અંતર વ્યથા એક ગૃહિણીની

અંતર વ્યથા એક ગૃહિણીની - ડૉ. અલકા એસ. શાહ, વડોદરા

પિંકી : મમ્મી, તારા આ રેડિયોના ભજનનું વોલ્યુમ થોડું ઘટાડને, મને મોબાઈલ પર મારી ફ્રેન્ડનો ફોન આવ્યો છે. કંઈ જ સંભળાતું નથી.. વળી તું કેટલા જોરજોરથી આ ભજનોની સાથે લલકારે છે! આ ઘર છે કે મંદિર એ જ નથી સમજાતું!!’

આલાપ : ‘મમ્મી, ક્યાં ગઈ? જલદી જલદી કંઈક મસ્ત મજાનું ખાવાનું બનાવી દે ને. બહુ જ ભૂખ લાગી છે. પણ ફટાફટ કરજે હો. મારે પાછું મારા ફ્રેન્ડ રિશીના ઘરે ‘પીએસ ફોર’ રમવા જવાનું છે. ના.. ના.. હું નાસ્તો જ કરીશ. જમીશ નહિ. તેં મારું જમવાનું બનાવ્યું શું કામ? અને મને તો આ શાક નથી ભાવતું. જલદી ફટાફટ મેગી બનાવી દે. અને હા. મમ્મી તારા બનાવેલા નાસ્તા બધા તળેલા હોય છે એવા ચકરી - ચેવડામાં મને રસ નહિ. પીઝા-પાસ્તાની જ મજા હોય છે, એવું બનાવને મમ્મી... ઉષા આન્ટી કેવી સરસ ફ્રેન્કી બનાવે છે. તું શીખી લેતી હોય તો- આ ભાખરી-થેપલામાંથી તો અમને મુક્તિ મળે. મમ્મી બનાવને જલદી જલદી મેગી..’

પ્રિયા : ‘ભાભી, હું કૉલેજમાંથી આવી ગઈ. આજ મારી ફ્રેન્ડ અદિતિની બર્થ-ડે હતી એટલે અમે બધા ડોમીનોઝમાં ગયેલા. શું મજા આવી... અરે અમે તો બધાએ કેકની એવી મસ્તી કરી ને કે અદિતિનું આખું મોં જ કેકથી ચિતરી નાખ્યું. ખાધી ઓછી ને બગાડી વધુ એમ નહિ, પણ અમે બહુ મસ્તી કરી એવું કહેવાય ભાભી... આજે જમવામાં મારી તો ગણતરી જ ન કરતા. મારું તો પેટ એકદમ જ ફુલ છે. હવે ખાલી આઈસક્રીમ જેટલી જ જગ્યા પેટમાં બચી છે. હમણાં મારું ગ્રુપ સાથે મળીને ડેરી ડેનમાં જવાના છીએ એટલે રાત્રે હું મોડી આવીશ હો.. મારી રાહ ન જોતા. ચાલો હું તૈાર થવા જાઉં છું. તમે મારો પેલો યલો ડ્રેસ તૈયાર રાખ્યો છે ને.. ભાભી.. મેં તમને સવારે કીધું હતું ને એ..’

સાસુમા : ‘અરે શૈલા, ક્યાં ગઈ..? વહુ દીકરા, મને ગરમ પાણીની થેલી આપ. આજ પગ બહુ જ દુઃખે છે. જરાય ઉપડતો જ નથી. ના.. ના.. કસરત તો નહીં જ થાય. હો. કહેતી જ નહિ. દુઃખાવાની ગોળી ગળી લઈશ ને મૂવ લગાડીશ ને શેક કરીશ તો ફરક પડી જશે. પણ હા.. બીજા કામ પછી કર. શૈલા મને પહેલા ગરમ પાણી કરીને ઝટ આપી જા ને..’ ‘મસાલાવાળી ચાની ચુસકી લેવાની મજા પડે.. એટલે એક કામ કર પહેલા થોડા ભજીયા બનાવ ને પછી શીરો ને કચોરી કરજે. રાત્રે ખાઈશું. અત્યારે તો એયને આરામથી બાલકનીમાં બેસીને ચા પીતાં પીતાં ભજીયા ખાઈશ હો.. જરા જલદી બનાવજે. ભજીયા બેટા.. ભૂખ બહુ લાગી છે..’

શૈલા : ‘લો. આ બધાની ફરમાઈશ સાંભળીને. એકને મેગી જોઈએ. બીજાને ગરમ પાણી ને ત્રીજાને ડ્રેસ. તો વળી સસરાજીને ગરમા-ગરમ ભજીયા.. ને ચા. આ એકલી શૈલાને કંઈ દસ હાથ છે? અને મારી આ કઢી-પુલાવની રસોઈ કોણ જમશે? અને આજે તો વીરલ પણ નાટકમાં જવાનું કહેતા હતા અને કહી ગયા છે તું જલદી પરવારીને મસ્ત તૈયાર થઈ જજે. આપણે ‘આજ જાને કી જિદ ન કરો.’ નાટક જોવા જવાનું છે. આ બધાની ફરમાઈશ પૂરી કરવામાંથી હું નવરી ક્યારે થઈશ ને ઉપરથી સાસુમાનો પગનો દુઃખાવો એટલે એ તો ઊભા જ નહીં થાય. નણંદબા તો ચાલ્યા આઈસ્ક્રીમ ખાવા. પીંકીને તો આ મોબાઈલમાંથી ફુરસદ નહીં મળે. મને કામમાં તો કોઈની મદદ મળશે નહિ. ને મળશે તો બધાની ફરિયાદ.. ગુસ્સો. કોને કહું આ બધું?’ સાચું કહું તો સ્ત્રી/ગૃહિણી એક મશીન છે એમ જ બધા માને છે અને મારી તો કોઈ વેલ્યુ જ નહીં. બસ બધા માટે આ શૈલા એક કામ કરતી, પગાર વગરની બાઈ જ છે... આ વાત ખરેખર એવી તો નડે છે કે શું કહું? મારા શોખ - ગમા- અણગમા બધું જ ભૂલી જવાનું છે. બધાને શું ગમશે. એમાં હું મારી જાતને જ ભૂલી ગઈ છું. કેટકેટલા અરમાનો સજાવેલા કે મન થશે ને એ ય.. ને બાલકનીમાં બેસીને નિરાંતે મનગમતું પુસ્તક વાંચીશ કે રેડિયો પર કોઈ મસ્ત ગીત સાંભળતાં સાંભળતાં હીંચકે ઝૂલ્યા કરીશ. અને વળી ક્યારેક મન થશે તો હાર્મોનિયમ પર મને ખૂબ ગમતા લાગેશ્રી રાગનો લાં..બો..રિયાઝ કરીશ. એ બધી મારી ઈચ્છાઓ તો જાણે પોટલું વાળીને કબાટમાં ક્યાંક છુપાવી દીધી છે. આ બધાની ખુશીઓ પાછળ બધાને ખુશ રાખવામાં મારામાંની ‘હું’જ. આ શૈલા જ ક્યાંક ખોવાઈ ગઈ છે. કાશ કોઈ લોગ દે મેરે બચપન કે વો દિન...’

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates