જૈન ગુર્જર જ્ઞાતિ - ભુજની વિકાસગાથા

જૈન ગુર્જર જ્ઞાતિ - ભુજની વિકાસગાથા - શ્રી વિશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ ભુજ

શ્રી વિશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિભુજના ૯૫૦ જેટલા લાણેદાર પરિવારની બનેલી છે. જેમાં ભુજ કે કચ્છમાં વસતા હોય તેવા ૬૦૦ જેટલા પરિવારનો સમાવેશ થાય છે. આ સંસ્થા પબ્લીક ટ્રસ્ટ હેઠળ ૧૯૬૧ની સાલથી રજિર્સ્ટડ થયેલ છે. આ સંસ્થાનો વહીવટ દર વર્ષે ચૂંટણી કરી પ્રમુખ, ઉપપ્રમુખ વગેરે હોદ્દેદારોની નિમણુંકથી નવ સભ્યોની કારોબારીની રચના કરવામાં આવે છે. અત્યાર સુધી દર ત્રણ વર્ષના તબક્કે જુદે જુદે સમયે ૨૦ જેટલા પ્રમુખોએ સમાજને આગળ વધારવા યથાયોગ્ય ફાળો આપેલ છે. દરેક પ્રમુખ સમાજવાડીના વિકાસમાં તથા મહાજનવાડીના વિકાસમાં સહભાગી રહેલા છે. તેમ છતાં સમાજવાડીના નવેસરથી બાંધકામમાં સ્વ. શ્રી ગુલાબચંદ ચાચા અને તેના સહકાર્યકરોએ રસ લઈ આધુનિક ઓપ આપેલ, જ્યારે મહાજનવાડીના આધુનિકરણમાં પ્રમુખશ્રી પી.સી. શાહ અને તેના સહકાર્યકરોએ રસ લઈ અદ્યતન અતિથિગૃહ, ભોજનશાળા, ૧૫ દુકાનો, મેરેજ હોલ, પાર્ટીપ્લોટ વગેરેનું સુંદર આયોજન કરી સમાજને આધુનિક મહાજનવાડી અર્પણ કરી, જ્યારે હાલના પ્રમુખ શ્રી મુકેશભાઈ બી. ઝવેરીએ અગાઉના વિકાસના કામોમાં જે ઉણપ હતી તેને પૂર્ણ કરવાની તક ઝડપી.

જૈન ગુજર્રવાડીનો ભૂકંપ બાદ નહિવત્‌ ઉપયોગ થતો હતો તેમાં ૨૦૧૬માં આધુનિકરણનો ઓપ આપી ૧૬ રૂમો ફાઈવ સ્ટાર કક્ષાના બનાવી અતિથિગૃહનું નિર્માણ કર્યું. જ્યારે ગિરનાર હોલને વાતાનુકુલિત બનાવી સમાજને સમયના અનુરૂપ ભેટ ધરાઈ જ્યારે દેવશાજ હોલ, માનસંગ હોલ, શત્રુંજય હોલને પણ આધુનિકતાના વાઘા પહેરાવી સમાજને પ્રસંગ સમયે વધારે સાજ સજાવા ન પડે તેવો ઓપ આપ્યો. આવી જ રીતે ગુર્જર વાડી સાથે જોડાયેલ ગોરવાડો જે માત્ર ખુલ્લુ ગ્રાઉન્ડ હતું ત્યાં નવેસરથી સ્ટાફ કવાર્ટર, સ્ટોરરૂમ, મેડીકલ સહાય સ્ટોર રૂમ, ત્રણ દુકાનોનું બાંધકામ, દવાનો મેડીકલ સ્ટોર, જૈન ભોજનશાળા વગેરેનું બાંધકામ કરી આધુનિક ઓપ આપવામાં આવ્યો. તેવી જ રીતે ગોરવાડા ગ્રાઉન્ડમાં દરેક વખતે, પ્રસંગે, સમયે દરેક પાર્ટીને મંડપ વગેરેના આયોજન માટે અંદાજે રૂા. પ૦ હજાર જેટલો ખર્ચ થતો હતો તેની જગ્યાએ કાયમી ધોરણે પારદર્શક ડોમનું આયોજન કરી વરસાદ, તડકો વગેરેથી સુરક્ષિત કરવામાં આવ્યો અને સમાજને આર્થિક ખર્ચમાંથી મદદરૂપ થયા.

આવી જ રીતે લાલ ટેકરી પાસે આવેલ આશકરણ દાદાની દેરી-દાદાના ગુરુ પગલાં જે લાંબા સમય થયા અપૂજ રહેતા હતા તેને પૂજનીય બનાવી કાયમી પૂજા થાય તેવું આયોજન કર્યું. નગરપાલિકા તરફથી જૈન મહાજન વાડી પાસે લીઝ ઉપર મળેલી જમીન ઉપર સ્ટેજ, પાટર્ી પ્લોટ, રૂમ વગેરેનું બાંધકામ કરી સમાજને એક નવી ભેટ ધરવામાં આવી. જ્યારે સમાજના લોકોને રાહતરૂપ થઈ શકે તે હેતુથી શેઠશ્રી ડોસાભાઈ લાલચંદ જૈન મેડીકલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી રાહત ભાવે દવાનું વેચાણ ચાલુ કરેલ છે. આ જ ટ્રસ્ટ હેઠળ સમાજને તથા અન્યને મેડીકલ સુવિધા મળી રહે તે દૃષ્ટિથી સરકારશ્રી પાસેથી જમીનની માંગણી કરેલ છે. જે પ્રાપ્ત થયેથી મેડીકલ સુવિધા સાથે શૈક્ષણિક પ્રવૃત્તિ પણ હાથ ધરવા આયોજન છે.

સરકારશ્રી તરફથી હાલે ૧+૨ હેઠળ બાંધકામ છૂટ આપવામાં આવતાં મહાજનવાડીમાં એક માળ વધારવાનું આયોજન છે, જ્યારે ગામમાં ‘સૌભાગ્ય ભવન’ જે ભુકંપગ્રસ્ત થયેલ છે તે પ્લોટમાં સમાજના જરૂરિયાતવાળા માટે વૃદ્ધાશ્રમ બનાવવાનું આયોજન છે. આમ સમાજના હાલના હોદ્દેદારો માનનીય પ્રમુખશ્રી મુકેશભાઈ ઝવેરીની રાહબરી હેઠળ સક્રિય છે અને સારો સહયોગ આપી રહ્યા છે.

આવી જ રીતે જૈન મહિલા મંડળ અને જૈન યુવક મંડળ સમાજના ટ્રસ્ટના પૂરક તરીકે કામ કરી રહ્યા છે. આ બંને મંડળો મહિલા ઉત્કર્ષ તથા યુવક ઉત્કર્ષ માટે વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો આપી સમાજને ઉપયોગી થઈ રહ્યા છે. આ ઉપરાંત સમાજ દ્વારા સાર્વજનિક કાર્યક્રમમાં મહાવીર જયંતિની ઉજવણી, સરસ્વતી સન્માન કાર્યક્રમ, સ્પોર્ટસને લગતી પ્રવૃત્તિ, મેડીકલ કેમ્પ વગેરેનું આયોજન કરવામાં આવે છે. સમાજના જરૂરિયાતમંદ પરિવારને તબીબી સહાય તથા આર્થિક સહાયથી મદદરૂપ થઈ શૈક્ષણિક ઉત્કર્ષ માટે સ્કોલરશીપ, ફી સહાય, પુસ્તક સહાય, શૈક્ષણિક લોન વગેરેથી મદદરૂપ થાય છે. સમાજના જરૂરિયાત પરિવારને તેમના ધંધાના વિકાસ માટે વગર વ્યાજની રૂા. ૧ લાખની મર્યાદામાં લોનની સુવિધા આપવામાં આવે છે.

ગંભીર પ્રકારની બીમારી સમયે દર્દીને બહારગામ લઈ જવો પડે તેવા પ્રસંગે એમ્બ્યુલન્સની સગવડતા અને મૃતદેહ માટે શબવાહિની સેવા પણ આ ગાળા દરમિયાન શરૂ કરવામાં આવી જ્યારે મૃતદેહને ક્યારે લાંબો સમય રાખવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે સમાજ દ્વારા ‘મોર્ગ’ આઈસ પેટીની પણ સુવિધા કરવામાં આવેલ છે.

યુવક મંડળ દ્વારા સમાજના પરિવારોને દિવાળી જેવા પ્રસંગો સારી રીતે ઉજવી શકે તે હેતુથી રાહતદરે મીઠાઈ-ફરસાણનું વેચાણ કરે છે. જ્યારે મહિલા મંડળ દ્વારા શિયાળાની સીઝનમાં બે માસ જેટલા ગાળા માટે અડદીયા-ગુંદરપાકનું રાહતભાવે વેચાણ કરે છે જેનો સમાજના તથા અન્ય સમાજના તથા યાત્રિકો સારો લાભ લેતા હોય છે.

આમ ભુજનો સમાજ સ્થાનિક સમાજ તથા અન્ય સમાજના ઉત્કર્ષ માટે સારો એવો ફાળો આપી બહુમૂલ્ય સેવા બજાવી રહ્યો છે. સમાજની મર્યાદિત આવક હોવા છતાં તેનો આયોજનપૂર્વક ઉપયોગ કરી સમાજની સેવા કરી રહ્યો છે. જ્યારે આ બાબતે પ્રમુખ સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકાય તે માટે તેઓ તન-મન ધનથી સેવા કરી રહ્યા છે તેમજ ભૂતકાળના તેમના અગ્રણીય રાજકીય, સામાજિક હોદ્દા દ્વારા પણ સમાજને ઉપયોગી થઈ રહ્યા છે.

 

(કચ્છ ગુર્જરીના ઓગષ્ટ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates