આત્મચિંતન

આત્મચિંતન - રવીન્દ્ર લવચંદ શાહ, ચેન્નાઈ

પ્રથમ સોપાન : વાર્તાલાપ અને શાંત ચિત્તઃ જ્યારે કોઈપણ વ્યક્તિ સાથે વાર્તાલાપની શરૂઆત થાય ત્યારે પહેલા પોતાના તરફથી સદંતર ધીમી ગતિએ બોલવાની શરૂઆત કરવી અને જેટલું બને એટલું સંક્ષિપ્ત (ટૂંકાણમાં) રીતે દર્શાવવું. તેમાં પણ સૌ પ્રથમ તો સામેવાળી વ્યક્તિએ વ્યક્ત કરેલ વાર્તાલાપને પૂરેપૂરું સાંભળી લેવું, પછી જ કોઈપણ પ્રતિક્રિયા આપવી. સામેવાળી વ્યક્તિને શાંતિથી સાંભળી લીધા બાદ આપણે પોતે કરેલ વકતવ્યને સમજી તેમના વકતવ્યને નમ્રતાપૂર્વક શુભેચ્છા રૂપે સ્વીકારવી. આ પ્રક્રિયાથી આપણને સ્વયંને સમજાશે કે આપણે ક્યારે અને કેટલું બોલવું તથા કેટલી શાંતિ રાખી વાર્તાલાપને સમજવાની કોશીશ કરવી. આનાથી રોજબરોજની જિંદગીમાં ક્ષમતા સાથે વાણી વર્તન કેમ કરવું તે પણ સમજી શકાશે.

બીજું સોપાનઃ આપણા અસ્તિત્વનું સત્ય સમજવું : ઉંમરના પરિપકવ સમયે પહોંચતા સૌ પ્રથમ અનુભૂતિ થાય છે કે દરેક ખોળિયાનું કુદરતે સીમિત સમય માટે જ નિર્માણ કર્યું હોય છે એટલે આપણું અસ્તિત્વ પણ નિશ્ચિત સમય પૂરતું જ છે. આ વસ્તુ સમજાઈ જાય ત્યારે કુદરતે સજર્ેલ અસ્તિત્વને સંપૂર્ણપણે માનવજાત માટે અર્પણ કરી નિઃસ્વાર્થભાવે આપણા માનવ જન્મને સાર્થક કરવો. અન્યોને માનસિક -શારીરિક- આત્મિક રીતે પ્રયાસ કરી કોઈ પણ જાતની અપેક્ષા વિના મદદરૂપ થવા પ્રયાસ કરી બંધુત્વભાવને ન્યાય આપી મનુષ્ય જન્મ સાર્થક કરવા પ્રયાસ કરતા રહેવું. ખોળિયું તો આપણું નિશ્ચિત સમયે અસ્તિત્વ પામે છે અને એનો અંત પણ નિશ્ચિત સમયે જ થાય છે પણ આત્મ તો સદા અમર જ રહે છે. સૂર્યોદય સમયે ઉજાસનો આવિર્ભાવ થાય છે અને સૂર્યાસ્ત સમયે આપણને અનુભવ થાય છે કે અંધકારની શરૂઆત થઈ ગઈ છે. પણ ખરેખર તો સૂર્યાસ્ત ક્યારેય થતો જ નથી હોતો. આપણી નજર ક્ષિતિજે હોય એટલે અંધકારનો માત્ર અનુભવ જ થતો હોય છે પરંતુ એ દરમિયાન વિશ્વમાં બીજે સૂર્યોદય થઈ ચૂક્યો હોય છે. એ જ રીતે આપણું ખોળિયું તો નાશ પામે છે, પણ આત્માએ બીજે પોતાનું અસ્તિત્વ ધારણ કરી જ લીધું હોય છે એટલે જેટલો પણ સમય ખોળિયા સાથે વીતાવીએ એમાં માનવધર્મને અનુસરી માનવતાપૂર્વક જીવીએ જેથી કુદરતે જે કારણે આપણું સજર્ન કરેલ છે. તેને સંપૂર્ણપણે ન્યાય આપી શકીએ.

સોપાન ૩ : શ્વાસોચ્છવાસ મુજબ હકારાત્મકતા પામીએ : કુદરતે માનવ જીવને શ્વાસ-ઉચ્છ્‌વાસની અનોખી ભેટ આપી છે. આપણે જ્યારે શ્વાસને અંદર લઈએ છીએ ત્યારે પ્રાણવાયુ મળે છે એટલે કે શરીરને પ્રાણ મળે છે ત્યારે આપણને આપણી હયાતીનું જ્ઞાન થાય છે અને ઉચ્છ્‌વાસ સમયે નકામા વાયુ નીકળી જાય છે જેની સાથે આપણી નકારાત્મકતા પણ નીકળી જાય છે. આમ શ્વાસ-ઉચ્છ્‌વાસ દ્વારા આપણી માનસિક શક્તિને બળ મળે છે તેથી કહી શકાય કે આ પ્રક્રિયા મનુષ્યજીવન પ્રાપ્તિ થઈ છે તેને હકારાત્મક પ્રેરણાથી ન્યાય આપવા પ્રેરિત કરે છે.

વયની સાથે સમજણ વધતાં આ ત્રણે સોપાનો સર કરતાં જીવન સાર્થક કરવાની યથાશક્તિ મેં કોશિશ કરી છે જે હજી પણ ચાલુ જ છે. ત્રણે સોપાનો મુજબ વિચારશક્તિ ખીલે છે અને આત્મચિંતન કરવા વધુ ને વધુ પ્રેરણા મળે છે. જિંદગીની સફળતા સાથકતા જાણે મારા મનુષ્ય જીવનની મંઝીલે પહેંચાડે છે.

આ સાથે આત્મચિંતનની સફળતા દર્શાવતું ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’માં આવેલું પેન્સિલ-રબ્બર (ઈરેઝર)નું ઉદાહરણ સંક્ષેપમાં મારી ભાષામાં મોકલું છું. ઈરેઝર પેન્સિલથી થયેલાં લખાણમાં ભૂલો છેકવાનું માધ્યમ. ખરું ને? હવે પેન્સિલ અને ઈરેઝર વચ્ચેનો વાર્તાલાપ પ્રસ્તુત કરું છું.

પેન્સિલ : ‘મને ક્ષમા કરજે, ભાઈ!’

ઈરેઝર : ‘શેના માટે માફી માગે છે, તેં એવું તો કંઈ ખોટું નથી કર્યું!’

પેન્સિલ : ‘મારી ભૂલોને કારણે તને હંમેશા શારીરિક તકલીફ પહોંચે છે, તારું શરીર ઘસાતું રહે છે!’

ઈરેઝર : ‘એ શું કહ્યું તેં વળી?’

પેન્સિલ : ‘જ્યારે જ્યારે હું ભૂલો કરતી રહી ત્યારે ત્યારે તેં તારા શરીરને ઘસાવી મારી ભૂલોને સુધારી જેથી મને પ્રગતિ કરવાની તકો મળતી રહી. પણ હું તો કંઈ વિચાર્યા વગર ભૂલો કરતી રહી અને તારા શરીરને ઘસારો આપતી રહી!’

ઈરેઝર : ‘વાત તો તારી તદ્દન સાચી છે પણ મને એનો જરા પણ અફસોસ કે એમાં સહેજ પણ તકલીફ જણાતી નથી. કારણ કે મારું સજર્ન જ એ માટે થયું છે કે મારે સદા બીજાને મદદ કરતાં કરતાં ઘસાવું. હું પણ જાણું છું કે તને મદદ કરતાં કરતાં એક દિવસ મારી હયાતી નાશ પામશે જ. પણ મારી હયાતી આવા જ શુભ કાર્ય માટે જ સર્જાઈ છે તેથી હું હયાત હોઉં ત્યાં સુધી તને દુઃખી કેમ જોઈ શકું? માટે તારે દુઃખી થવાની કે કોઈપણ જાતની માફી માગવાની જરૂર નથી!’

આ વાર્તાલાપનો ભાવાર્થ આ પ્રમાણે લઈ શકાય ને?!

મનુષ્ય જ્યારે અચિંતન માનસથી ઘેરાઈ જાય ત્યારે કોઈ આત્મચિંતન કરનાર વ્યક્તિનો સાથ મળી જાય તો બંને આત્માઓનું જીવન સાર્થક બની જાય! અચિંતન માનસને આત્મચિંતન કરનાર માનસ સાથ આપે ત્યારે અચિંતન આત્માને પણ જાતે ફના થઈ બીજાનું જીવન સાર્થક કરવાની પ્રેરણા મળી રહે છે અને બંનેનું જીવન સફળ બની જાય છે. (અસ્તુ)

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates