ફૂલ પૂજાનો પ્રભાવ

ફૂલ પૂજાનો પ્રભાવ - વિનોદચંદ્ર કાંતિલાલ મહેતા, બોરીવલી

કલિકાલ સવર્જ્ઞ હેમચંદ્રસૂરિજી મ.સા.ને કોણ નહીં ઓળખતું હોય? અઢાર દેશના રાજા સમ્રાટ કુમારપાળ મહારાજાને ધર્મ સંદેશ દઈને એમને અઢાર દેશમાં જીવદયાનો ડંકો વગડાવેલ હતો. પ્રભુભક્તિ ગુરુભક્તિ અને સાધર્મિક ભક્તિ કરવાના ફળ સ્વરૂપે કુમારપાળ મહારાજા આવતી ચોવીસીમાં પહેલા તિર્થંકર પદ્મનાભ તિર્થંકરના ૧૧મા ગણધર બનીને મોક્ષ પ્રાપ્ત કરશે.

ફક્ત ત્રણ ભવમાં એમણે પોતાના આત્માને મોક્ષનું સ્થાન પ્રાપ્ત કરાવી દીધું. આ હતો પૂર્વભવમાં કરેલ પરમાત્માની ફૂલપૂજાનો પુણ્ય પ્રભાવ.

કુમારપાળ મહારાજા પોતાના પૂર્વભવમાં મેવાડ દેશમાં (રાજસ્થાનમાં) જપતાક નામના મહા લૂંટારા હતા. લૂંટફાટ કરવાનો એનો ધંધો હતો.

એકવાર જપતાક ધનદત નામના સાર્થવાહને ખરાબ રીતે લૂંટી લીધો. એ સાથે સાર્થવાહે માલવ દેશના રાજા પાસે જઈને ફરિયાદ કરી અને મદદ માટે પ્રાર્થના કરી.

માલવપતિએ ધનદતની મદદ માટે પોતાના લશ્કરને મોકલાવ્યું. એ લશ્કરે જપતાકની પત્ની પર ઓચિંતો હુમલો કર્યો. આમ અચાનક હુમલાના પરિણામ સ્વરૂપે જપતાક પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયો.

એ સમયે અવસર જોઈને ક્રોધિત થયેલ ધનદતે જપતાકની ગર્ભવતી પત્નીને મારી નાખી. આગળ જતાં જપતાકને યશોભદ્રસૂરિજી મ.સા.નો ભેટો થઈ ગયો. ગુરુ ભગવંતના સંપર્કમાં આવવાથી જપતાકના જીવનમાં મહાન પરિવર્તન આવી ગયું.

એક શિલાનગરીમાં ઓઢર શેઠને ત્યાં જપતાક નોકરી કરવા લાગ્યો. ઓઢર શેઠ પરમાત્માના પરમ ભક્ત હતા. પર્યુષણ પર્વ આવ્યું. ઓઢર શેઠ પૂજાની સામગ્રી લઈને જાવા લાગ્યા. એમણે જપતાકને પણ પ્રભુપૂજા કરવા માટે સાથે આવવા આગ્રહ કર્યો.

જપતાક પૂજા માટે તૈયાર થઈ ગયા. ઓઢર શેઠે પોતાના વતીથી પૂજાની સામગ્રી દેવા કહ્યું. ત્યારે જપતાકે કહ્યું કે, ‘શેઠજી! આપની પાસેથી સામગ્રી લઈને હું પૂજા કરું તો મને શું લાભ થાય?’ આટલું બોલીને પોતાની પાસે રહેલી પાંચ કોડીના ૧૮ ફૂલ ખરીદ્યાં. એ ફૂલોથી એમણે પરમાત્માની અત્યંત ભાવપૂર્વક ફૂલપૂજા કરી. અને આ ફૂલપૂજાના પરિણામ સ્વરૂપ જપતાક આગલા ભવમાં ૧૮ દેશના અધિપતિ કુમારપાળ મહારાજા થયા.

ક્યાં હતા ને ક્યાં પહોંચ્યા. આ છે ફૂલપૂજાનો પ્રભાવ. ભાવ જો ઉંચા હોય તો આવાં પરિવર્તનો જોવા મળે.

 

 

 

(કચ્છ ગુર્જરીના એપ્રિલ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates