ગર્ભાવસ્થા અને ડાયાબિટીસ જાગૃતિ અભિયાન

ગર્ભાવસ્થા અને ડાયાબિટીસ જાગૃતિ અભિયાન - ડૉ. પુલિન વસા, માંડવી

GDM - સગર્ભાવવસ્થા દરમિયાન થતો બ્લડ સુગરનો વધારો :

આખા વિશ્વમાં ડાયાબિટીસ એટલે મધુપ્રમેહનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને ભારતમાં તો એટલું ઝડપથી વધે છે કે ઈ.સ. ૨૦૨૫માં આખા વિશ્વમાંથી ભારતમાં સહુથી વધારે ડાયાબિટીસના દર્દીઓ હશે. અયોગ્ય આહાર, બેઠાડું જીવન, જાડાપણું વગેરે તે થવાના જાણીતા કારણો છે. હાલમાં એક નવા કારણ તરફ તબીબી જગતનું અને સંશોધકોનું ધ્યાન ખેંચાયું છે અને તે છે ‘સગર્ભાવસ્થા દરમિયાન થતું ડાયાબિટીસ’આ તકલીફને જીડીએમ કહે છે. જીડીએમનું પૂરું નામ (Gestational Diabetes Mellitus) છે. ઈ.સ. ૧૯૮૦ની સાલમાં ભારતમાં GDM નું પ્રમાણ ૨ ટકા હતું અર્થાત્‌ જો ૧૦૦ બહેનો સગર્ભા થાય તો તેમાંની ૨ બહેનોને GDM હોય, ૨૦૦૦ની સાલમાં એટલે ૨૦ વર્ષ પછી તે વધીને ૧૬.૫ ટકા થયું અને ૨૦૧૮માં આ પ્રમાણ વધીને ૨૭ ટકા થયું. અર્થાત્‌ ૧૦૦ સગર્ભા સ્ત્રીઓમાંથી ૨૭ સ્ત્રીઓને લોહીમાં સાકરનું પ્રમાણ વધારે હોય છે.

GDM થી થતી અસરો : આ વાત અહીંથી અટકતી નથી. જે બહેનોને GDM હોય તેમને ભવિષ્યમાં ડાયાબિટીસનો રોગ થવાની શક્યતા ઘણી વધી જાય છે અને આ સગર્ભાવસ્થા પછી જન્મેલી બાળકીઓને ડાયાબિટીસ થવાની શક્યતા ઘણી વધી જાય છે. આમ ડાયાબિટીસ ચેપી રોગ ન હોવા છતાં પણ તે માતામાંથી બાળકમાં આવે છે. જે સ્ત્રીઓને GDM હોય તેમને સગર્ભાવસ્થા દરમિયાન બ્લડપ્રેશ વધુ હોવું, કીડનીને અસર થવી, પ્રિએક્લેમ્પશીયા થવું, સગર્ભાવસ્થા દરમિયાન ખેંચ ઉપડવી, ગર્ભની આસપાસ રહેતા પાણીનું પ્રમાણ જરૂરિયાત કરતાં વધવું કે ઘટવું જેવી તકલીફો થવાની શક્યતા વધુ રહે છે. તેમને પ્રસુતિ સમયે તકલીફ થવાની કે ઓપરેશન કરવું પડે તેવી શક્યતા વધુ રહે છે. ગર્ભ પડી જવાના કે મૃત બાળક જન્મવાના ચાન્સ વધારે રહે છે. રેસાપીરેટરી ડીસ્ટ્રેસ એટલે શ્વાસ લેવાની તકલીફ, વધારે વજનનું બાળક હોવું, વધુ સમય કમળો રહેવો અને જન્મજાત ખોડખાંપણ વગેરે તકલીફો થઈ શકે છે. થવાની શક્યતા વધુ રહે છે. આખા જગતમાં આ વિષય પર જબરદસ્ત સંશોધન ચાલી રહ્યું છે. ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધવાનું આ એક મહત્ત્વનું પરિબળ છે. આ એક ચેપી દદર્ જેવી તકલીફ છે. જે માતા તેમજ ગર્ભસ્થ શિશુ માટે હાનિકારક છે. લોહીમાં સાકરનું પ્રમાણ વધુ આવે તો, તે જરૂર મુજબ દવાઓ અથવા દવા વગર પણ ઘટાડી શકાય છે. તે થકી માતાઓને થનારી તકલીફો ઘટાડી શકાય છે. પ્રસુતિ પછી થનારા ડાયાબિટીશનું પ્રમાણ ઘટાડી શકાય છે અને દીકરીને વારસામાં આવતું ડાયાબિટીસનું પ્રમાણ ઘટાડી શકાય છે.

સગર્ભાવસ્થા દરમિયાન વિકસિત થતા ભ્રૂણની આસપાસનું વાતાવરણ તેના વિકાસ માટે અત્યંત અગત્યનું છે. આ વિકાસના સમય દરમિયાન જો ગર્ભાશયનું વાતાવરણ અયોગ્ય હોય તો તેને કારણે ભ્રુણના વિકાસને અસર થાય છે, પરંતુ તેનાથી ગંભીર અસર ગર્ભમાંથી બહાર આવ્યા પછી તેની બાકીની જિંદગી પર થાય છે તેવા બાળકને ભવિષ્યમાં ડાયાબિટીસ, બ્લડપ્રેસર, હૃદયરોગ જેવી તકલીફો થવાની સંભાવના વધી જાય છે.

૧) લોહતત્વની ખામી, ૨) પોષણની ખામી, ૩) સગર્ભાવસ્થામાં વધતું શુગરનું પ્રમાણ, ૪) વાતાવરણનું પ્રદુષણ ગર્ભસ્થ ભ્રુણના વિકાસને તેમજ તેની બાકીની જિંદગીની તંદુરસ્તીને હાનિ કરે છે.

વાતાવરણના પ્રદૂષણ બાબત આપણે ખાસ કશું ન કરી શકીએ. પરંતુ બાકીના ત્રણ પરિબળોને ચોક્કસ રીતે બદલી શકાય છે અને આ બધા સંશોધન પછી W.H.O. અમેરિકન ડાયાબિટીસ એસો. અને ભારતીય ડાયાબિટીસ સંસ્થાને દરેક સગર્ભા બહેનનું બલ્ડશુગર માપવાનું અત્યંત જરૂરી છે તેમ જણાવ્યું છે. બાળકોમાં થતા ડાયાબિટીસ અને યુવાનોમાં થતા ડાયાબિટીસનું પ્રમાણ હાલમાં ચેપી રોગની જેમ વધતું જાય છે. આથી જ્યારે સ્ત્રી ગર્ભ ધારણ કરે ત્યારે તેને ડાયાબિટીસ હોવાની શક્યતાઓ રહે છે. આને કારણે ભારતના તબીબોએ ભલામણ કરી છે કેે સગર્ભા માતાને મહિના રહે તો તરત જ બ્લડસુગર અને હિમોગ્લોબીન તપાસવું  ત્યારબાદ ૨૮ અઠવાડિયે ફરી પાછું, ૭૫ ગ્રામ ગ્લુકોઝ આપ્યા પછી ૨ કલાકે બ્લડસુગર તપાસવું. આ વખતે તેનું બ્લડશુગર ૧૪૦થી વધુ આવે તો તેને જીડીએમ છે અમે ગણવું અને ૨૦૦થી વધારે આવે તો તેને ડાયાબિટીસ છે તેમ ગણવું. જે બહેનોમાં બ્લડશુગર ૧૪૦થી વધુ હોય તેમને ૩૦ ટકા કેલેરી ઓછી મળે અને તેમ છતાં પોષણનું પ્રમાણ ખોરાકમાંથી ઘટે નહીં તે પ્રકારનો ખોરાક લેવાની અને નિયમિત ચાલવાની સલાહ આપવામાં આવે છે. (ખાસ કરીને જો તેમનું વજન વધુ હોય તો કેલેરીનું પ્રમાણ ઘટાડવું જોઈએ)

જ્યારે જેમનામાં બ્લડશુગર ૨૦૦થી વધુ હોય તેમને ઈન્સ્યુલિન ઈન્જેક્શન લેવાની અને મેટફોર મીન તથા ગ્લીબુરાઈડ દવા સગર્ભાવસ્થા દરમિયાન લેવાની ભલામણ છે. ચેન્નાઈમાં થયેલા વ્યાપક સંશોધનમાં આ પ્રમાણે પગલા લેવાથી સ્પષ્ટ ફાયદાઓ જોવામાં આવ્યા છે. જે બહેનોમાં જીડીએમ માલુમ પડે તેમાં ફરીથી ૩૨ અઠવાડિયા પછી, પ્રસુતિ થઈ ગયા બાદ ૪થી ૫ અઠવાડિયા રહીને અને આવતાં પાંચ વર્ષ સુધી દર વર્ષે એક વખત બ્લડશુગર માપવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત એક સંશોધન થયું છે જેમાં એક પ્રસુતિ પછી અને બીજી વખત સગર્ભા થવા પહેલાં માતાનો વધુ પડતો વજન વધારો અને તે થકી થતી તકલીફોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. એમાં માલુમ પડ્યું કે પ્રસુતિ પછી જે બહેનોનું વજન વધારે વધે છે તેમને ડાયાબિટીસ થવાની શક્યતા વધુ રહે છે. એટલું જ નહીં પણ ત્યારબાદ બીજી વખત ગર્ભધારણ કર્યા પછી તેમને GDM થવાની શક્યતા વધે છે.

આ બધી તકલીફો જાણ્યા પછી આપણે શું કરી શકીએ? ૧) બાળકોને નાનપણથી યોગ્ય ખોરાક અને કસરતની સલાહ આપીએ. ૨) ગર્ભ ધારણ કરતાં પહેલાં સ્ત્રીનું સ્વાસ્થ્ય તંદુરસ્ત હોય તે જોઈએ. ૩) ગર્ભ ધારણ કર્યા પછી તરત જ અને ૨૮ અઠવાડિયા બાદ ૭૫ ગ્રામ ગ્લુકોઝ આપ્યા પછી ૨ કલાકે શુગરની તપાસ કરાવીએ. ૪) જો બ્લડશુગર ૧૪૦થી વધુ હોય તો તેને યોગ્ય ખોરાક ખાવાની અને કસરતની જાણકારી આપીએ. ૫) જો બ્લડશુગર ૨૦૦થી વધુ હોય તો ખોરાક અને કસરત ઉપરાંત દવાઓ અને ઈન્જેક્શન લેવાની અને દર ૧૫ દિવસે બ્લડશુગર ચેક કરવાની સલાહ આપીએ. ૬) ૩૨માં અઠવાડિયે અને પ્રસુતિ થઈ ગયા પછી પાંચ વર્ષ સુધી બ્લડશુગર મપાવીએ અને પ્રસુતિ પછી યોગ્ય ખોરાક લેવાની અને કસરત કરવાની સલાહ આપીએ, જેથી વજન વધે નહીં. ૭) જે બહેનોને જીડીએમ આવ્યું હોય તેમની દીકરીઓનુ બ્લડશુગર તપાસવાની અને તેમને યોગ્ય ખોરાક, કસરતની સલાહ આપીએ જેથી તેમનું વજન વધે નહીં અને ડાયાબિટીસ થવાની શક્યતાઓ ઘટે.

જો સગર્ભા બહેનને લોહીમાં સાકરનું પ્રમાણે વધારે આવે તો સમયસર તેને યોગ્ય માર્ગદર્શન આપી તેને ઘટાડવાનો પ્રયત્ન કરી શકાય જેથી તે બહેનને તથા તેને આવનાર બાળક કે બાળકીને થતાં નુકસાનને રોકી શકાય અને વધતા જતા ડાયાબિટીસના પ્રમાણને મૂળમાંથી નાથી શકાય.

જો બહેનોમાં જાગૃતિ આવશે તો તેઓમાં કસરત, યોગ્ય ખોરાક અને તે થકી થતાં ફાયદાનું મહત્ત્વ વધશે.

સગભાર્વવસ્થામાં લોહીમાં વધતા ગ્લુકોઝ - જીડીએમેમવાળા બહેનો માટે આહારની સમજ :

સગર્ભાવસ્થામાં ૨૦-૨૭ ટકા બહેનોના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય છે. તે જો ૧૪૦ માપથી વધુ હોય તો તેને જીડીએમ કહેવામાં આવે છે અને જો તે ૨૦૦થી વધારે હોય તો તેને ડાયાબિટીસ ગણવામાં આવે છે. આ બંને પ્રકારની તકલીફ ધરાવતી બહેનોમાં ખોરાકની તકેદારી તેમજ નિયમિત કસરત ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અને જીડીએમ થકી થતું નુકસાન રોકી શકે છે. આથી દરેક સગર્ભા બહેનને અને ખાસ કરીને ડીજીએમવાળી બહેનોને ખોરાકની યોગ્ય સમજ આપવી ખૂબ જ જરૂરી છે.

આપણા ખોરાકમાં મુખ્ય  ૪ ઘટકો છે : * કાર્બોર્હેહાઈડ્રેટ * પ્રોટેટીન * ફેટેટ (ચરબી), * ફાઈબર. આપણે આજે આ ચાર ઘટકો વિશે સમજીશું. તે શું છે? શું કાર્ય કરે છે? અને શેમાંથી મળે છે? તે બાબતની ચર્ચા કરીશું.

૧) કાર્બોહાઈડ્રેટ : કાર્બોહાઈડ્રેટ આપણને ઘઉં, ચોખા, બાજરી જેવા અનાજમાંથી, કઠોળમાંથી, શીંગ, સૂકો મેવો, ખાંડ, ગોળ, ફળફળાદીમાંથી, બટાટા, શક્કરિયા વગેરે શાકમાંથી મળે છે. આપણા શરીર માટે જરૂરી ઊર્જા (શક્તિ) માટે આ અત્યંત જરૂરી છે. શરીર આ તમામ વસ્તુઓમાંથી ગ્લુકોઝ બનાવે છે અને તમામ કોષોને પોષણ માટે તે ગ્લુકોઝ પહોંચાડે છે. આ કાર્બોહાઈડ્રેટ બે પ્રકારના હોય છે. સીમ્પલ કાર્બોહાઈડ્રેટ અને કોમ્પલેક્સ કાર્બોહાઈડ્રેટ. સફેદ ચોખા, બટાટા, ખાંડ, મેંદો, અતિ ઝીણો લોટ વગેરે સીમ્પલ કાર્બોહાઈડ્રેટ છે જે ઝડપથી પચી જાય છે અને તેને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપથી વધે છે. જ્યારે કોમ્પલેક્સ કાર્બોહાઈડ્રેટ બ્રાઉન ચોખા, ઘઉંના ફાડા, જાડો લોટ, કઠોળ, આખું ધાન્ય જેમકે રાજગરો, રાગી, શીંગદાણા અને સૂકો મેવો વગેરેમાં હોય છે. આને પચતાં વાર લાગે છે. તે કારણે આ પ્રકારનો ખોરાક લીધા પછી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ આસ્તે આસ્તે વધે છે. આ ઉપરાંત આ તમામ વસ્તુઓમાં પ્રોટીનનું પ્રમાણ પણ સારી એવી માત્રામાં હોય છે. જીડીએમ અથવા ડાયાબિટીસવાળી સગર્ભા બહેનોમાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપથીનહીં વધવું જોઈએ તેથી તેમણે પોતાના ખોરાકમાં કોમ્પલેક્સ કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે અને સીમ્પલનું પ્રમાણ બને તેટલું ઓછું રાખવું. તમે જો મગ ચોખાની ખીચડી બનાવતા હોય તો તેમાં ૧ ભાગ ચોખા અને ૩ ભાગ મગ લ્યો. દાળ ભાત લેતા હો તો જાડી દાળ અથવા લચકો દાળ લ્યો. દાળભાતમાં ૩ ભાગ દાળ હોય અને એક ભાગ ચોખા. સવારે નાસ્તામાં ઘઉંના ફાડામાંથી બનાવેલી વાનગીઓ લ્યો. ખાંડ, ગોળ, ખાંડ નાખેલા ફ્રુટ જ્યુસ તેમજ પેપ્સી કોલા જેવા પીણા બને તેટલા ઓછા લ્યો. ફળ ફળાદિ ખાઓ પણ તૈયાર ફળના રસ ન લ્યો. કારણકે તેમાં ખાંડ નાખવામાં આવી હોય છે, બને ત્યાં સુધી બ્રેડ ન ખાવા, તે મેંદામાંથી બને છે ઉપરાંત તેમાં મીઠું અને બેકીંગ પાઉડર હોય છે કે જે સગર્ભા અવસ્થા દરમિયાન નુકસાનકારક છે. અનાજ, કઠોળ ભેગા કરીને જાડા લોટમાંથી બનાવેલું ભેડકું, ઈડલી વગેરે તંદુરસ્ત નાસ્તા છે. રોજના ખોરાકમાં ૪૦ ટકા હિસ્સો કાર્બોહાઈડ્રેટનો હોવા જોઈએ, સામાન્ય રીતે આપણા ખોરાકમાં ૭૦-૮૦ ટકા કાર્બોહાઈડ્રેટ હોય છે અને તે પણ સીમ્પલ કે જે આરોગ્ય માટે નુકસાનકારક છે.

૨) પ્રોટીન : આપણા સ્નાયુઓ મગજ તેમજ લોહીને માટે અત્યંત જરૂરી ઘટક છે. તે માંસ, માછલી, ઈંડા, દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓ, કઠોળ, ઘઉં જેવું અનાજ, શીંગદાણા, સૂકોમેવો, ખાસ કરીને બદામમાંથી મળે છે. કઠોળમાં સોયાબીનમાં સહુથી વધારે પ્રોટીન છે. બીજા નંબરે મગમાં અને અડદમાં પ્રોટીન છે. રોજના ખોરાકમાં કઠોળનું ખૂબ જ મહત્ત્વ છે અને ભારતમાં તમામ પ્રચલિત ખોરાકમાં કઠોળ અને અનાજનું મિશ્રણ જોવા મળે છે જેમ કે દાળભાત, ખીચડી, ઈડલી, ઢોસા, દાળ-રોટલી વગેરે વગેરે. જ્યારે આપણે જોયું કે સોયાબીનમાં પ્રોટીનનું પ્રમાણ સહુથી વધારે છે ત્યારે સોયાબીનનો ઉપયોગ કાં તો ઘઉંના લાટમાં ૩૦ ટકા સોયાબીનનો લોટ ઉમેરીને કરી શકાય અથવા તો સોયાબીનને પલાળીને તેને રાંધીને સામાન્ય કઠોળના શાકની જેમ લઈ શકાય. ખૂબ જ અગત્યનો મુદ્દો, બને ત્યાં સુધી રસવાળા મગ ખાવાને બદલે કોરા મગ લ્યો જેથી વધુ પ્રોટીન મળે, પાતળી દાળને બદલે જાડી દાળ કે લચકોદાળ લ્યો જેનાથી પણ વધુ પ્રોટીન મળે. મગના પાણીમાં કોઈપણ પ્રકારનું પોષણ નથી હોતું તેથી તેને બદલે મગજ લેવા જોઈએ.

સુકા મેવામાં બદામમાં સહુથી વધુ પ્રોટીન હોય છે તેથી જો શક્ય હોય તો રોજ ૮-૧૦ દાણા બદામના ચાવીને ખાવા, એમ જ ન ભાવે તો પાણીમાં પલાળીને પણ લઈ શકાય. બીજે નંબરે શીંગદાણામાં પ્રોટીન હોય છે. રોજના ખોરાકમાં ૨૦, ૩૦ ગ્રામ જેટલા બાફેલા અથવા શેકેલા શીંગદાણા આરોગ્ય માટે અત્યંત ગુણકારી છે. કાચા શીંગદાણા પિત્ત પેદા કરે છે. તેથી તેને શેકીને કાં તો બાફીને લઈ શકાય. સગર્ભા અવસ્થામાં મીઠું ઓછું લેવાનું હોય છે તેથી ખારી શીંગને બદલે મોળી શીંગ લેવી. એમને એમ શીંગદાણા ન ભાવે તો તેને દાળમાં નાખીને અથવા સલાડ સાથે લઈ શકાય, શીંગદાણાને મિક્સરમાં પીસી બનતું પીનટ બટર પણ સવારે નાસ્તા સાથે રોટલી પર ચોપડીને લઈ શકાય. અનાજમાં સહુથી વધુ પ્રોટીન ઘઉંમાં હોય છે અને સહુથી ઓછું ચોખામાં તેથી બને ત્યાં સુધી ઘઉંનો ઉપયોગ કરવો હિતાવહ છે. ઘઉંનો લોટ જાડો દળાવવો, તેમાંથી થુલુ કાઢવું નહીં અને મેંદાનો ઉપયોગ બિલકુલ કરવો નહિ, સામાન્ય રીતે ૨૦ ટકા ઉર્જા પ્રોટીનમાંથી મળવી જોઈએ, અર્થાત્‌ રોજના ખોરાકમાં ૨૦ ટકા પ્રોટીન મળે તે પ્રમાણેનો ખોરાક લેવો જોઈએ.

દૂધ, દહીં, ચીઝ વગેરેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. મલાઈ કાઢેલા દૂધ અન દહીં સગર્ભા બહેનો માટે ખૂબ જરૂરી છે. સ્કીમ્ડ મીલ્ક પાઉડર બજારમાં મળતો હોય છે તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે દિવસમાં બે વાર ૧૦-૧૦ ગ્રામ સ્કીમ્ડ મીલ્ક પાઉડર લઈ શકાય. પણ સીધે સીધા પાઉડર સ્વરૂપે ખાવામાં તે ગળામાં ચોંટવાનું જોખમ રહે છે. તેથી ખીચડીમાં કે રોટલી નાખી અથવા તેનું પેસ્ટ બનાવી અથવા તેને દૂધ સાથે મિક્સ કરીને પીવું.

૩) ફેટ અથવા ચરબી : ઘી, તેલ, મલાઈ, માખણ વગેરેમાં ચરબી હોય છે, ચરબીમાં સહુથી વધુ ઊર્જા હોય છે. દા.ત. ૧ ગ્રામ કાર્બોહાઈડ્રેડમાં કે પ્રોટીનમાં ૩.૫૦ માપ, જ્યારે ૧ ગ્રામ ચરબીમાં ૭.૫૦ માપ ઉર્જા હોય છે. ઘી, તેલ, માખણ, મલાઈમાં ચરબી વધારે હોય છે. જ્યારે સીંગદાણા વગેરેમાં ચરબીનું પ્રમાણ સારું એવું હોય છે.

સામાન્ય દિશા નિદર્ેશ મુજબ દર મહિને, જણદીઠ તેલનો વપરાશ ૧/૨ (અર્ધો) કિલો હોવો જોઈએ અને તમારા ઘરમાં ૪ જણની રસોઈ થતી હોય તો તમારો માસિક તેલનો વપરાશ ૨ કિલો હોવો જોઈએ. વારંવાર ગરમ થયેલું તેલ અર્થાત્‌

એક જ તેલમાં ૨-૩ વાર તળવાથી તે આપણને ખૂબ હાનિ કરે છે. તેથી બને ત્યાં સુધી વારંવાર એક જ તેલનો ઉપયોગ ન કરવો. વનસ્પતિ ઘી આપણા માટે હાનિકારક છે તેથી તે ન વાપરવું. રોજિંદા ખોરાકમાં ૨૦ ટકા ઉર્જા ચરબીમાંથી આવવી જોઈએ. સાવ સામાન્ય રીતે સમજાવું તો ૧) વઘારમાં બને તેટલું ઓછું તેલ વાપરી શાકને વરાળ કે પાણીમાં રાંધવું. ૨) તળેલો ખોરાક ન લેવો, ૩) તળેલા મિષ્ટાન ન લેવા. થેપલાના બદલે રોટલી લેવી. રોટલીને ચોપડવામાં વપરાતું ઘી કે વઘારમાં કે થોડી માત્રામાં વપરાતું ઘી કે તેલ હાનિકારક નથી. જો તમે ખોરાકમાં તળેલી વસ્તુઓ ન લ્યો અને શાકભાજી ઓછા તેલમાં રાંધો તો પ્રોટીન માટે દરરોજના ૨૦-૩૦ ગ્રામ શીંગદાણા કે બદામ તમને નહીં નડે. આ સલાહ પ્રસુતિ પછી પણ એટલી જ ઉપયોગી છે. પ્રસુતિ પછી વજન ઘટવું જોઈએ વધવું તો ન જ જોઈએ. પ્રસુતિ પછી થતો વજનનો વધારો તે બહેનોને ડાયાબિટીસ તરફ અને જીડીએમ થવા તરફ દોરી જતું મહત્ત્વનું પરિબળ છે. પ્રસુતિ પછી વધારે પડતા ઘીવાળા પાક અને વસાણા, બેઠાડું જીવન, કસરતનો અભાવ વજન વધારે છે. આ બાબતે પણ અત્યંત જાગૃત રહેવું જોઈએ.

૪) ફાઈબર : ખોરાક પચી ગયા બાદ વધેલા ખોરાકનું મળમાં રૂપાંતર થાય છે અને તેનો દસ્ત દ્વારા ત્યાગ થાય છે. આ પ્રક્રિયા માટે ફાઈબર અત્યંત જરૂરી છે. આ ફાઈબર આપણને શાકભાજીમાંથી ફળોમાંથી કુદરતી રીતે મળી રહે છે. બટાટાની ગણતરી શાકભાજીમાં થતી નથી. તેની ગણતરી કાર્બોહાઈડ્રેટમાં થાય છે, અને તેથી બટાટાનું શાક કાર્બોહાઈડ્રેટ હોવાથી તેમાં શાકભાજીના કોઈ ગુણ હોતાં નથી. પાંદડાવાળા શાક અર્થાત્‌ પાલક, તાંદળજો, મેથી તેમજ તમામ લીલા શાકમાં ફાઈબર હોય છે.

આ તમામ શાકભાજીમાં માત્ર ફાઈબર ઉપરાંત વિટામિન પણ હોય છે. જે-જે શાકભાજી કાચા ખાઈ શકાય અર્થાત્‌ રાંધ્યા વગર ખાઈ શકાય તેનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો થાય છે. કોબી, કાકડી, ગાજર, ટામેટા વગેરેનું કચુંબર કે સલાડ બનાવી જમવા પહેલા ખાવાથી ફાઈબરનું પૂરતું પ્રમાણ મળે છે. ખોરાકમાંથી કોલેસ્ટ્રોલ લોહીમાં જવાનું પ્રમાણ ઘટી જાય છે અને પૂરતા વિટામિન મળી રહે છે. આ સલાડમાં ચીઝ, પનીર, બદામ, શીંગદાણા, બાફેલા મગ, ચણા વગેરે નાખવાથી સલાડની પૌષ્ટિકતા વધે છે. ફળોમાં પણ ફાઈબર અને વિટામિન હોય છે. ફળોની મીઠાશ (ફળોની સાકર) નુકસાનકારક નથી. તેથી આધુનિક વિજ્ઞાન ડાયાબીટીસવાળા દર્દીઓને પણ ફળ ખાવાની છૂટ આપે છે. રોજના ખોરાકમાં કે નાસ્તામાં ૧ કે ૨ કેળાં, સફરજન, સંતરા, મોસંબી જેવા ફ્રુટ લેવા જોઈએ.

GDM વાળા બહેનોનો ખોરાક :

આટલી ચર્ચા પછી આપણે સવારથી સાંજે કઈ રીતે અને કેટલા સમયે ખોરાક લેવો તે સમજીએ. GDMવાળા બહેનોએ શક્ય હોય તો પાંચ વખત અને શક્ય ન હોય તો ઓછામાં ઓછો ૪ વખત ખોરાક લેવો. જેવો કે, સવારે નાસ્તો, ૧૧ વાગે ૧ ફળ, ૧ વાગે ભોજન, ૫ વાગે નાસ્તો, ૮થી ૮.૩૦ વાગે સાંજનું જમણ અને રાત્રે સૂતા પહેલાં કેળું અથવા ફળ અને દૂધ. વારંવાર ખાવું અને દરેક સમયે થોડુંક થોડુંક ખાવું.

આમ કરવાથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જરૂર કરતા વધશે નહીં અને ઘટશે પણ નહીં. એક વસ્તુ ખાસ સમજવા જેવી છે, સગર્ભાબહેન જમે કે ન જમે પણ તેના ગર્ભને કુદરત ૨૪ કલાક સતત ખોરાક પુરો પાડે છે. જો બહેન દિવસમાં  ૪-૫ વખત થોડો થોડો ખોરાક લીધા કરે તો કુદરતનું આ કામ અત્યંત સરળ બની જાય છે અને માતાના બ્લડ સુગરનો કંટ્રોલ પણ યોગ્ય રહે છે.

સગર્ભા અવસ્થામાં વજનનો વધારો પહેલા ત્રણ મહિનાને બાદ કરતાં દર મહિને દોઢ કિલો જેટલો હોવો જોઈએ. મહિને દોઢ કિલોથી વધુ વજનનો વધારો હાનિકારક છે. સગર્ભાવસ્થા દરમિયાન ૧૮૦૦ કેલેરી મળે તે પ્રમાણેનો ખોરાક જેના ૪-૫ ભાગ કરવામાં આવ્યા હોય તે લેવો જોઈએ.

જો બહેનનું વજન યોગ્ય કરતાં વધારે હોય અથવા વધતું હોય તો ૩૦ ટકા ઓછી કેલેરી લેવાની સલાહ આપવામાં આવતી હોય છે.

એક બહુ જ મહત્ત્વની વાત એ છે કે સગર્ભા અવસ્થા દરમિયાન પહેલા ત્રણ મહિનાને બાદ કરતાં કોઈપણ હિસાબે વજન ઘટવું જોઈએ નહીં. આ અપોષણની નિશાની છે અને તે ગર્ભસ્થ શિશુ અને માતા બંનેને માટે અત્યંત હાનિકારક છે. ખોરાકનો ઘટાડો એ રીતે કરવો જોઈએ કે માતા અને શિશુને પૂરતું પોષણ મળે અને છતાં પણ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જોઈએ એના કરતા વધે નહીં.

આ પ્રકરણને અંતે ડાયટીશીયન દ્વારા તૈયાર કરેલા ભોજનની ભલામણોનો ચાર્ટ આપવામાં આવ્યો છે.

કસરત : ખોરાક વિશે આટલી વાત કર્યા પછી આપણે કસરત વિશે ચર્ચા કરીએ. દરેક સગર્ભા બહેનોએ અને ખાસ કરીને જીડીએમવાળી બહેનોએ દરરોજ ૧/૨ કલાક ચાલવું જોઈએ, જો દરરોજ ન ચાલી શકાય તો અઠવાડિયામાં ઓછામાં ઓછા ૪ વખત તો ચાલવું જ જોઈએ. સગર્ભાવસ્થા દરમિયાન આમ કરવાથી જીડીએમ અને ડાયાબિટીસથી થતાં નુકસાનને રોકી શકાય છે. આ પુરવાર થયેલી વાત છે. યોગ્ય માપસરનો પૌષ્ટિક આહાર અને કસરત તે બહેનને જીડીએમના નુકસાનમાંથી બચાવે છે. તેને ભવિષ્યમાં થનારા ડાયાબિટીસને રોકે છે, તેના શિશુને થનારી તકલીફને રોકે છે અને તેને પણ ભવિષ્યમાં થનારા ડાયાબિટીસથી બચાવી શકે છે.

સગર્ભા બહેને ચાલવા જતા પહેલાં હળવો નાસ્તો કરવો જોઈએ અને બને ત્યાં સુધી બહુ ટ્રાફિકવાળા રસ્તે ન જવું જોઈએ જેથી તેમને ઈજા ન થાય અને પ્રદૂષણ ન નડે, બને ત્યાં સુધી સારા સ્પોર્ટ શૂઝ પહેરીને ચાલવું જોઈએ. શરૂઆત ૧૦ મિનિટથી કરો, દર ૭-૮ દિવસે પાંચ પાંચ મિનિટ વધારો, એક મહિનાના અંતે દરરોજ ૩૦ મિનિટ ચાલવાનો આગ્રહ રાખો. જો એક સાથે ૩૦ મિનિટ ચાલવાનું શક્ય ન હોય તો દિવસમાં ત્રણ વખત ૧૦-૧૦ મિનિટ ચાલો. બને ત્યાં સુધી ખુલ્લી હવામાં ચાલવા જવું. રોજ ચાલવાથી લોહીમાં વધતાં ગ્લુકોઝનું પ્રમાણ તો ઘટે જ છે, તે બહેનના સ્નાયુઓ મજબૂત બને છે જેથી તેની પ્રસુતિ પણ સરળતાથી થઈ શકે છે.

પ્રસુતિ બાદ તમામ બહેનોએ અને ખાસ કરીને જેને જીડીએમ હોય તેમણે દરરોજ ૩૦ મિનિટ ચાલવું જોઈએ, આમ કરવાથી પ્રસુતિ બાદનો વજનનો વધારો કાબુમાં રાખી શકાશે. વજન ઉંચકવાની અને પેટ પર જોર આવે તે પ્રકારની કસરતો કરવી નહીં.

દરેક સગર્ભા બહેનને કેલ્શિયમ અને લોહતત્વની જરૂર હોય છે. જો તેના શરીરમાં અને ખોરાકમાં પૂરતું કેલ્શિયમ અને પૂરતું લોહતત્વ (હિમોગ્લોબીન) ન હોય તો તેના ગર્ભસ્થ શિશુને હાનિકારક અસર થાય છે. તેથી ૩ મહિના પૂરા થયા પછી દરેક સગર્ભા બહેને લોહતત્વ અને કેલ્શિયમની ગોળી લેવી જોઈએ કે જે પ્રસુતિ થઈ ગયા પછી છ મહિના સુધી ચાલુ રાખવી જોઈએ. પહેલા ત્રણ મહિના ફોલીક એસિડની ગોળી લેવી જોઈએ.

માનસિક તાણ : માનસિક તાણની ગર્ભસ્થ શિશુ અને માતાના ગ્લુકોઝ પર અવળી અસર થાય છે. હવે પુરવાર થયું છે કે માનસિક તાણમાં રહેવાથી લોહીમાં સાકર વધે છે તેમજ શિશુના ગર્ભવિકાસ અને ભવિષ્યના વિકાસ પર ઘાતક અસર થાય છે.

જો તે બહેન આનંદમાં રહે તો તેની તબિયતને અને તેના શિશુના વિકાસને ઘણો ફાયદો થાય છે. ખૂબ જ જાગૃતતાપૂર્વક માનસિક તાણ ન અનુભવાય તે પ્રકારની વિચારસરણી કેળવવી જોઈએ. સારું વાંચન કરવાથી, ધ્યાન કરવાથી, પ્રાર્થના કે તે પ્રકારની પ્રવૃત્તિ કરવાથી માનસિક તાણ ઘટે છે.

ટૂંકમાં જોઈએ તો GDMવાળી અને તમામ સગર્ભા બહેનોએ રોજ પૌષ્ટિક આહાર લેવો, દિવસમાં ૪-૫ વખત ખોરાક લેવો. રોજ અડધો કલાક ચાલવા જવું, આનંદમાં રહેવું, તાણ મુક્ત રહેવું. તે તેના માટે અને તેની આવનાર પેઢી માટે સહુથી મહત્ત્વનું પરિબળ છે.

ખાસ નોંધ : આ પુસ્તકનો હેતુ ગભાર્વ સ્થા દરમિયાન લાહેીમાં વધતી સાકર, તેની હાનિકારક અસરો અને સુચિત ઉપાયો વિશે સગર્ભા બહેનોને જાગૃત કરવાનો છે. અહીં આપેલ માહિતી પાઠ્યપુસ્તકો તેમજ સર્વમાન્ય સંશોધનપત્રો પરથી લેવામાં આવી છે. આ પુસ્તિકાનો હેતુ દર્દીની સારવાર સુચવવાનો નથી. દરેક દર્દીની તાસીર અલગ હોય છે અને જો ગર્ભાવસ્થા દરમિયાન લોહીમાં સાકરનું પ્રમાણ વધારે આવે તો તે બહેનોએ તેમના તબીબની સલાહ મુજબ દવા લેવી જોઈએ. અહીં કરવામાં આવેલી કસરતની ભલામણ સામાન્ય તંદુરસ્ત બહેનો માટે છે. જો તેમને બ્લડપ્રેશર, હૃદયની તકલીફ અથવા બીજી કોઈપણ તકલીફ હોય તો કસરત કરતા પહેલા પણ ડૉકટરની સલાહ લેવી જોઈએ.

ડાયાબિટીસ સગર્ભા માતા માટે શાકાહારી ભોજન ચાર્ટ :

વહેલી સવારે : ચા-કૉફી (ખાંડ વગરની) ૧ થી ૨ કપ.

સવારનો નાસ્તો (૭ થી ૯ની વચ્ચે) : ઘઉંની રોટલી (૨ નંગ), ચીઝ-નાનો ટુકડો (૧૫ ગ્રામ), માખણ (પ ગ્રામ), બાફેલા મીક્સ શાકભાજી, દહીં-મલાઈ વગરના દુધનું (૧ કપ), ચા-કોફી (૧ કપ) ખાંડ વગર.

સવારે (૧૦થી ૧૧ વાગ્યાના સમયે) : કેળું ૧ નંગ (મીડીયમ સાઈઝ)

બપોરનું ભોજન : સુપ (૧ કપ), ઘઉંના લોટની રોટલી (૨ નંગ), મસુર પુલાવ (૧ કપ) અથવા ભીંડાનું શાક, તુવેરદાળ - જાડી (૧ કપ), દહીં-મલાઈ વગરના દૂધનું (૧ કપ), સલાડ (મીક્સ અથવા કોઈપણ), ઘી-તેલ (૧ ટે. સ્પુન રાંધવા માટે)

બપોરનો નાસ્તો--ચા : ઈડલી-નાની (૨ નંગ), તરબૂચ-પીસ ટુકડા (૧ કપ), ચા-કોફી ખાંડ વગરની (૧ કપ)

રાત્રિ ભોજન : બાજરીના રોટલા અથવા ઘઉંની રોટલી (૨ નંગ) અથવા ખીચડી અથવા દાળ-ભાત, પાલક અથવા મેથીની ભાજી રાંધેલી (૧ કપ), દહીં-મલાઈ વગરના દૂધનું (૧ કપ), સલાડ (કોઈપણ), ઘી-તેલ (૧ ટે.સ્પુન રાંધવા માટે)

રાત્રે સુતી વખતે : દૂધ (૧ ગ્લાસ)+ ૧ કેળું.

 

(કચ્છ ગુર્જરી જુન ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates