ચિત્ત પ્રસન્નતા

ચિત્ત પ્રસન્નતા - રાહુલ એ. સંઘવી, અમદાવાદ

ચિત્ત પ્રસન્નતા એટલે ચિત્તને ખુશ કરવું. આધિ, વ્યાધિ, ઉપાધિથી થોડી ક્ષણો માટે મુક્ત બની હળવા ફુલ જેવા બની. જીવન જીવવું. પણ ચિત્ત પ્રસન્નતા’નો અર્થ ખાલી ચિત્તને મનોરંજન પુરું પાડવાનું નહિ. નહીં તો ઘણા એવા વ્યક્તિ છે કે જે આંતરિક દુઃખી છે જો એવું મનોરંજન દ્વારા ચિત્તપ્રસન્ન કરવાની કોશિશ કરીએ તો થોડા વખત માટે કદાચ એ પ્રમાણે પોતાના દુઃખ દદર્ને ભૂલી શકીએ. પણ હંમેશને માટે નહીં. ચિત્તપ્રસન્નતા તો ત્યારે જ સાચી મળે તમારું ચિત્ત (મન) શાંત હોય.

કોઈ સંકલ્પ-વિકલ્પ ન હોય. બસ પોતાની જાત સાથે વાત કરી શકો, એના વિશે વિચારી શકો. ‘ચિત્ત પ્રસન્નતા’ શું છે એના માટે આધ્યાત્મિક ગુરુનો કે જેઓ સંસારથી સંપૂર્ણ વિમુક્ત થયા હોય એનો આશરો લેવો જોઈએ. જ્યારે નમિ રાજર્ષિ બિમાર પડ્યા ત્યારે, રાજવૈદ્યે કહ્યું કે એમને ચંદનનો લેપ કરો. ત્યારે બધી રાણીઓ ચંદન ઘસવા લાગી પણ રાણીના કંકણના અવાજે કારણે રાજા વધારે વ્યથિત થઈ ગયા. ત્યારે પ્રધાનજીએ રાણીઓને નિવેદન કર્યું કે સૌભાગ્યના એક એક કંકણ સિવાય બાકીના કંકણ દૂર કરો. નિરવ શાંતિ થઈ ત્યારે રાજાએ પ્રધાનજીને પૂછયું કે ચંદન ઘસવાનું કાર્ય પૂરું થઈ ગયું કે શું?

પ્રધાનજીએ કહ્યું કે ચંદન ઘસવાનું કામ ચાલુ છે. પણ સૌભાગ્યના એક એક કંકણ સિવાય બાકીના કંકણ દૂર કર્યા. ત્યારે નમિ રાજર્ષિએ એકત્ત્વ ભાવનાનો વિચાર કર્યો અને સંસાર ત્યાગી ‘મુનિ’થવાનો નિર્ધાર કર્યો કે એક છે ત્યાં શાંતિ છે. આત્મા એક જ છે. આ શરીરથી અલગ છે એનો કોઈ સીધો સંબંધ નથી. આમ રાજાએ કરી ચિત્ત પ્રસન્નતા મેળવી. પ્રસન્નતા માટે બંધ નહીં પણ મુક્તિની તરફેણ કરો. જુઓ જૈન સાધુ-સાધ્વીઓ. આધુનિક જમાનામાં રહેવા છતાં આધુનિક સાધનોથી દૂર છે. આગમ ધ્યાનમાં મસ્ત રહે છે, તપસ્યા કરે છે. તો એમનું ચિત્ત કેટલું પ્રસન્ન લાગે છે. તમે ક્યારે કોઈ સાધુ-સાધ્વીઓને ફરિયાદ કરતાં જોયા છે કે સંસાર ત્યાગ્યા પછી આટલી તકલીફ પડી. કારણકે સંસારમાં પ્રસન્નતા જ નથી તો પછી પ્રસન્ન કઈ રીતે બની શકાય? સાચી પ્રસન્નતા જોઈએ તો સદ્‌ગુરુનું શરણું શોધો. સ્વજીવન અર્પણ કરો પછી તમને તમારા જેવો સુખી પ્રસન્ન કોઈ દેખાશે જ નહીં.

 

 

(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates