દીકરીના અંતરની અભિવ્યક્તિ

દીકરીના અંતરની અભિવ્યક્તિ - કુંજલ જય શાહ, ભુજ

માં કેમ છે તું? તારા સાથે ફોનમાં તો વાત થાય પણ તને કેટલી વાતો કરવી હોય પણ કહેવાય ને બધું બોલી શકાતું નથી, અને હવે આ જમાનામાં તો મોબાઈલ આવી ગયા પછી કાગળ લખવાના જમાના તો પાછળ રહી ગયા છે.

લગ્ન પછી હું કેટલી વાર ઘરે રોકાવા આવી હોઈ પણ ખુલ્લા મનથી તમે બધું કહેવાનું રહી જાતું, કારણકે માના ઘરે રોકાવા આવીએ ત્યારે કેટલીક ઈચ્છાઓ પૂરી કરવાનુ મન થાય. એવું નથી કે મને અહીંયા કોઈ પાબંદી છે પરંતુ કહેવાય ને માં ના ઘરની મજા જ અલગ હોય છે,

માં ના ઘરની જીદો પૂરી કરવાની એક અલગ જ મજા હોય છે જે લગ્ન પછી મમ્મી પાસે આવીને જ કરાય છે. મમ્મી તને ખબર છે જ્યારે તું મારા માટે મારી ભાવતી રસોઈ બનાવતી એમાં પણ હું કેટલા નાટક કરતી. આવું બનાવ્યું છે તેવું બનાવ્યું છે, મને તો આવું જોઈએ છે અને આમ જ જોશે.

પરંતુ સાસરે આવ્યા પછી સાસરાના લોકોની ઈચ્છા પૂરી કરવામાં હું મારી ઈચ્છા શું છે એ જ ભૂલી ગઈ છું .

મને મારા સાસરે કોઈ ઈચ્છા પુરી કરવાની ના નથી પરંતુ જવાબદારી અને બધાના મનને ખુશ કરવામાં જ મારા દિવસો પુરા થઇ જાય છે. મમ્મી તને અને પપ્પાને કેવી ખબર હોય છે ને મને શું ભાવે, મને ઘરમાં કઈ વસ્તુ કઈ જગ્યા પર ગમે અને હું આવું ત્યારે ઘરમાં એમ જ હોય જેમ મને ગમે.

પણ સાસરે બધાને બધાની ભાવતી વસ્તુ યાદ હોય છે પરંતુ વહુ ને શું ભાવે એ કોઈને યાદ પણ નથી હોતું. મમ્મી ત્યારે મને તું ખુબ જ યાદ આવે છે અને સાચું કહું તો મને અત્યારે તારી કિંમત સમજાય છે. તે મારા માટે કેટકેટલું કર્યું પણ મેં તો કદી એની નોંધ લીધી જ નહીં. મમ્મી તું મને જ્યારે કહેતી ને કે ઘરના આ કામ કરી નાખજે અને મને એ કામ કરવાનો કંટાળો આવતો અને હું ના પાડી દેતી કે અત્યારે મારો મૂડ નથી, હું નહીં કરું એમ મમ્મી મને અહીંયા પણ ક્યારેક રસોડામાં કોઈ કામ કરવાનો મૂડ ના હોય પણ હું કોને કહેવા જાઉં? કે આજે મારો મૂડ નથી.

તું મારા મૂડ ને સમજી શકતી હતી પણ અહીંયા તો મને ઘરના સભ્યોના મૂડ ને સમજીને ચાલવું પડે છે. એવું નથી કે મારા સાસુ સસરા મારું નથી રાખતા. દીકરીની જેમ મને રાખે છે પણ મમ્મી તારા અને પપ્પા જેટલું તો મને કે મારા મનને કોઈ નથી સમજી શકવાનું. તે જ મને શીખવાડ્યું હતું કે ત્યાંના લોકોમાં સાકરની જેમ ભડી જજે અને મીઠાશ ફેલાવજે અને એ વાતને હું નિષ્ઠાથી અનુસરું છું, અને પૂરતા પ્રયત્નો પણ કરું છું. પણ મમ્મી અમુક સમયે તારી ઘણી જ યાદ આવે છે, તું મારાથી આટલી નજીક હોવા છતાં પણ ક્યારેક એવું લાગે છે કે તું ઘણી જ દૂર છે. મને ઘણીવાર મન થાય છે કે મારા મનમાં જે પણ ઉથલપાથલ ચાલે છે, તને આવીને બધું જ કહી દઉં પણ પછી તે જ મને શિખવાડ્યું છે ને જેમ સમય ચાલે તેમ તેના વહેણમાં ચાલતા શીખી જવાનું તો જ તારું લગ્નજીવન સુખથી જળવાઈ રહેશે તો બસ એ જ તારા આપેલા સંસ્કારોનું પાલન કરું છું.

મમ્મી મેં તને આજ સુધી ક્યારે થેન્ક યુ કે સોરી નથી કીધું કેમકે કહેવાય ને માં તમારા કીધા વગર જ બધુ સમજી જાય છે પણ આજે મને તને સોરી કહેવુ છે કે મેં તારા પ્રેમ ની અવગણના કરી. તું મારી કેર કરતી,મારી બધી ઈચ્છાઓ કીધા વગર જ સમજી જતી અને પુરી પણ કરતી,એની મને ક્યારે પણ કિંમત ના સમજાણી. માં તને થેન્ક્યુ કહેવું છે મને જન્મ આપવા માટે, મને સારા સંસ્કારો આપવા માટે અને અનહદ પ્રેમ આપવા માટે થેન્ક્યુ માં.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates