દત્તક

દત્તક - ઝયોતિકા અશોક મહેતા, કલીકટ

જિંદગી હસીખુશી, શાંત, નિર્મળ સરિતાની જેમ વહી રહી હતી. કચ્છના ગામડામાં દેઢિયા પરિવારની માતા-પિતા, પુત્રો, પુત્રવધૂઓ, પૌત્રી, પૌત્રીઓની મહેનત રંગ લાવી અને સંયુક્ત પરિવાર સમૃદ્ધ બનવા લાગ્યો. ખેતર-ખોરડું પોતાના બનાવી લીધાં.

સુખ પછી દુઃખ, દિવસ પછી રાત, જન્મ તેનું મરણ. કુદરતનો આ ઘટનાક્રમ આવ્યો. દેઢિયા પરિવાર. માતાપિતાના અચાનક પરલોક પ્રયાણથી સંપ-શાંતિએ વિદાય લેવાનું નક્કી કર્યું. લક્ષ્મીજીને પગ આવી ગયા. સ્વાર્થી બની ગયા મોટાભાઈ, ભાભીઓ. રોજગારને બહાનું બનાવી ખેતર-ખોરડું પંચ પાસે ગિરવી રાખી ધન મેળવી શહેરમાં વસવાટ કર્યો.

દેઢિયા પરિવારની પરંપરા સંભાળવા-બાપીકી મિલકત પાછી મેળવવા ધર્મનિષ્ઠ નાનકો વિનય અને પત્ની શ્રદ્ધાએ મહેનત આદરી. ઘણો સમય વ્યતીત થયો પણ ઘરે પરણું ન બંધાયું. ખોળાના ખુંદનાર માટેનો વલોપાત મનમાં ધરબીને મહેનત કરવા લાગ્યા.

બાજુના ખોરડામાં પુત્ર-પુત્રી- પત્ની સાથે કાનજી પટેલ રહેવા આવ્યા. ઓળખાણ મિત્રતામાં અને મિત્રતા ક્યારે પરિવારનો ભાગ બની ગઈ ખબર જ ન પડી કોઈને. શાંતા પટલાણીને સારા દિવસો જવા લાગ્યા. સંપૂર્ણ આરામની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું. તમામ જવાબદારી શ્રદ્ધાએ ઉપાડી લીધી. ખૂબ મનથી સેવા કરવા લાગી. ‘મિત્ર મારા ઘેર જે પણ સંતાન અવતરે એ તારું. અમારા બંનેની ઈચ્છા છે તારો પરિવાર સંપૂર્ણ બને. અમને તો બે બાળકો બસ છે.’ કાનજી બોલ્યો.

‘માફ કરજે દોસ્ત. તારી ભાવના ઉચ્ચ છે પણ અમને તો કન્યા રત્ન જ જોઈએ છે’વિનય બોલ્યો.

‘ભલે દોસ્ત, જેવી ભગવાનની મરજી’કાનજી બોલ્યો. પુરા દિવસે શાંતાએ કન્યા રત્નને જન્મ આપ્યો. કાનજીએ વચન પાળ્યું. લક્ષ્મીજી પધારતાં જ વિનયનું ઘર મંદિર બની ગયું. કાનજીને મોટાભાઈએ લંડન બોલાવી લીધો. વિનય-શ્રદ્ધાની લાવણ્યા તો સુખ-શાંતિ-સમૃદ્ધિનો અઢળક ખજાનો સાથે લાવી છે એ વાતથી અજાણ બંને દીકરીની પરવરીશમાં પરોવાઈ ગયા. લાવણ્યાનું ભાગ્ય અને વિનય-શ્રદ્ધાની મહેનત રંગ લાવી. વર્ષો પછી ખેતર-ખોરડું છોડાવ્યાની ખુશી મળી. સમયને પાંખ આવી ને તે ઉડવા લાગ્યો.. પંદર વર્ષ.. કૃષિ વિજ્ઞાનમાં રસ ધરાવતી પુત્રીને આગળ અભ્યાસ માટે ભુજ મોકલાવી. કચ્છ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થતાંની સાથે જ લંડન યુનિવર્સિટીમાં ટ્રેનિંગ માટે જવાની સુવર્ણ તક મળી.

લાવણ્યાનું વિદેશગમન થતાં જ પરિવાર દોડતો આવ્યો. ‘જો નાનકા લાવણ્યા તો ગઈ કાનજીના ગામમાં. લોહી લોહીને ખેંચે. કાનજીની હતી અને તકદીરે પણ ત્યાં જ મોકલાવી. પાછી તો નહિ જ આવે. તું એક કામ કર તારી બધી મિલકત આપણા ભાઈ-બહેનનાં છોકરાઓને નામ કરી દે.’ ભાઈઓ બોલ્યા.

‘જો વીરા, બાપદાદાની મિલકત દીકરાઓને જ મળે. તેં દીકરી દત્તક લીધી, મોટી કરી. ભણાવી, વિદેશ મોકલી. તારી ફરજ પૂરી. આમ પણ કાનજી જાહોજલાલી, વિદેશી વાતાવરણ મૂકી તારી પાસે તો નહિ જ આવે’ બહેનોએ સમજાવ્યો.

‘પંચ બોલાવીએ’ વિનય બોલ્યો.

‘અરે નાનકા, આમાં પંચનું શું કામ? અમે તો તારા જ છીએ ને? ઘરની વાત ઘરમાં પતી જાય ગામને શા માટે ખબર પાડવાની?’ ભાઈઓ બોલ્યા.

‘મોટાભાઈ, પણ કાગળિયાઓ?’ વિનયે પૂછયું.

‘અમે શહેરથી વકીલ અને કાગળિયાઓ લાવ્યા છીએ, તું વાંચી લે ને સહી કરી દે’ ભાઈઓ બોલ્યા.

‘વડીલ બંધુઓ હું સહી પંચની સમક્ષ જ કરીશ, બધું તૈયાર છે તો ચાલો પંચ પાસે. હું ત્યાં સહી કરી આપીશ.’ વિનય નમ્રતાથી બોલ્યો.

બીજે દિવસ પંચાયતમાં.. ‘સરપંચજી અમારા વકીલે તમને બધું જણાવ્યું છે. નાનકાની ઈચ્છા છે પંચ સમક્ષ સહી કરવાની, કાગળો તૈયાર છે તમે જોઈ લ્યો. નાનકાને સહી કરવાની પરવાનગી આપો.’ ભાઈઓ બોલ્યા.

‘જુઓ ખેતર-ખોરડું તમે પંચ પાસે ગિરવી રાખી પૈસા લઈ ગયા. આજ દિવસ સુધી છોડાવા આવ્યા નથી. થોડા સમય પહેલાં જ વ્યાજ સહિત પૂરી રકમ ચૂકવીને નાનકાએ છોડાવ્યું એટલે એ તો તેનું જ. વંશનો વારસ દીકરી પણ હોય જ. કાનૂન અમે પણ જાણીએ છીએ. રહી વાત વકીલ ને કાગળિયાઓની તો તમે વકીલને પૈસા ખવડાવ્યા છે. અમારી પાસે સબૂત છે. તમને બતાવું? લાવણ્યા વિનયની જ નહિ પણ આખા ગામની લાડકી છે. અમને પૂરો ભરોસો છે તે અહીં જ આવશે. કૃષિ ક્ષેત્રે જે શોધ કરી છે તે અમારા બધા માટે ગૌરવની વાત છે.’ સરપંચજી બોલ્યા.

‘પણ વડીલ, બાપની મિલકતમાં બધા ભાઈઓનો સરખો હક્ક હોય એટલે..’ ભાઈઓ બોલ્યા.

‘માફ કરજો, અમે બધું કાયદાથી જ કર્યું છે. તમારી જાણ ખાતર કહી દઉં કે તમારા શહેરમાં મારી દીકરી જજ છે. અમે ત્યાંનાં સમાચાર પત્રમાં નોટિસ આપી હતી, રાહ પણ જોઈ. ગિરવી મૂકીને બધી રકમ લઈ ગયા. નાનકાને કાંઈ જ નથી આપ્યું તે વાત પંચ જાણે છે, હવે તમારે કાંઈ કહેવું છે? વરસો પહેલાં તમે જે કાંઈ નાનકા સાથે કર્યું તે હવે કરશો એવું વિચારશો પણ નહિ, આખું ગામ તેની સાથે છે.’ પંચ બોલ્યું.

‘સરપંચજી માફ કરી દ્યો. માવતર છે મારા. મને તમારો નિર્ણય મંજૂર છે.’ વિનય બોલ્યો.

ભાઈ-બહેન તો ઉભી પૂંછડીએ ભાગી જ ગયા.

સમય સરકવા લાગ્યો. એ શુભ ઘડી આવી.. લાવણ્યા આજે વિદેશથી આવવાની.. માતા-પિતા સાથે આખું ગામ હરખના હિલોળે ચડ્યું. કાગડોળે રાહ જોવાતી હતી. પણ... નતો લાવણ્યા આવી કે ન તેના કોઈ વાવડ. શું થયું હશે?? કાનજીના પણ કાંઈ જ સમાચાર નથી!!

ચિંતાનો ડુંગર ખડકાઈ ગયો. હરખઘેલા ચહેરા કરમાવા લાગ્યા. મનમાં વિશ્વાસ અકબંધ હતો.

એક દિવસ સવારમાં ખેતરે જાવાની તૈયારી હતી ત્યાં જ ડેલી જોર જોરથી ખખડવા લાગી. શું થયું?? એમ વિચારતાં શ્રદ્ધાએ ખડકી ખોલી તો સામે જ લાવણ્યા.. કાનજી- સરપંચ સહિત આખું ગામ ઢોલ નગારાના નાદ સાથે.. અવાચક થઈ ગયા વિનય ને શ્રદ્ધા. ત્યાં તો સરપંચે ધડાકો કર્યો. એલા વિનય, આપણી દીકરી તો વિદેશમાં પણ સુવર્ણ પદક વડાપ્રધાનના હાથે લઈને આવી છે. આ કાનજી પણ પરિવાર સહિત ગામની સેવા કરવા ને ઉન્નતિ સાધવા આવ્યો છે. આ શુભ અવસરને વધાવવા કાલે પંચ વતી જમણ છે. આખું ગામ અવાચક બની ગયું.. હરખના હિલોળે ચડ્યું આખું ગામ!

 

 

 

(કચ્છ ગુર્જરીના એપ્રિલ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates