અવનવી વાનગીઓમાં જાત જાતના સ્વાદ રહેલા હોય છે. સારા અને ખરાબ પણ. જીવને ભાવે તે સ્વાદ સારો બાકી ખરાબ. અવાજમાં પણ ભાત ભાતના સ્વર હોય છે. સારો અને ખરાબ પણ. કાનને ગમે તે સ્વર સારો બાકી ખરાબ. દરેક જીવ આ હકીકત જાણતો હોય છે, સ્વરના ગમા- અણગમા દ્વારા તે બીજા જીવને પ્રેમ કે નફરત કરવા પ્રેરાય છે.
દરેક જીવને અવાજ તેના કર્મો પ્રમાણે જન્મથી જ મળેલો હોય છે. જરૂરી નથી કે દરેક ખરાબ સ્વરને મઠારી સારો કરી શકાય. તો પછી સારા કે ખરાબ અવાજના કારણે કોઈ જીવ માટે હેત કે ઘૃણાને જન્મ અપાય? કોઈપણ જીવ સર્વગુણ સંપન્ન તો હોઈ જ ન શકે તે સનાતન સત્ય જાણતો હોવા છતાં માનવી બધી જ રીતે ગુણવાન વ્યક્તિને માત્ર ને માત્ર તેના ઘોઘરા અવાજને કારણે હડધૂત કરે છે!!!
જ્યારે તમારા સ્વજન જ તમને વારંવાર કહે ‘તારો અવાજ તો જો કેવો કર્કશ છે- સવાર સવારમાં માથું ન ખા- તું તો કાંઈ બોલ જ નહીં’ વગેરે વગેરે.. ત્યારે હૃદયમાં વેદનાનો જે વલોપાત સર્જાય છે તે અકલ્પનિય હોય છે. દુઃખની વાત તો એ છેકે તેજ સ્વજનને તેના સવાલનાં જવાબમાં માત્ર હા જ સાંભળવી હોય ત્યારે તે ક્ષણ પૂરતું તમારો સ્વર સાંભળવા તૈયાર થઈ જાય છે. આ ભેદભાવ તમને તમારા સ્વજનથી દૂર કરવા મજબૂર કરે છે. તમે કર્મોમાં માનતા હોવાથી સહર્ષ દૂર થવા તૈયાર થઈ જાવ છો પરંતુ કર્મો અનુસાર મળેલા ઘોઘરા સ્વર કે અલ્પ સૌંદર્ય માટે જે તમને નફરત કરે છે- હડધૂત કરે છે- જાકારો આપે છે- અપમાનિત કરે છે તેનું શું??
(કચ્છ ગુર્જરી જુલાઇ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)