બંધ બારણે

બંધ બારણે - સુષ્મા શેઠ, વડોદરા

‘ઓટેીસ્ટીક ચાઈલ્ડ’ ડૉકટરના એ ભારેખમ શબ્દો મારે કાને અફળાયા તે સાથે જ મમ્મી-પપ્પાને કાળજે તીરની માફક ભોંકાયા. હું મોટી પહોળી નિઃસ્તેજ આંખે મમ્મી-પપ્પાનું પડી ગયેલું મોઢું જોઈ સાવ બોખા મોઢે હસતો રહ્યો. રૂમમાં ઊંચે ચળકતી લાઈટો જોઈ તેની તરફ આંગળી ચીંધી તેમને જાણે અમસ્તા તે બતાવતો રહ્યો. તેમના રૂપાળા સમાજમાં, તેમનાં ઊંચા મિત્રવર્તુળમાં મારે લીધે નીચાજોણું લાગશે તેવી મને શી ખબર? હા, નહિ જોઈતી સહાનુભૂતિ તેમને ખભે થપથપાવાતી, આંખોમાં ઉપહાસ સાથે. વળી કેટલાક બંધ બારણ પાછળ બોલતા, ‘અરરર..’ ‘હાય.. હાય..’ ‘ઓહ..નો..’ ‘વેરી સેડ’ મારા નિરર્થક અસ્તિત્વ જેવા ગુંગળાતા નિરર્થક શબ્દો ગમે તેમ કરી તેમના સરવા કાન સુધી પહોંચી જતા, દાઝયા પર ડામ જેવા.

ઉંમરથી તન મોટું થતું ગયું પરંતુ મન નહિ. નાના ભાઈ અનુજને સૌ લાડ લડાવતા, મને નહિ. અનુજના આવતાવેંત વિશાળ ઘર નાની નાની ખુશીઓથી ભરાઈ ગયું. મમ્મી અને પપ્પાની આંખોમાં આંજેલી અનેરી ચમક હું જોઈ શકતો કારણકે તે ‘મારા જેવો’નહોતો. તેમના ભવ્ય બેડરૂમના બંધ બારણાઓએ હળવાશ અનુભવી પરંતુ તેમને હવે મારો ભાર વધુ લાગતો હતો. અનુજ મોટો થતો જતો હતો અને હું નાનો.

‘આવા બાળકોની કોઈ સારી સંસ્થા હોય તો મૂકી દઈએ. કાલે ઊઠીને આપણે ન હોઈએ તો આ બોજો..’ બંધ બારણે પપ્પા શું બોલતા હતા? ખબર નહિ.

‘ના, ગમે તેમ તોય આપણું બાળક.’ મમ્મીનો ધીમો સૂર હવામાં ઓગળી ગયો.

હું ભીંતમાં માથા પછાડતો. મારી નિરંકુશ, અસંતુલિત ચેષ્ટાઓ, લથડાતી જીભે બોલાતી એલફેલ વાણી મારી ભીતર ચાલતા મનોમંથનને સમજાવવા અસમર્થ હતાં. મને ત્રણ વાર કહેવાતી એની એ વાત ચોથી વારે માંડ સમજાતી. શું મારી દુનિયા તેમનાથી અલગ હતી? ગુંગળાઈ જઈ બંધબારણે મારી જાતને પૂરી દઉં ત્યારે મમ્મી ધુ્રજતા અવાજે કહેતી, ‘દીકા, બારણું ખોલ, પીપર આપું.’ હુંય સાવ ભોળોભટ. કેવો માની જતો!

પગારખાઉ લગણીવિહિન નોકરો મને દીઠા ન ગમતા. તેમને હું મારી બેસતો. તેમના વાળ ખેંચતો, જમવાનું વધુ માંગુ ત્યારે મારી થાળી ખેંચાઈ જતી. ‘નૈ બાબા, ઝાડા થઈ જશે.’ કર્કશ અવાજ સંભળાતો. તો વળી ક્યારેક રિસાઈને હું થાળીને ધક્કો મારી દેતો.  કોઈવાર દાળ ઢોળી નાખું કે પછી બે હાથે જમવા માંડું. મારું મગજ મારા કહ્યામાં ક્યાં હતું? હું મારી મરજીનો માલિક. દવા થૂંકી નાખું કે પછી ટૂથપેસ્ટ ખાઈ જાઉં!

અનુજ ડાહ્યો કહેવાતો. તે મારી સાથે રમતો. મન તેના રમકડાં આપતો. કપડાં આપતો, ચોપડીઓ આપતો. સરસ વાતો કરતો, બહાર લઈ જતો. મમ્મી-પપ્પાની જેમ મને બહાર લઈ જતાં તે શરમાતો નહિ. તે મને ગમતો અને હું તેને. ભાઈ હતોને! મમ્મી-પપ્પા પાર્ટીઓમાં જાય ત્યારે અમે બે સુખ-દુઃખના સાથી. અમે બધું ભાગ પાડી વહેંચતા. રમકડા, પેન્સિલ, આઈસક્રીમ, ચોકલેટ. જોકે તે મારાથી ચાર વર્ષ નાનો હોવા છતાંય મોટાની જેમ વર્તતો. મારી સંભાળ લેતો. મનેય નાના રહેવું માફક આવી ગયેલું.

પછી તો ઘરમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ છવાયું. મારે કાને ત્રણ શબ્દો વારંવાર પડતા,‘અનુજના લગ્ન છે.’ બધાં કામમાં વ્યસ્ત. હું આફતના પોટલા સમો નડતો હોઉં તેમ આમથી તેમ અફળાયા કરતો. કોઈ કામમાં નહિ આવનારો, તદ્દન નકામો. મને એકબાજુ ખસી જવાનું મહાન કામ ચીંધાતું. અનુજ જાણે રાજાપાઠમાં. તે હવે મારી સાથે ઓછું બોલતો. મારી સાથે સમય ન વિતાવતો. બહાર એકલો જતો. ફોનને ચોંટી રહેતો. મારા બેચેન મનને નહોતું ગમતું પણ શું કરું?

‘મમમ.. માલે પન લલગન કકકલવા થે. એ એકલે કકકકેમ?’ અનુજ પરણ્યો ત્યારે મેં ધમપછાડા કરેલા. મમ્મીને હચમચાવી નાખી.

‘ના, એવું ના કરાય.’ પીપર આપી પટાવતી હોય એમ એ બોલી.

‘પનન કેએએ..મ? કે..મ મને નંઈ?’ બને તેટલું જોર કરી હું પૂછી બેઠો. ‘હું મોટ્ટો બની ગયો. મો..ટ્ટા લોકો લગન કલેને. તે માલાથી નનનનાનો.’

‘જો, નવી ભાભી આવશે, તને પીપર આપશે. તોફાન નહિ કરવાના હંને.’ પપ્પાએ ચોકલેટની લાલચ આપી ત્યારે મેં બંધ બારણું ખોલ્યું. અણસમજુ હતો જ વળી ભોળો ખરોને! હું નવા મોંઘા કપડા, ખૂબ બધી મીઠાઈ, ચોકલેટ પામી જૂનું તોફાન ભૂલી ગયો.

મમ્મી-પપ્પાના ઓચિંતા કાર અકસ્માતમાં થયેલ મૃત્યુ બાદ, હું અચાનક મોટો થઈ ગયો. હું ખોવાઈ જાઉં તેનો ડર હતો, પરંતુ મારા મમ્મી-પપ્પા ખોવાઈ ગયા. તેમને શોધતો રહ્યો પછી ફિલમમાં જોયેલું તેવું થયું છે એવું કંઈક ભાન થયું ત્યારે બંધ બારણે ખૂબ રડ્યો; અંદરથી આખો વેરવિખેર પરંતુ અનુજ હતો ને. તેણે સાચવી લીધો અને ભાભી! ભાભીએ બધું ભૂલાવી દીધું. પઝલના ટુકડા ગોઠવી દીધા. ભાભી પ્રેમથી જમાડતી, વાતો કરતી, વહાલપૂર્વક માથે હાથ ફેરવતી જાણે હું તેનું બાળક! દરરોજ તેનું પીપર આપવું મને બહુ ગમતું. અરે! ભાભી આખેઆખી જ બહુ ગમતી. હું તેને બાઝી પડતો. આહા.. કેવી સુંવાળી મુલાયમ હતી તે. ચોકલેટ જેવી. તેની પોચી દડા જેવી ઉપસેલી છાતી, તેની સુંદર પીઠ, વર્તુળાકાર માંસલ નિતંબ, તેના અંગેઅંગમાંથી આવતી સુવાસ મારા અંગોમાં ન સમજાય તેવી ઝણઝણાટી ફેલાવતા અને સમગ્ર ચિત્તમાં એક ઉત્તેજના! હું તેને જોયા જ કરતો. મન ભરીને. ક્યારેક તેના બંધબારણાંના કી-હોલમાંથી.

દરરોજ સંભળાતા વિચિત્ર ઉંહકારાઓને બદલે તે રાત્રે બંધ બારણાની તિરાડોમાંથી ઉગ્ર અવાજો ચળાઈને આવ્યા. ‘જો હેતા, મારો સગો ભાઈ છે અને આપણી સાથે જ રહેશે. તને વાંધો ન હોય તો જ હા પાડજે તેવી ચોખવટ પહેલેથી જ થયેલી.’ ભાઈનો તરડાયેલો સ્વર રેલાયો.

‘જાણું છું અનુજ, પરંતુ હવે એ બાળક નથી. તું તારા કામે સવારથી જાય, ઠેઠ રાત્રે આવે. તારે ધંધાર્થે અવારનવાર બહારગામ જવું પડે છે. હું એકલી.. અને એ.. આ ઘરમાં કાં હું નહિ કાં એ નહિ.’ ભાભીનો મક્કમ સ્વર વધુ ઊંચો થયો.

મારી વાત કરતા હશે? ભાભી મને છોડીને જશે? થોડુંઘણું સમજાતું હતું, એટલો બધો ભોળો નહોતો. મેં મારી ઓરડીનું બારણું બંધ કર્યું. ગુંગળામણ થતી હતી. બીજું કશું જ ન સુઝતાં વસ્તુઓ ફેંકવા માંડી. ભીંતમાં માથું પછાડતો રહ્યો ત્યારે બહારથી બારણું જોરથી ઠોકાયું. ‘દરવાજો ખોલ, ચોકલેટ, પીપર આપું.’ ભાઈ હતો.

‘ચોકેત-પીપલ નનન.. નૈ.’ મેં ચીસ પાડી, ‘ભાબી જોઈએ.’ ‘સારું મળશે, બારણું ખોલ.’

મેં ખોલ્યું. સામે ભાભી ઊભી હતી. ફુલઝડી જેવી. અંદર દાખલ થતાં તેણે મારી તરફ એક નજર ફેંકી. તેમાંથી તણખા ઝરતા હોય તેવું લાગ્યું.

અણસમજુ મનને સમજાવવા છતાંય હું ભાભીના સરકી જતા લીસા પાલવ સામેથી નજર ન હટાવી શક્યો. એકીટશે જોતી આંખોને ન રોકી શક્યો. ભાભી બહાર નીકળી ગઈ. અનુજે મને ગાલ પર થપ્પડ મારી, આટલા વર્ષોમાં પહેલી વાર. ભાભીને લીધેસ્તો! ભાભીએ મને બાથમાં ન લીધો. મારાથી શી ભૂલ થઈ? મને ગુસ્સો તો એવો ચઢ્યો પણ.. પણ ભાભી વગર હું શું કરીશ? એ પઝલનાં ચોકઠાં કોણ ઉકેલી આપશે?

‘ભા..બી નૈ જાને. તું કેસે તે.. એમ કલી..સ બ..અસ..’ મેં દોડીને ભાભીનો હાથ પકડી લીધો. અનુજ અમને જોઈ રહ્યો. પુતળાની માફક. સ્થિર બોલ્યા વગર. જાણે હું કોઈ પઝલ!

ભાભી દાઝી ગઈ હોય તેમ તેણે ઝટકો આપી હાથ છોડાવ્યો અને પછી ઘરની કોઈ ઓરડીના બારણાં ક્યારેય બંધ ન થયા.

 

 

 

(કચ્છ ગુર્જરી જુલાઇ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates