દીકરી વ્હાલનો દરિયો, દીકરો પરિવારનો દીવડો

દીકરી વ્હાલનો દરિયો, દીકરો પરિવારનો દીવડો - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ

દીકરી અને  સ્ત્રીનું મહત્ત્વ આ સમાજમાં વધી ગયું છે મહત્ત્વ છે કે પછી સાબિત કરવામાં આવે છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી ને પુરુષ સમોવડી કરવાની હોડમાં દીકરાની અવગણના થઈ રહી છે. મોટિવેશન સ્પીચ હોય કે કવિતા.. સ્ત્રીને જ લાગણી અને સહનશક્તિના રૂપ તરીકે અંકિત કરાય છે. ઓફકોર્સ દીકરી વહાલનો દરિયો છે જ.. પરંતુ દીકરો? શું ખરેખર સ્ટીલનો સળિયો છે?

એ ખૂબ સરસ વાત છે કે દીકરીના જન્મની ઉજવણી હવે દીકરાની જેમ જ કરાય છે પરંતુ દીકરી જ સમજુ હોય છે. મા બાપનું ધ્યાન રાખે છે, દીકરો તો વહુનો થઈ જાય, આવા વિચાર વિકસિત સમાજની નિશાની નથી. બંનેના અસ્તિત્વનો સ્વીકાર જ વિકાસ છે અને ન્યાય છે.

હકીકતમાં તો દીકરો જ હોય છે જેના પર કુટુંબની જવાબદારી અને ભરણપોષણનો ભાર હોય છે. એ બધી જવાબદારીઓ પૂરી કરે છે છતાંય સૂડી વચ્ચે સોપારી થઈ જાય છે. માનું માન રાખે તો ‘પાણી વગરનો’ અને ‘માવડીયો’ કહેવાય છે. પત્નીનો સાથ આપે તો તેની માતાને ‘પારકો થઈ ગયો’ અને ‘વહુઘેલો’ છે એવું લાગે છે. મેન્ટલી ટોર્ચરની વચ્ચે જીવીને ક્યારેક એ પણ થાકી જાય છે, પણ આંસુ સારી નથી શકતો. એક સ્ત્રી મુક્તપણે માતાપિતાનો સાથ દઈ શકે પણ પુરુષ નથી દઈ શકતો, કારણકે એને દરેક સંબંધ નિભાવવા છે.

હાથ ઉપાડતા, હેરાન કરતા પુરુષોનો પક્ષ અહીં નથી ખેંચાઈ રહ્યો અને આપણા સમાજમાં આવા કિસ્સા ઓછા હોય છે. સ્ત્રી હંમેશા બિચારી નથી હોતી અને પુરુષનો હંમેશા વાંક નથી હોતો. એક સ્ત્રીની જેમ જ એ બધા સંબંધ સાચવે છે. ભણતર પછી કુટુંબમાં દરેકના સપના પૂરા કરવા એ જ લક્ષ લઈને જીવે છે તો પછી એનું મહત્ત્વ ઓછું કાં?

દીકરીનું અસ્તિત્વ આંખ માથા પર.. બેટી બચાવો.. બેટી ભણાવો. બધું સ્વીકાર્ય.. પણ દીકરો એટલે દીપડો નહીં પણ પરિવારનો દીવડો. એટલો જ લાગણીસભર. નસીબદાર  ઘરે દીકરી હોય અને દીકરો પણ નસીબદારના ઘરે જ હોય.. દીકરીઓનું અસ્તિત્વ ટકાવવા દીકરાને અન્યાય ન કરો.

હા, શિશુને જન્મ આપવાની, ગર્ભધારણ કરવાની શક્તિ ભગવાને સ્ત્રીને આપી છે. સ્ત્રીના દરેક સ્વરૂપને વંદન છે. પણ પુરુષ પણ સ્ત્રીને દરેક સંજોગોમાં હૂંફ અને પ્રેમ આપે છે. સંબંધો અને પરિવાર સાચવે છે, એક પુત્ર, એક પતિ, એક પિતા તરીકે.. આ તમામ પ્રત્યે માનની લાગણી છે.

 

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates