અમારી તો જાણે દુનિયા જ બદલાઈ ગઈ. તે વખતે અમારી સ્કૂલનો સમય ૭.૩૦થી બપોરના ૧૨.૩૦નો. હાઈસ્કૂલમાં છોકરાઓ માટે પી.ટી. (કસરતના દાવ વિ.નો) પીરીયડ હોય, અને છોકરીઓ માટે સિવણનો પીરીયડ હતો. જે અમને કુસુમબેન શાહ શીખવાડતા.

પી.ટી. ટીચર તરીકે વૃજલાલસાહેબ હતા. અમે આગળ વધતા ગયા અને અમારી વિદ્યાર્થીની મિત્રો બનતી ગઈ. અમારા પ્રિન્સીપાલસાહેબ શ્રી સુશીલ પંડ્યા ખૂબ જ આનંદી ને ઉત્સાહી હતા.

તે વખતે સ્કૂલમાં ૧૫મી ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી રાષ્ટ્રીય તહેવાર હોઈ ધ્વજ વંદન કરવામાં આવતું અને તે પણ સ્કૂલમાં સહુથી નાનો વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીના હાથે ત્રિરંગો ઝંડો ફરકાવવામાં આવતો અને સલામી આપવામાં આવતી.

હું પાંચમા ધોરણમાં હતી તે વખતે એક વખત ‘નીના શાહ’ અને બીજી વખત‘પ્રણવ દિવેટીયા’ના હાથે ઝંડો ફરકાવવામાં આવેલ.

આ બંને તહેવારોના દિવસે જાતજાતની હરિફાઈઓ યોજાતી. રંગોળી હરિફાઈ, વર્ગ સુશોભન હરિફાઈ, વકતૃત્વ, નિબંધ હરિફાઈ, સંગીત હરિફાઈ રાખવામાં આવતી.

વર્ગ સુશોભનમાં દરેક વિદ્યાર્થીઓ પોતપોતાના ઘેરથી કલાકૃતિઓ, પેઈન્ટીંગ્સ, રમકડાં વિ. લઈ આવે અને ગિરનારના ડુંગર કે પાવાગઢનો માટીથી નાનું મોડેલ બનાવે અને તેને શણગારે. હોળિયો કોઠો, ભિમાણી ટાવર વિ.ના મોડલ પણ બનાવે અને વર્ગને સુશોભિત કરે. હોંશે હોંશે બધા ખૂબ જ મહેનત કરીને તહેવારને ઉજવે.

રમતગમતની હરિફાઈઓ બે દિવસ રહે તેમાં પણ ખૂબ ઉત્સાહથી ભાગ લઈએ. ઘણી વખત પીકનીક પર લઈ જાય તેમાં સવારમાં ઉઠીને વહેલા જ નીકળવાનું કેમ કે તે વખતે અમે ચાલીને પ્રવાસમાં જતા. કલકતા બાગ અને રાજ મહેલ એ બે જગ્યાએજ વધારે જવાનું થાય. ચાલતા ચાલતા અંતાક્ષરી રમતા જઈએ અને તે દિવસે યુનિફોર્મ પહેરવાનું ન હોય એટલે અમને તો જાણે ફેશન પરેડ જેવું લાગતું. ગોગલ્સ, નવા કપડા, સ્કાફ વિ. પહેરવાની ખૂબ મજા પડતી.

એક ફોટોગ્રાફર ‘વિજય મચ્છર’ હતો જે અમારા ફોટા પાડી આપતો.

નવરાત્રિમાં સાંજે ગરબા ગવાતા. ફક્ત છોકરીઓ ભાગ લે. ગરબાના આગાલા દિવસે મોટી રંગોળી સ્કૂલના કંપાઉન્ડમાં કરતા અને શણગારેલા ગરબા ગોઠવતા. છોકરીઓ પોતે જ ગાય અને એક ઢોલી ‘આઈશાબેન’ આવતા તેઓ ખૂબ સરસ ઢોલ વગાડતા.

શરદ પૂર્ણિમાની રાત્રે નૌકાવિહાર માટે લઈ જતા. મચ્છવામાં બેસી માંડવીના દરિયામાં નૌકા વિહાર કરવાની ખૂબ જ મજા પડતી.

૧૯૬૧માં મધુસુદનભાઈ આશર એસએસસી બોર્ડમાં પ્રથમ ૧૦મા નંબરમાં બોર્ડમાં પાસ થયેલ જેથી પોતાનું, શાળાનું અને માંડવીનું નામ રોશન કર્યું છે.

શાળાની અને પોતાની શાન વધારનાર ઈન્ટરનેશનલ ફોટોગ્રાફર શ્રી વસંતભાઈ સંઘવી, વિનયભાઈ આશર એવા કેટલાય લોકોએ નામના કાઢી છે.

કેટલાક લોકો ઈન્ટરનેશનલ ફલક પર દાનેશ્વરી તરીકે ખાસ કરીને ધીરજભાઈ, જેઆરડી શાહ, નવિનભાઈ મહેતા જેવાએ નામ રોશન કર્યું છે. પત્રકારત્વમાં શ્રી કીર્તિભાઈ ખત્રી, જગદીશભાઈ આર. શાહ જેવા અનેક પત્રકારોએ પણ ખૂબ સારી નામના મેળવી છે.

રાજકારણમાં શ્રી જયકુમારભાઈ સંઘવી, એમએલએ અને સુરેશભાઈ મહેતા મુખ્યમંત્રી બની ચૂક્યા છે. આ સ્કૂલના કોઈને કોઈ વિદ્યાર્થીઓએ જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરી છે અને નામ રોશન કર્યું છે.

એટલું તો ચોક્કસ કહીશ કે અમારી શ્રી જી.ટી. સ્કૂલના અનેક સિતારાઓ વિશ્વમાં ક્યાંય ને ક્યાંય ચમકીને નામ રોશન કર્યું છે.

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates