કોરોના જીવનની વાસ્તવિકતા સમજવાનો એક અવસર

કોરોના જીવનની વાસ્તવિકતા સમજવાનો એક અવસર - ડૉ. શિવાની મેહુલ શાહ, ડેન્ટલ સજર્ન

જીવનનાં સ્મૃતિ પટ પર અંકાઈ ગયેલા ‘ડાઉન’ અને ‘અપ’નાં લોકડાઉનનાં તબક્કાઓમાંથી પસાર થતાં થતાં જોતજોતામાં કોરોના વાયરસનો પ્રથમ જન્મદિવસ પણ બસ નજદીક આવી ગયો. આ જીવનભક્ષી, હાનિકારક અણગમતાં મહેમાને વિશ્વમાં આશરે ૨૦૦ દિવસ પહેલાં આગમન કર્યુ ને જાણે સમગ્ર જનજીવન થંભી ગયું  અનિશ્ચિત સમયગાળામાં ‘લોકડાઉન’ જાહેર થયો. સ્વાસ્થ્ય સંરક્ષક સાવચેતીના પગલાંઓ જાહેર કરવામાં આવ્યાં. બધા જ ક્ષેત્રોના કોરોના યોદ્ધાઓએ આ ઘાતક દુશ્મનને નાથવાનાં પ્રયત્નોમાં આજ સુધી કોઈ કસર નથી છોડી. ન કલ્પેલા સંજોગોએ સૌને ફરજિયાત ઘરભેગા કરી દીધાં. વ્યવસાયે ડેન્ટલ સજર્ન હોવાને કારણે થોડા દિવસો માટે ક્લિનીક બંધ કર્યા પછી ‘ઓનલાઈન’ સારવાર માર્ગદર્શન આપવાનું શરૂ કર્યુ. મારા રેડિયોલોજીસ્ટ પતિ ડૉ. મેહુલને ઈમરજન્સી સોનોગ્રાફી માટે જવાનું અનિવાર્ય હતું.

મારી પુત્રી વિદિતીની સ્કૂલે ‘ઓનલાઈન’ભણાવવાનું શરૂ કર્યું. બાહ્ય વ્યક્તિઓનાં સંપર્કથી દૂર રહેવા ઘરનું સફાઈ કાર્યભાર પણ સંભાળવાનું ચાલુ થયું. આ નવી દિનચર્યા સાથે સંક્રમણના શરૂઆતનાં સમયમાં આવેલા માનસિક પરિતાપ તથા અનિશ્ચિતતામાં ‘નેગેટીવ’વિચારવમળ અનુભવ્યા, પણ તેની સાથે લડી લેવાના અમારા ત્રણયેનાં નિશ્ચયો આ સંકટ સમયને ગુણવત્તાસભર‘પોઝીટીવ’ જીવનશૈલીમાં પરિવર્તિત કરવાનાં દૃઢ સંકલ્પને જન્મ આપ્યો. અને.. ઘરનાં સર્વકાર્યો સામુહિક અભિગમમય બન્યા. દરેક ભોજન કુશળ કારીગરની રસોઈનાં અજમાવી, જોવા જેવા વ્યજંનો બન્યા. ઘરનો કોઈ પ્રસંગ જાણે  ‘મીની થિયેટર’તથા ‘પ્લે ગ્રાઉન્ડ’ ડાઈનીંગ એરિયા જાણે ઉજાણીનું સ્થાન, સ્ટડી રૂમ, કોમ્પ્યુટરમાં બનાવેલ શાળાનો અભ્યાસ વર્ગ. મારી પુત્રી તથા મેં કલ્પનાસભર આર્ટ તથા‘ક્રાફ્ટ’ સાથે કર્યા. વ્યક્તિગત રીતે મેં ‘વાંચન નોંધ’માં રાખેલ પુસ્તકોનું વાંચન કર્યું. સાતથી આઠ‘ઓન લાઈન’ કોર્સીસ કર્યા. જેના ‘વ્યક્તિગત વિકાસ, ‘આધ્યાત્મિકતા’નો વિષયો મારા સકારાત્મક, સબળ માનસને જાળવી રાખવામાં મદદરૂપ બન્યા. કહેવાય છે કે ‘ઘા’ને રૂઝવવા માટે પીડા અનુભવવી પડે.’ મેં આ સમયમાં ઉદ્‌ભવેલા અનુભવો તથા લાગણીઓને સ્વીકાર્યા, પરિવર્તિત કર્યા ને ફરીથી પહેલાનાં જેવી જીવનયાત્રા ચાલુ રાખી.

આ આવી પડેલા ‘કાળચક્ર’માં મેં, મારા પતિ ડૉ. મેહુલે તથા પુત્રી વિદીતીએ એક અવિભાજિત સમુહ સ્વરૂપ, એકબીજાને સાથ અપી, પ્રસન્નતા જાળવી રાખી. જાણે કોરોના પહેલાની અમારી વ્યસ્ત જિંદગીને આ સ્વ-બંધિત અવસ્થાએ અમારા પરિવારનાં સ્વબંધનને વધુ સુગંધિત બનાવ્યું.

 

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates