ભીતરની સમૃદ્ધિ

ભીતરની સમૃદ્ધિ - નિરંજના જિતેન્દ્ર શાહ

'Born with silver spoon' કહી શકાય એવા સમૃદ્ધિથી છલકાતાં પરિવારમાં રાજનો જન્મ થયો છે. શ્રીકાંત ને શાલિનીનું એકમાત્ર સંતાન રાજ. ખૂબ જ લાડકોડથી જેનો ઉછેર થઈ રહ્યો છે એવા રાજને ફક્ત એક જ વાતનું દુઃખ છે કે ‘દાદા-દાદી તેઓની સાથે નથી રહેતાં.

રાજ નાનો હતો ત્યારે મમ્મી-પપ્પાને કહેતો, ‘પ્લીઝ દાદા-દાદીને આપણા જૂના ઘરેથી અહીં લઈ આવો ને, તેઓને કહોને આપણી સાથે રહે.’ શ્રીકાંત - શાલિની રાજને સમજાવી, પટાવી તેની વાત ઉડાડી દેતાં.

રાજનાં ૧૮ મા જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. ‘દાદા-દાદી આવશે ત્યારે જ કેક કટ કરીશ’ એવી રાજની જિદ સામે શ્રીકાંત-શાલિની ઝૂકી ગયા. શ્રીકાંતે મા-બાપને રાજની બર્થ-ડે પાટર્ીમાં બોલાવ્યા. પાર્ટી બાદ ડ્રાઈવર સાથે પાછા મોકલાવી દીધા.

‘મમ્મી-પપ્પા, દાદા-દાદીને કેમ રોક્યા નહિ?’ હવે રાજના આ પ્રશ્નને શ્રીકાંત-શાલિની ટાળી શકે તેમ ન હતા. શ્રીકાંતે દબાયેલા સ્વરે કહ્યું, ‘જો બેટા, દાદા-દાદી ત્યાં રહેવા ટેવાયેલાં છે. અહીં તેઓને નહીં ફાવે!’ ત્યાં શાલિની રોષભર્યા અવાજે બોલી ઊઠી, ‘આ હાઈ સોસાયટીમાં તેઓ એડજસ્ટ નહીં થઈ શકે. તેઓને અહીં નહીં ગમે.’

રાજ દરરોજ દાદા-દાદી સાથે ફોનથી કોન્ટેક્ટમાં રહે છે. થોડા થોડા દિવસ જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડે છે. તેઓને મળે છે. દાદા-દાદી માંદા પડે ત્યારે તેની પાસે જ રોકાઈને સારવાર કરે છે. લગભગ પંદર દિવસ પહેલાં દાદા-દાદીનાં લગ્નની ગોલ્ડન જ્યુબિલી ઉજવી. સ્વજન - સંબંધીને દાદા - દાદીનાં ફ્રેન્ડસને આમંત્રિત કર્યા હતા. એકદમ વેસ્ટર્ન કલ્ચરમાં જેનો ઉછેર થયો છે એવા રાજને દાદા-દાદી આઉટ ડેટેડ નથી લાગતા. વાત્સલ્યની પરિભાષા જેવા લાગે છે.

***

આકાંક્ષી કોલેજ ફ્રેન્ડસ સાથે વૃદ્ધાશ્રમની મુલાકાતે ગઈ હતી. આશ્રમનાં વૃદ્ધોએ તેઓને સલાહ આપી, ‘અમારા સંતાનોએ તો અમને અહીં મોકલી આપ્યા. તમે તમારા મા-બાપ કે સાસુ સસરાને અહીં મોકલતા નહીં.’ આ સાંભળીને ઘણાની આંખોમાં આંસુ આવી ગયા.

આકાંક્ષીને એક વૃદ્ધ દંપતિ ક્યાંક જોયા હોય એવું લાગ્યું, ‘અરે આમનો ફોટો તો અમારા ડ્રોઈંગરૂમમાં છે. મારા દાદા-દાદી વૃદ્ધાશ્રમમાં! આકાંક્ષી દાદા-દાદીને ભેટીને ખૂબ રડી. એ દંપતીની આંખો અનરાધાર વરસી રહી.

આકાંક્ષી ઘેર આવી. તેને સત્ય હકીકતની જાણ થઈ ગઈ હતી. ‘દાદા-દાદી ઘર છોડીને ક્યાંક ચાલ્યા ગયા છે.’ મમ્મી-પપ્પાએ તેનાં મગજમાં ઠસાવેલી વાત ખોટી હતી. દાદા-દાદીને આશ્રમમાં મૂકવામાં આવ્યા છે. આકાંક્ષીનાં ઘરમાં પૂરજોશમાં અમેરિકા જવાની તૈયારી ચાલી રહી હતી. મમ્મીનાં ભાઈ ત્યાં છે. આકાંક્ષીએ દાદા-દાદીને ઘરે લાવવાની વાત કરી. મમ્મી –પપ્પાએ કહ્યું, ‘ગાંડી થઈ છો. આપણે હવે એ બોજો વેંઢારવો નથી.’

ઘરમાં દસેક દિવસ ચર્ચા ચાલી. આકાંક્ષા દાદા-દાદીને વૃદ્ધાશ્રમમાંથી ઘેર લાવવાનાં છે એ વાત પર અડગ હતી. મમ્મી-પપ્પા કહેતા હતા કે આપણે અમેરિકા જવાનું જ છે. એ વાતમાં મીનમેખ ફરક નહીં થાય. આખરે મમ્મી-પપ્પા આકાંક્ષીને લીધા વગર અમેરિકા ગયા. આકાંક્ષીએ એક કંપનીમાં જોબ લઈ એકસ્ટર્નલ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ ચાલુ રાખ્યો. દાદા-દાદીને પોતાની સાથે રાખી લીધા. દીકરા-વહુએ તરછોડ્યા ને મોર્ડન કહેવાતી આકાંક્ષાએ (પૌત્રીએ) અપનાવ્યા. આકાંક્ષા દાદા-દાદીની પ્રેમથી માવજત કરવાની સાથે પોતાનાં ઉજ્જવલ ભવિષ્યની કેડીએ પ્રગતિ કરી રહી છે.

***

દાદા-દાદીની સેવા, સારસંભાળ માટે કટિબદ્ધ એવા રાજ ને આકાંક્ષી યુવાપેઢીનાં પ્રતિનિધી છે. સંસ્કારને ઉંમર સાથે લાગતું-વળગતું નથી. સંસ્કારોનો નાતો ભીતરની સમૃદ્ધિ સાથે છે.

કેટલાંક શુભ તત્ત્વો આપણી અંદર ધરબાયેલાં છે જ. જે પ્રેમ અને કરુણાનાં સથવારે જ બહાર આવી શકે છે. માનવતાનો દૃષ્ટાંતરૂપ ઈતિહાસ સર્જે  છે. સ્વનાં ને સ્વજનનાં આયુષ્યને ઉત્સવ બનાવે છે.

 

 

 

(કચ્છ ગુર્જરી જુલાઇ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates