આવ્યા... આવ્યા રે... પર્વાધિરાજ પર્યુષણા

આવ્યા... આવ્યા રે... પર્વાધિરાજ પર્યુષણા - નિલમ અરવિંદ સંઘવી, મુન્દ્રા

જૈન દર્શનમાં અનેક પર્વો આવે છે. તેમાં પર્યુષણ પર્વનું મહત્ત્વ મુઠ્ઠી ઉંચેરું છે. તીર્થોમાં જેમ શત્રુંજય તીર્થ, પર્વતોમાં જેમ મેરુગિરી, નદીઓમાં જેમ ગંગા, મંત્રોમાં જેમ નવકારમંત્ર મહાન છે તેમ તમામ પર્વોમાં પર્યુષણ પર્વ એ મહિમાવંતુ મહાનપર્વ છે.

જેનું આગમન શ્રાવણ-વદ ૧૩, મંગળવાર, તા. ૨૭-૮-૧૯ના થશે.

તહેવાર-ઉત્સવોનો સંબંધ ખાવું, પીવું, મોજમજા કરવી તેની સાથે છે. જ્યારે જૈન પર્વોમાં તપ અને ત્યાગની ભાવના પડેલી છે. તહેવારોમાં સંબંધ તન સાથે છે જ્યારે પર્વોનો સંબંધ આત્મા સાથે જોડાયેલો છે. પર્યુષણનો અર્થ પરિ=ચારે બાજુથી ઉસ્‌=વસવું. ચારેબાજુથી આત્માની સમીપ રહેવાનો પ્રયત્ન કરવો.

પંચાચાર એ પર્યુષણની આરાધનાનું પ્રવેશદ્વાર છે. દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્ર્યચાર, તપાચાર અને વિર્યાચાર. પંચાચાર એ એવી પગથી છે કે, જે આત્માને નીચેથી ઉપર સુધી લઈ જાય છે.

પ્રાણીમાત્રને પ્રેમનો સંદેશ આપતું પર્વ એટલે પર્યુષણ. અહિંસાની આલબેલ પોકારતું પર્વ એટલે પર્યુષણ. આત્માની નિકટતા પ્રાપ્ત કરવાનું પર્વ એટલે પર્યુષણ.

સહુના પ્રત્યે આંતરપ્રિત જગાડતું પર્વ એટલે પર્યુષણ. આપણે હેતપ્રીતના તોરણ બાંધતા અને તૂટેલ દિલોના તારોને સાંધતા આ પર્વને હર્ષથી વધાવીએ. આ મહાપર્વની પાવન પળોને તપ, ત્યાગ અને પ્રભુભક્તિની ભીનાશથી મંગળમય બનાવીએ છીએ.

સામાન્ય માનવી વર્ષમાં ઓછામાં ઓછા આ પર્વ દરમિયાન આઠ દિવસો દરમિયાન ધર્મની આરાધના કરે છે. આ દિવસોમાં અર્થ અને કામરૂપી પુરુષાર્થને તિલાંજલિ આપી માત્ર ધર્મની આરાધના કરવાની હોય છે. અહંકાર ઓગાળીને પર્યુષણ પર્વની આરાધના કરવી જોઈએ. પર્યુષણ વર્ષાઋતુમાં આવે છે. જ્યારે જમીન ચોખ્ખી બની ગઈ હોય છે. નદીમાંથી મલિનતા ઓસરી ગઈ હોય, સફર માટે સાગર અનુકૂળ હોય એમ આખી પ્રકૃતિ જ્યારે શુદ્ધ હોય ત્યારે આ સાધનાનો સમય આવે છે.

આવા માનવીને પર્યુષણ પર્વ પૂછે છે કે તું કોણ છે? તેં શું મેળવ્યું છે? અને શું પામવાનું તારું લક્ષ્ય છે? દોડધામ કરતો માનવી છેક મૃત્યુ જુએ ત્યારે જીવનનો વિચાર કરવાનો પ્રારંભ કરે છે. આવી સ્થિતિમાં ભૌતિક સમૃદ્ધિની મૂછરમાંથી જગાડતું પર્વ તે આ પર્યુષણ પર્વ છે.

જૈનધર્મ ભાવનાનો ધર્મ છે. આથી નમસ્કાર મહામંત્ર કોઈ વ્યક્તિને નહીં પણ વ્યક્તિના ગુણને નમસ્કાર કરે છે. પર્યુષણ પર્વ દરમિયાન પાંચ કર્તવ્યોનું પાલન કરવાનું હોય છે. ૧) અહિંસા ૨) સાધર્મિક વાત્સલ્ય ૩) ક્ષમાપના ૪) અઠ્ઠમ તપ, ૫) ચૈત્ય પરિપાટી.

આ પાંચ કર્તવ્યોને થોડા વિસ્તારથી જોઈએ.

૧) અહિંસા : અહિંસાનો આદર્શ તો અન્ય ધર્મ પરંપરામાં પણ સ્વીકૃત છે, પરંતુ જૈન શાસનની અહિંસા બે બધા કરતાં અનેક રીતે વિશિષ્ટ અન ઉચ્ચતમ પુરવાર થયેલ છે. જૈનધર્મમાં પૃથ્વી- પાણી-અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પણ જીવ હોવાનું સ્પષ્ટ જણાયું છે.

૨) સાધર્મિક વાત્સલ્ય : જે સમાન ધર્મનું પાલન કરતા હોય તેને કહેવાય સાધર્મિક. આ કર્તવ્યમાં જે ‘વાત્સલ્ય’ શબ્દ પ્રયોગ થયો છે તે ધ્યાનાકર્ષક છે. ગાયને વાછરડા પ્રત્યે જે મમતાભરી લાગણી હોય તેને કહેવાય છે વાત્સલ્ય અને માતાને નવજાત શિશુપ્રત્યે જે અધિકાધિક મમતા હોય તેને કહેવાય છે વાત્સલ્ય. આવી હેતભર- પ્રેમભરી લાગણીઓ સાધર્મિકને દાખવી ઉપયોગી થાય એ સાધર્મિક વાત્સલ્ય કહેવાય.

૩) ક્ષમાપના : પર્યુષણ પર્વનું આ હાર્દ છે. પર્યુષણ પર્વ શરૂ થાય તે પહેલાં અથવા સવંત્સરી પ્રતિક્રમણ સુધીમાં જીવનમાં જે કોઈ આત્માઓના મન દુભવ્યા હોય, જાણતા કે અજાણતા કોઈના દુઃખમાં નિમિત્ત બન્યા હોઈએ. કોઈ જીવ સાથે ઝઘડા-ક્લેશ-કંકાસ કરી તેને પીડા આપી હોય એ જીવોની સાથે સાચા હૃદયથી ક્ષમાપના કરવાની હોય છે. વેરની પરંપરા મિટાવવાની હોય છે. જે જીવ ક્ષમાપના કરતો નથી તેની પર્યુષણની આરાધના તો નિષ્ફળ છે જ પણ સાથે સાથે અનંતકાળ સંસારમાં રખડવું પડે છે. શત્રુને મિત્રમાં પરિવર્તિત કરી દેતી ચમત્કારિક ચાવી એટલે ક્ષમાપના.

૪) અઠ્ઠમ તપ : અન્ય જનસમૂહની નજરમાં જૈન સંઘને આદર-બહુમાન બક્ષતું તત્ત્વ જો કોઈપણ હોય તો તે છે તપ. અન્ય વર્ગ પણ નિખાલસતાથી કહે છે કે જૈનો જેવા ખરા અર્થના વિશુદ્ધ ઉપવાસ કોઈના નહીં અને જૈનો જેવી કઠિન તપસ્યા પણ કોઈની નહીં. પર્યુષણ મહાપર્વની સફળતાનો એક મુખ્ય માપદંડ પણ તપ જ ગણાય છે. ‘ક્યાં કેટલી તપસ્યા થઈ’ એના આધારે જ પર્યુષણની સફળતા અંદાજિત કરાય છે.

૫) ચૈત્ય પરિપાટી : ચતે નાને જાગતૃ કરે તેનું નામ છે ચૈત્ય અર્થાત્‌ જિનમૂર્તિ - જિનાલય પર્યુષણના પાવન દિવસોમાં વિશેષ પ્રકારે વિવિધ ચૈત્યોની યાત્રા થાય એ માટે આ ચૈત્યપરિપાટીનું કર્તવ્યનું વિધાન છે. પ્રભુની વિશિષ્ટ ભક્તિની આ પ્રવૃત્તિ ચોક્કસપણે મુક્તિનું બીજ બની શકે છે. અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી સાથે ઢોલ શરણાઈ વગાડતાં ચૈત્ય જુવારવા જવું જોઈએ.

આવો આપણે આ પાંચ કર્તવ્યોરૂપી પંચરંગી પુષ્પોથી પર્વાધિરાજના પાવન વધામણા કરીએ.

‘પર્વમાંહે પજુસણ મોટા,

અવર ન આવે તસ તોલે રે.’

 

 

(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates