ભૂલી બિસરી યાદેં

ભૂલી બિસરી યાદેં - પ્રભા કે. શાહ, કાનપુર

માર્ચ ૨૦૨૦ના અંકમાં હોલીકેમ્પ વિશેના લેખમાં કિશોર ‘ડ્રીમલેન્ડ’ના અવસાન પછી હોલીકેમ્પનું આયોજન બંધ થઈ ગયું. એ કિશોર વિશે માંડવીના લોકો જાણે છે. પણ કચ્છ ગુજર્રી દ્વારા બીજા લોકો પણ જાણે એવો નાનો પ્રયાસ છે.

તા. ૧૦-૧૧-’૪૯ના દિને કચ્છ માંડવીના સ્વ. કમળાબેન મગનલાલને ત્યાં જન્મ થયો. માતાના ઉદરમાં હતો ત્યારે માતાને સિંહનું સ્વપ્ન આવેલ. ૯ ભાઈ-બહેનના પરિવારમાં એનો નંબર ૪થો હતો. પુત્રના લક્ષણ પારણામાં એમ નાનપણથી સાહસિક, ધાર્મિક પ્રવૃત્તિ, પ્રાણીમાત્ર પર દયા એના જીવનમાં વણાયેલી હતી. ભણવામાં જરાપણ રસ ન હતો. છતાં ધો. ૧૦ સુધી અભ્યાસ કરી નસીબ અજમાવવા મુંબઈ ભણી પ્રસ્થાન કર્યું. અભ્યાસ દરમિયાન ફળિયા ગલીના કૂતરા-ગલૂડિયાની ખાવાની રહેવાની સગવડ કરતો. નાની વયમાં જ રાજસ્થાન જાત્રાનો સંઘ નિકળેલ. બધી જ વ્યવસ્થા કરેલ. મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે, ન કોઈ હાથ પકડવાવાળો, એક અનજાન શહેરને અલબેલી નગરીમાં આવતા જ કઠિનાઈનો દોર શરૂ થઈ ગયો. હાથમાં પૈસા નહીં, કપડા ચોરાઈ ગયા. પગમાં સોજા આવી ગયા. કમળો થયો પણ એ ન હાર્યો. પોતાના આત્મબળથી આગળ વધતો રહ્યો.

છ વર્ષ મુંબઈમાં ગાળ્યા, તેમાં ખૂબ જ પરિપકવતા, સમજદારી ને વ્યવહારિકતા આવી. એવામાં બચુભાઈ નામના વ્યક્તિનો સાથ મળતાં પોતાનું દુઃખ ભૂલી ચોપાટી પર લોકોને ભેગા કરી ‘મેરા નામ જોકર’ની જેમ બધાને હસાવતા.

મોટી બે બહેનોના લગ્ન પછી માતા-પિતાની સેવાનો ખ્યાલ આવતા માંડવી પરત આવ્યો. ‘ડ્રીમલેન્ડ’સ્ટોર ખોલ્યો. પણ સેવાની અદમ્ય ઈચ્છા જાગૃત થતાં નાનો ભાઈ જે સરકારી કાર્યમાં ગામડે હતો તેને બોલાવી, દુકાને બેસાડી, પોતાનું મિશન ચાલુ રાખ્યું. ધાર્મિક કાર્યક્રમ (ભાવના) હોય કે સમાજ સેવા, લગ્ન-મરણના પ્રસંગ હોય કે દીક્ષા હોય કે કોઈને ખોટા માર્ગે રોકવા, બધામાં હાજરી હોય, સાથે આત્મસન્માન જાળવી કડવી પણ સત્ય વાત કહેતા અચકાતો ન હતો. ગાયના ઘાસચારા માટે ફંડ એકઠો કરવા ગામડે ગામડે જઈ, જાહેરમાં હિપ્નોટીઝમ’ના પ્રોગ્રામ આપતો, રાજકારણમાં પણ સ્વ. જયકુમાર સંઘવી સાથે મળી યુવક ક્રાંતિદળની સ્થાપના કરી હતી. હોલીકેમ્પમાં પણ નાના બાળકોનું પ્રિયજન હતો. કારણ એમની બધી જ વ્યવસ્થા પોતે કરી, રાત્રે સાંસ્કૃતિક પ્રોગ્રામ, જાદુના ખેલ બતાવતો. મોરબીના મચ્છુ ડેમની હોનારત સમયે પણ નિઃસ્વાર્થ સેવા આપી. નાનામાં નાની મદદ માટે સદા તૈયાર રહેતો. માંડવીના ગામમાં ખારવા કોમમાં એનું માન હતું.

પોતાનું જીવન તદ્દન સાદું હતું, ન કપડાનો શોખ કે ન ખાવાનો. જમણવારમાં જમવા પણ ન જતો. પિતાજીના અવસાન બાદ ઘરની જવાબદારી અને સેવાની લગન વચ્ચે સમતુલા જાળવી રાખતો. આજે બધાને નામની પડી છે ત્યારે આ કિશોરને એની નિઃસ્વાર્થ સેવા માટે, પૈસાનો મોહ રાખ્યા વગર સેવા માટે યાદ કરવો રહ્યો. ફક્ત ૪૪ વર્ષની નાની વયમાં જ આ ચમકતો સિતારો બુઝાઈ ગયો. એ વખતે પાંચે ગચ્છના જૈન સંઘના સમાજે એની શ્રદ્ધાંજલિ માટેનો ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો. જેની નોંધ સમાચારપત્રે લીધેલ હતી તે નીચે પ્રમાણે છે.

‘યુવાન સામાજિક કાર્યકર કિશોર ડ્રીમલેન્ડનો જીવનદીપ બુઝાયો.’

માનવીના યુવાન આશાવાદી અગ્રણી કાર્યકર શ્રી કિશોર ડ્રીમલેન્ડના આજરોજ સવારે માંડવી મધ્યે અવસાનના સમાચાર મળતાં શહેરના શુભેચ્છકો, સ્નેહીઓ અને મિત્રમંડળમાં શોકની લાગણી ફેલાઈ હતી. શ્રી કિશોર મગનલાલ શાહ ‘ડ્રીમલેન્ડ’ના હુલામણા નામથી જાણીતા હતા. યુવક ક્રાંતિદળ, જૈન બાળ વ્યાયામશાળા, વિવિધ શૈક્ષણિક અને રમત-ગમતની સંસ્થાના સક્રિય કાર્યકર હતા. સ્વ. કિશોર ઉત્સાહી, સ્પષ્ટવકતા, સતત ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિમાં સક્રિય રહેતા તેમજ નાના ગરીબ ઈન્સાનોના હમદદર્ હતા. વોલીબોલ, હુતુતુતુ અને હોલી કેમ્પ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. શહેરે ખૂબ જ ખંતીલો અને ઉત્સાહી સામાજિક કાર્યકર ગુમાવ્યો છે ત્યારે ‘કચ્છ કાલીન’પરિવાર સદ્‌ગતના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરે છે.’

 

 

(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates