આરોગ્યલક્ષી યોજનાથી કોને ફાયદો?

આરોગ્યલક્ષી યોજનાથી કોને ફાયદો? - નીતિન એચ. સંઘવી, ગાંધીનગર

સરકારશ્રીની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ જેવી કે ‘મા અમૃતમયી યોજના, ‘અકસ્માત વીમા યોજના’જેવી અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે પરંતુ આ આરોગ્યની તમામ યોજનાઓનો લાભ આમજનતાને કેટલો મળશે?

સૌ પ્રથમ તો એ વિચારવું જોઈએ કે લોકો હાસ્પિટલમાં ક્યારે જાય-બિમાર પડે ત્યારે ને! પરંતુ બિમાર જ ન પડે તેવી યોજના વિશે સરકાર કેમ વિચારતી નથી. મોટાભાગે લોકો પાણી અને ખોરાકથી બિમાર પડતા હોય છે. જે આપણા દેશમાં શુદ્ધ પાણી અને આરોગ્યપ્રદ ખોરાકનો અભાવ છે. જેના પર કોઈ નિયંત્રણ જેવું નથી. ભેળસેળવાળાને માત્ર રૂા. ૩૦૦૦થી ૫૦૦૦/- સુધીનો દંડ ભરીને છોડી મૂકવામાં આવે છે. જે લોકો ભેળસેળ કરી હજારોની જિંદગી દાવ પર લગાડે છે એને માત્ર મામુલી દંડ ભરી મુક્તિ અપાય છે.

હવે વાત કરીએ આરોગ્યની યોજનાની. જો તમારી પાસે મેડીક્લેમ હોય કે આવી કોઈ સરકારી યોજનાને લાભ લેવો હોય તો જે ઓપરેશનના રૂા. ૫૦૦૦/- થાય તેના રૂા. ૨૫,૦૦૦/-થી ૩૦,૦૦૦/- ચાર્જ કરવામાં આવે છે અને બીનજરૂરી દવાઓ લખી આપવામાં આવે છે. ખરેખર આનાથી તો ડૉકટરોને અને દવાની કંપનીઓને વધારે ફાયદો થવાનો.

અહીં તો દવાખાનાઓ વધતાં જાય છે તેમ તેમ દર્દીઓ પણ વધતા જાય છે. કારણ દવા પણ ભેળસેળવાળી કે મુદત વીતી દવાઓ વાપરવામાં આવે અને બોગસ ડિગ્રી ધરાવતા ડોકટરો પોતાનો કારોબાર ચલાવતા હોય છે. જેના કારણે આમજનતા જ રીબાય છે. અને નાછૂટકે આમજનતાને ડોકટરોનો સહારો લઈ તેને ભગવાન માની જે દવા આપે ને સારવાર આપે જેટલો ચાર્જ લગાવે, તે દેવું કરીને ચુકવવા મજબૂર બનવું પડે છે.

જ્યારે વિદેશમાં આપણા દેશ જેટલા દવાખાનાઓ જોવા નહીં મળે અને દવાની દુકાનમાં પણ ડૉકટરની ચીઠ્ઠી વગર દવા મળશે જ નહીં કે મેડીકલ સ્ટોર્સ પણ બહુ ઓછા જોવા મળશે અને બીમારી પણ ઓછી થાય છે. આમ સરકારી યોજનાથી મોટામાં મોટો ફાયદો દવા કંપનીઓને ડોકટરોને અને મેડીકલ એજન્સી તેમજ વીમા પોલીસીવાળાને થતો હોય એવું સ્પષ્ટ જણાય છે.

સુશિક્ષીત લોકો પણ હોસ્પિટલોના મોટા મોટા બીલો ભરે છે અને વીમા કંપની પાસેથી તે મુજબ દાવાઓ કરે છે. અશિક્ષિત લોકો જેને કશી ખબર જ પડતી નથી તેઓ ડોકટરને પોતાની જાતને સમર્પિત કરે છે જેનો ભરપુર ફાયદો ડૉકટરો ઉઠાવે છે. મા-અમૃતમયી કાર્ડનો ઉપયોગ અન્ય દર્દી માટે કરી સરકાર પાસેથી નાણા ઉગવી લે છે. આ યોજના એક વ્યવસાય રૂપે બહાર આવી ગઈ હોય એવું જણાય છે અને એજન્ટો અને ડૉકટરો મળીને આ યોજનાનો ભરપુર ફાયદે ઉઠાવે છે. સરકારે પણ આ બાબતે વિચારવું જોઈએ, કારણ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જ માર્યો જાય છે. અને એક રોગ મટાડવા જતાં શરીરમાં બીજા ઘણા રોગો પૈસી જાય છે અને લેબોરેટરીના ટેસ્ટીંગના બહાને જુદા જુદા ટેસ્ટો કરાવી ડૉકટરો પોતાનું કમિશન મેળવી લે છે.

પરમાત્મા આવા ડોકટરોને સદ્‌બુદ્ધિ આપે એવું ઈચ્છીએ.

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

Post your comment

Comments

No one has commented on this page yet.

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates