છે કોઈ સમજનાર ?

છે કોઈ સમજનાર ? - રીટા ભરત શાહ, માંડવી

આજે યુગ બદલાયો છે. નારી સ્વતંત્ર થઈ છે. હવે તે ઘરની ચાર દીવાલો છોડી વિશાળ મેદાનમાં આવી છે. આ પહેલાં તેને ઘરની ચાર દીવાલોની અંદરજ ફરજનું ભાન હતું પણ આડકતરી રીતે કહેવું છે કે તે કંઈક વ્યવસાય કરીને મોંઘવારીનો સામનો કરે. અને તેમાં ખોટું પણ શું છે? પણ વ્યવસાય કરતી નારીને ફક્ત બહારની ફરજનું ભાન રાખવાનું હોતું નથી. તેને ગૃહિણી તરીકે પણ ફરજ બજાવવાની રહે છે. જ્યારે નોકરી ધંધો કરતો પુરુષ ફક્ત ઘરની બહારની ફરજ જ અદા કરે છે. જ્યારે નોકરી-ધંધો કરતી સ્ત્રીની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છે.

વ્યવસાય કરતી સ્ત્રી એક યંત્રની જેમ કામ કરતી હોય છે. સવારે વહેલું ઊઠવું - ઘરનું કામકાજ કરવું. કુટુંબના સભ્યોને જમાડવું. એક નહિ અનેક કામ તેને હોય છે. મધ્યમ વર્ગની કઈ સ્ત્રીને સવારે એક પળ પણ બેસવાનું સૌભાગ્ય મળે છે! સાંજે પણ નોકરી ઉપરથી આવીને બજારના કામ માટે જવાનું. આમ આખો દિવસ તેનું મગજ કામ કરતાં કરતાં પણ તેને ઘરના દૃશ્યોજ નજર સમક્ષ તરવરતાં હોય છે. બાબાને શરદી ખૂબ થઈ છે. ઠંડી નજીક આવે છે સ્વેટરની જરૂર છે. બાબો અભ્યાસમાં જરા પાછળ છે, તેની પાસે વધુ મહેનત કરાવવાની જરૂર છે. રવિવારે તેના માટે નવાં કપડાં લેવાનાં છે. મોટી બહેનની દીકરીના લગ્ન હોતાં તેના માટે કંઈક ભેટ લેવી પડશે. શું લઈશું? આમ કામ કરતાં પણ તેને ઘરની આ બધી બાબત સતત સતાવ્યા કરે છે. આખરે તો ગૃહિણીજને!

વ્યવસાય કરતી સ્ત્રીની સ્થિતિ આવી છે. પણ આમ યંત્રવત્‌ જિંદગી ક્યાં સુધી આવશે? એક સરખું કામ કરતું યંત્ર પણ બગડે છે તો આ સ્ત્રીનું શું? આવી વ્યવસાય કરતી સ્ત્રી તરફ કુટુંબના સભ્યોએ સહાનુભૂતિ કેળવવી જોઈએ. આવા સમયે ઘરનાં કાર્યોમાં પુરુષે પણ ભાગ લેવો જોઈએ. ઘરના કામમાં શરમ શાની? જ્યારે પત્ની તેને આર્થિક મુશ્કેલીમાં સહારો આપવા તૈયાર થઈ છે તો તે વખતે પતિએ ગૃહકાર્યમાં મદદ ન કરવી જોઈએ? આવી સ્ત્રીઓને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સંભાળવાની ખૂબ જરૂર છે. તેને ખડતલ દેહની જરૂર છે.

વારંવાર ઘરના વડીલોએ એના કાર્યમાં દોષ ન કાઢતાં તેને સહકાર અને પ્રોત્સાહન આપવાની જરૂર છે. વ્યવસાય કરતી સ્ત્રીના જીવનને સમજવાની જરૂર છે. પણ જે સ્ત્રી સાધનસંપન્ન હોવા છતાં પોતાના શોખ ખાતર વ્યવસાય કરે છે તેમણે ખસીને સાચી જરૂરતવાળાને પ્રથમ સ્થાન આપવું જોઈએ. જો આમ થશે તો વ્યવસાય કરતી સ્ત્રી, કુટુંબ માટે આશીર્વાદરૂપ ગણાશે. કુટુંબનું ભૂષણ ગણાશે, તેનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવી શકશે અને સાચા રૂપમાં ગૃહિણી, અન્નપૂર્ણા, સેવિકા, માતા, પત્ની અને વહુ બની શકશે.

કહેવાય છે કે પુત્રથી પણ વધારે એટલે કે વિશેષ એજ પુત્રવધૂ. પણ આજે વ્યવસાય કરતી નારીની મુશ્કેલીઓ સમજે છે કોણ?  

‘નારી તું કદી ન હારી’ ‘નારી તું નારાયણી.’

(કચ્છ ગુર્જરીના જુલાઈ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates