ચાલો, હળવા થઈ હસી નાખીએ!
January 2019 Winner

ચાલો, હળવા થઈ હસી નાખીએ! - ચિત્રસેન શાહ, ગાંધીનગર

આજની ટેન્શનભરી જિંદગીમાં, બુલેટ ટ્રેઈનની ઝડપે વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં અને અમદાવાદમાં શહેરીજનોને ધુણાવતા ‘ભૂવાઓ’ના સામ્રાજ્યમાં ‘બૂરે દિન’ક્યારે જશે તેની રાહ જોવામાં ને જોવામાં બીજું ઈલેક્શન બારણે ટકોરા મારી રહ્યું છે! આવી આફતોને અવસરમાં પલટી નાખવા અત્યારે આપણી પાસે ફક્ત એક જ ‘રામબાણ’ ઈલાજ છે અને તે છે - ‘હાસ્ય!’ તો ચાલો, હવે હળવાશભરી હાસ્યની દુનિયામાં એક લટાર મારીએ એક - ટુરિસ્ટ તરીકે!

ટુરિસ્ટ શબ્દ પરથી ટુરિઝમ અને ડેવલપમેન્ટ ઓફ ટુરિઝમની યાદ આવે છે.

ગુજરાતમાં ટુરિઝમનો કેવો વિકાસ થયો છે અને લોકોની શી અપેક્ષા છે તે માટેનો એક સર્વે કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ માટેની એક ટીમ જ્યારે ગૃહિણીઓની મુલાકાત લઈ રહી હતી ત્યારે એક મહિલાને પૂછવામાં આવ્યું કે- ‘ગુજરાતના યાત્રાધામોના નામ બતાવો અને ટુરિઝમની દૃષ્ટિએ કયા યાત્રાધામોમાં વિકાસની જરૂર છે તે પણ બતાવો.’

તો જવાબ મળ્યો. - ‘અંબાજી, ડાકોર, પાલિતાણા, તારંગા, દેવભૂમિ દ્વારકા અને ડુંગરપુર!’

સર્વે કરનાર ટીમ આ છેલ્લું નામ સાંભળી ચમકી ગઈ! તેમને થયું કે ડુંગરપુર ક્યાં ગુજરાતમાં છે? વળી રાજસ્થાનમાં પણ ટુરિસ્ટ પ્લેસ તરીકે તો નથી જ! તેથી ટીમે જ્યારે મહિલાને આ અંગે પૂછયું તો મહિલાએ વાર્તા માંડી!

‘જુઓ સાહેબ, હોળી-દિવાળી વગેરે તહેવારોમાં ‘રામાઓ’ વતનમાં ચાલ્યા જાય છે અને પંદર પંદર દિવસ સુધી પાછા નથી આવતા. (કારણકે હવે તો રામાઓ પણ અમદાવાદના રસ્તાઓની જેમ ‘ખાડા’ નહીં પણ ‘ભૂવા’ જ પાડે છે!) ત્યારે તેમને લેવા ગૃહિણીઓએ પોતાના પતિદેવ સાથે ડુંગરપુર સુધી લાંબા થવું પડે છે કારણકે મોટાભાગના રામાઓ ડુંગરપુરના જ હોય છે! ત્યારે ડુંગરપુરમાં ‘મિનિ ગુજરાત’ ઊભું થાય છે! તેથી ‘ડુંગરપુર’ને અમે ગુજરાતમાં જ માનીએ છીએ અને તેથી અમારા માટે તો તે તીર્થસ્થાન સમાન જ છે!

તેથી વિકાસ જો કરવો હોય તો ડુંગરપુરનો કરો!

કોઈ કોઈ ગૃહિણી તો સ્વગત બબડે પણ છે કે- ‘રામા વગરની આપણી તે કાંઈ જિંદગી છે?!’ - પતિને જવું હોય તો ભલે જાય, રામો ન જવો જોઈએ!’ આમ ‘રામો’ એ ગૃહિણીઓની ‘લાઈફ લાઈન’ છે!

એક પતિએ તેની પત્નીના બર્થ-ડે પર જ્યારે તેની પત્નીને પૂછયું, ‘બર્થડે ગિફ્ટ શું જોઈએ છે?’ પ્રેમી પંખીડાના અંદાજમાં વળી કહ્યું પણ ખરું, ‘તું કહીશ તો આકાશના તારા પણ તોડી લાવીશ!’

ત્યારે પત્નીએ જવાબ આપ્યો- ‘આકાશના તારા મને શું કામના! તે કાંઈ કપડાં ધોઈ આપશે? તેના કરતાં મને એક એવો ‘રામો’ લાવી આપો કે જે કોઈ દિવસ ‘ખાડા’કે ભૂવા (!) ન પાડે!

‘મિશન ઈમ્પોસિબલ’ કહી પતિદેવે હાથ ધોઈ નાખ્યા!

આજની તારીખે રામાઓની આ કદાચ છેલ્લી બેચ હશે કારણકે હવે તો રામાઓ પણ પોતાના દીકરા-દીકરીઓને ઈંગ્લીશ

મીડિયમવાળી સ્કૂલમાં ભણવા મોકલે છે! એ લોકો શું ગ્રેજ્યુએટ થઈને ‘રામાઓ’ તરીકે કામ કરશે? ત્યારે પરિસ્થિતિ અમેરિકા જેવી થશે! રામાઓ કારમાં આવશે અને કલાકના હિસાબે કામના ડોલર કે ‘બીટ કોઈન’ના હિસાબે પૈસા માંગશે!

અહીં રામાની રામાયણ પૂરી થાય છે અને હવે આપણે જઈ રહ્યા છીએ 'WhatsApp' યુગમાં.

'WhatsApp'  પર વાંચેલી કેટલીક રસપ્રદ વાતો આ રહી! કેટલાકે કદાચ વાંચી પણ હશે પરંતુ જે લોકો એ ગાડી ચૂકી ગયા હોય તેમના માટે અહીં રજૂ કરીએ છીએ.

* પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો ત્યારે પતિએ ગુસ્સામાં ને ગુસ્સામાં કહ્યું, ‘તારા જેવી તો મને ૫૦ મળે છે!’ પત્નીએ હસતા હસતા કહ્યું, ‘હજુ મારા જેવી જ જોઈએ છે?!’

* એક મિત્રે બીજા મિત્રને કપડામાં બટન ટાંકતા જોઈ પૂછયું, ‘લગ્ન પછી તારા કપડામાં તારે જ બટન ટાંકવા પડે છે?’ પહેલાએ જવાબ આપ્યો, ‘આ કપડા મારા નથી, મારી પત્નીના છે!’

* એક ભાઈએ લાઈબ્રેરીમાં જઈ લાઈબ્રેરિયનને પૂછયું, ‘આપઘાત કરવા અંગેનું પુસ્તક મળશે?’ લાઈબ્રેરિયને જવાબ આપ્યો,‘જરૂર મળશે. પરંતુ પછી તે પાછું આપવા કોણ આવશે?!’

* એક જ દિવસમાં એક પ્રેમીને બે વાર હાર્ટ એટેક આવેલા! પહેલો ત્યારે કે જ્યારે તેની પ્રેમિકાએ મેસેજ મોકલાવેલો કે - ‘હવે આપણે છૂટા પડીએ છીએ! અને બીજો ત્યારે કે જ્યારે તેને બીજો મેસેજ મળ્યો- ‘આગલા દિવસે કરેલ મેસેજ તારા માટે નો’તો!’

સમજી ગયા ને?! કારણકે ઘણીવાર જોક બીજા દિવસે સમજાતી હોય છે!

* એક મિત્રે બીજા મિત્રને પૂછયું, ‘રવિવારના ફંક્શનમાં આવવું છે ને? પત્નીને પૂછીને જણાવજો.’

‘બીજા મિત્રે કહ્યું, ‘એમાં પત્નીને શું પૂછવાનું! હું જાતે જ નક્કી કરીને જણાવીશ!’

હવે આ જ પ્રશ્ન તેની પત્નીને તેની બહેનપણીએ પૂછયો ત્યારે પત્નીએ કહ્યું, ‘આ માટે તો મારે તેમને પૂછવું પડે!’

આમ પતિ-પત્ની બંને ખોટું બોલ્યા હતા!

આ ‘જોક’ સાંભળી કેટલાક તાત્કાલિક હસ્યા- બાકીના બીજા દિવસે હસ્યા અને કેટલાક વળી ‘કુંભકર્ણ’ જેવા હશે જે જોક સાંભળતાં સાંભળતાં જ ઊંઘી ગયા હશે તે જાગ્યા પછી હસશે!

તો ચાલો, હળવા થઈ ગયા હોઈએ તો હસી નાખીએ!

 

 

 

(કચ્છ ગુર્જરીના જાન્યુઆરી ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates