અંતર

અંતર - સુષ્મા કમલેશ શેઠ, વડોદરા

નજર સમક્ષ ભડભડ બળતી ચિતા જેવું જ બળી રહ્યુ હતું અનન્યાનું મન. અનરાધાર વહેતા અશ્રુઓ તેના ભૂતકાળને નહોતા ધોઈ શકવાના. પપ્પા જે બોલતા તે કડવા શબ્દો તેના કાનમાં ફરી પડઘાયા, ‘આમ સાવ અડકીને નહીં બેસવાનું. તેમનાથી અંતર રાખ.’ અને પછી પપ્પાના દેહ સાથે એ શબ્દોનાય અગ્નિસંસ્કાર થઈ ગયાં. હવે તેવી કચકચ કરનાર પપ્પા ન રહ્યા. સમજણી થઈ ત્યારથી લાકડા જેવા કડક સ્વરે બોલાયેલ આવાં વાક્યો તે વારંવાર સાંભળતી આવી હતી.

ગઈકાલે રાત્રે સોફાની નરમ ગાદી પર પગ લાંબા કરી તે નિરાંતે ટીવીના કાર્યક્રમ જોવામાં રત હતી ત્યારે જ ફોન રણકેલો. પપ્પા ઘરમાં હાજર હોત તો આમ સ્કર્ટ પહેરેલા પગને લાંબા ન કરવા દેત. ‘બેસવા ઊઠવાનું ભાનબાન છે કે નહીં?’ તેવું ચોક્કસ બોલ્યા હોત.

‘તમે મિસ. અનન્યા શાહ બોલો છો? તુરંત હિન્દુજા હોસ્પિટલ પહોંચો પ્લીઝ. આપના પેરેન્ટ્‌સને ગંભીર કાર અકસ્માત નડ્યો હોવાથી મેં તેમને અહીં દાખલ કર્યા છે. કન્ડિશન ઈઝ સીરિયસ. કમ સુન.’ ફોનમાં બોલનાર વ્યક્તિ પીઢ અને ગંભીર હતી તે અવાજ પરથી કળી શકાતું હતું.

અનન્યા બધું પડતું મૂકી, ટેક્સી કરી હિન્દુજા હોસ્પિટલ દોડી ગઈ. ટ્રોમા સેન્ટરમાં ધસી જતાં, સામેનું દૃશ્ય જોઈ તે રીતસર ભાંગી પડી. બેડ પર સુવડાવેલી તેની મમ્મી અર્ધ બેભાન અવસ્થામાં પીડાથી કણસતી હતી.

‘તેમને સારો એવો મૂઢ માર લાગ્યો છે બટ શી ઈઝ આઉટ ઓફ ડેન્જર પરંતુ તારા ફાધર... હીઝ કંડિશન ઈઝ ક્રિટીકલ.’ ડૉક્ટર જે બોલી રહ્યા હતા તે સાંભળવા અનન્યાના યુવાન કાન તૈયાર નહોતા.

‘આ કેવી રીતે? ક્યાં? ક્યારે?’ મનમાં ઊઠેલા એ બધા સવાલોનો જવાબ મેળવવા કરતાં ભાનમાં આવેલા પપ્પાએ ખોલેલી આંખો જોઈ અનન્યા તેમની પાસે દોડી ગઈ હતી.

‘બેટા, કબાટમાં કાગળ... મને માફ કરજે. સોરી.’ ત્રૂટક સ્વરે એટલું માંડ બોલી તેઓએ આંખ મીંચી દીધી. હંમેશને માટે. જાણે એ એક વાક્ય કહી દીધા બાદ ચિર-નિદ્રામાં પોઢી જવા માટે જ અનન્યાની આવવાની તેઓ રાહ જોતા હતા. ધુંધળી થઈ ગયેલી યાદો મનમાં ફરી ઊપસી આવી. પપ્પા દ્વારા વારંવાર ધુંટાતું એક વાક્ય સતત કાનમાં પડઘાયા કરતું, ‘પરાયા પુરુષોથી અંતર રાખવાનું. બહુ ખાખા ખીખી નહીં કરવાનું. આવા લૉ-નેકના કપડાં નહીં પહેરવાના.’ એ માત્ર એક બાપના હોદ્દાની રુએ જમાવાતું આધિપત્ય નહોતું, તેમાં ભારોભાર ચિંતા પણ ભળેલી હતી તેવું સમજતા આઝાદ યુવાની ઈચ્છતી બેફિકર અનન્યાને વાર લાગી હતી. સાવ નાનકડી ત્રણ વર્ષની હતી ત્યારે પપ્પા કહેતા, ‘ફ્રોક નીચું કર. આમ ન બેસાય. ચડ્ડી ન દેખાવી જોઈએ.’ અને મમ્મી એ સાંભળીને તેને પરાણે લેગીંગ અથવા પેન્ટ પહેરાવી દેતી. ‘બિચારીને શું ભાન હોય? કેવી નાનકડી નિદરેષ છે. તમેય...’ મમ્મી વાક્ય પુરું કરે તે પહેલાં જ બે કરડી આંખો તેને ચુપ કરી દેતી.

‘એ નિદરેષ છે માટે જ. જોનારની નજર નિર્દોષ ન હોય ને.’ પપ્પા આમ શાથી બરાડતા તે નાનકડી અનન્યાને સમજાતું નહીં. પછી તો તેને કદીયે ડ્રાઈવર જોડે ક્યાંય એકલી ન મોકલાતી. સર પાસે ટ્યુશન લેવાની સખત મનાઈ હતી. મેડમ હોય તો વાંધો નહોતો લેવાતો. અરે! ડોક્ટર પણ લેડી હોય તો જ દવાખાને જવાનું તેવું પપ્પાનું ફરમાન છૂટેલું. સિનેમા હોલમાં પણ ખાસ ચોકસાઈ રખાતી કે તેની આજુબાજુની સીટમાં તેના પપ્પા અને મમ્મી જ હોય તે રીતે બેસવાનું રહેતું એ જાણે વણલખ્યો નિયમ હતો. સુમીતઅંકલ અથવા પપ્પાના મિત્રો આવે ત્યારે કહી દેવાતું, ‘તું અંદર તારી રુમમાં જા.’ અનન્યા મુગ્ધાવસ્થા વટાવે તે પહેલાં તો રાત્રે સાત પહેલાં ઘરે પરત આવી જવાનું, બસ કે ટ્રેનમાં ક્યાંય એકલા નહીં જવાનું, કોઈ છોકરા સાથે હસીને વાતો નહીં કરવાની, કાકા, મામા, માસા કે ફુઆની સાથે અદબપૂર્વક વર્તવાનું... ઓહોહો... પપ્પા દ્વારા કેટલીયે પાબંદીઓ લગાવવામાં આવેલી.

અનન્યાને રડવું આવી જતું. તે મમ્મીને એ અંગે ફરિયાદ કરતી, ‘મારા પપ્પા કેમ આવા છે?

મારી સહેલીઓને તેમના ઘરેથી બધી જ છૂટ મળે છે. મારે એકલીએ ઘરમાં જ ગોંધાઈ રહેવાનું? શું પપ્પાને મારા પર વિશ્વાસ નથી?’

‘બેટા, જમાનો ખરાબ છે. તું વાંચે છેને પેપરમાં? દરરોજ કેવું કેવું બનતું હોય છે.’ તેની મમ્મી તેને સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન કરતી. અને પપ્પા આમ સાવ અચાનક ચાલ્યા ગયા. માથેથી છત્ર ઊડી ગયું પરંતુ ઊપર ખુલ્લું આકાશ હતું. મોકળાશ હતી. જાત પરના બંધનો ફગાવી દઈ ઊડી જવા માટેની સ્વતંત્રતા હતી. બંધ રહેતું પીંજરું ખુલી ગયેલું. ઘરમાં તાજી નવી હવા પ્રવેશી ગઈ.

સ્મશાનમાં પપ્પાની બળતી ચિતા સામે અનન્યા ઊભી હતી. સુમીતઅંકલ આવ્યા. તેને ખભે હાથ મૂકી સહેજ દબાવ્યો પછી હળવેકથી તેની પીઠ પસવારી. અનન્યાને તે જરાય ન ગમ્યું. ‘મેં મારો જીગરી ગુમાવ્યો.’ કહી તેઓ અનન્યાને વિચિત્ર રીતે તાકતા રહ્યા. ખૂબ અજુગતું લાગતું હતું. એ નજર અકળાવનારી હતી. પહેલાં સુમીતઅંકલ તેને આવી રીતે નહોતા જોતા. અનન્યાએ દૂર ખસી જઈ બે હાથ જોડ્યા. તેઓ પણ સામે બે હાથ જોડી રવાના થઈ ગયા. મમ્મીને હજુ હોસ્પિટલના આઈ. સી. યુ.માંથી રજા નહોતી મળી. હોસ્પિટલ જતાં પહેલાં અનન્યા ઘરે ગઈ. આજે ઘર સાવ કકળાટ વગરનું ખાલીખમ ભેંકાર ભાસતું હતું.

પપ્પાના ફોટા સામે તે ઊભી રહી, ‘બોલો પપ્પા, કંઈક તો બોલો. જુઓ આજે મેં પંજાબી ડ્રેસ પર લાંબો મોટો દુપટ્ટો પહેર્યો છે. ગમ્યું ને તમને? પણ... પણ સુમીત અંકલ મને જે રીતે જોતા હતા તે મને જરાય ન ગમ્યું.’ આંખોમાં ધસી આવેલાં આંસુ તેણે હળવેકથી લૂછયા અને તેને પપ્પાના છેલ્લા શબ્દો યાદ આવ્યા. તેમના કબાટમાં રાખેલા કોઈ કાગળની વાત તેમણે કહી હતી. અનન્યા તેમના રૂમમાં ગઈ અને કબાટમાં કાગળ શોધવા માંડી. વ્યવસ્થિત ગોઠવાયેલ શર્ટની થપ્પી નીચે સાચવીને ઘડી વાળીને મૂકેલો એક કાગળ ડોકાયો. અનન્યાએ તે સેરવી લઈ પર્સમાં મૂક્યો અને હોસ્પિટલ જવા નીકળી. મમ્મીની તબિયત સુધારા પર હતી તે જાણી તેને રાહત થઈ. આઈ.સી.યુ.ની બહાર બેઠાં બેઠાં તેણે પપ્પાનો પત્ર વાંચવા માંડ્યો.

‘મારી મીઠડી દીકરી અન્નુ, જાણું છું તું મને હિટલર પપ્પા કહે છે, તને થતું હશે કે તારા પપ્પા કાયમ તને દરેક બાબતે ટોક્યા કરે છે, તને અમુક પ્રકારની છૂટછાટ નથી આપતા. તેની પાછળનું કારણ એ છે કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તને ગુમાવવા નથી માંગતો. મને સતત એ ચિંતા રહે છે કે તારી મમ્મી સાથે જે થયું તે તારી સાથે ન થવું જોઈએ. આય એમ સોરી. મને માફ કરજે. કદાચ વાંક મારો પણ છે પરંતુ હું નહોતો જાણતો કે પરિણામ આવું આવશે. બેટા, તું એક બાબતથી તદ્દન અજાણ છે કે વર્ષો પહેલાં મેં ધંધામાં મોટી નુકસાની કરી હતી. નાદારી નોંધાવાની તૈયારી હતી. આપણે તદ્દન રસ્તા પર આવી જાત. માથે જાણે મુસીબતનો પહાડ તૂટી પડ્યો. તું માંડ દોઢેક વર્ષની હોઈશ. તે વખતે સુમીત મારી મદદે આવ્યો. એક દોસ્તને નાતે તેણે મને ઘણી મોટી આર્થિક સહાય કરી. મારા ધંધાની ઊતરી ગયેલી ગાડી પાછી પાટે ચડી ગઈ. તેનો હું જેટલો આભાર માનું તેટલો ઓછો પરંતુ મને શું ખબર કે હું એ આભારના ભાર તળે દબાઈ જઈશ. એ ઘટના બાદ આપણે ત્યાં સુમીતની અવરજવર વધી ગઈ. તે આવે ત્યારે તારી મમ્મી માટે કંઈકને કંઈક મોંઘી ગીફ્ટ લેતો આવે. પછી તો રીમાના કબાટમાં મોંઘા બ્રાન્ડેડ ડ્રેસ, પરફ્યુમ્સ, હીરાની વીંટી વગેરે દેખાવા માંડ્યા. મેં એ તરફ બહુ ધ્યાન નહોતું આપ્યું. હું મારા કામધંધામાં ગળાડૂબ ખૂંપેલો રહેતો.’

કાગળ પર પડેલા આંસુના ટીપાંએ અમુક શબ્દો ધોઈ નાખ્યાં હતાં. ગરમ કોફીનો કપ મોઢે માંડી હોસ્પિટલની વેઈટીંગ લાઉન્જમાં બેઠેલી અનન્યાએ પત્ર આગળ વાંચવા માંડ્યો.

‘તારી મમ્મી રીમા પહેલેથી અત્યંત દેખાવડી અને ફેશનેબલ. ઉપરાંત તેને બ્રાન્ડેડ ચીજવસ્તુઓનો પણ ગજબનો શોખ. હું તેના એ મોંઘા શોખ પૂરા કરવા અસમર્થ હતો. સુમીત આવવાનો હોય ત્યારે તે લો-કટ નેકવાળા ચપોચપ કે પગ દેખાય તેવા ટૂંકા રિવીલીંગ ડ્રેસીસ પહેરતી. દરરોજ કરતાં વધુ સરસ તૈયાર થતી. છાતી પરથી સાડીનો પાલવ સરકી જવા દેતી કે પછી મને એવું લાગતું? ના. એ મારો વહેમ નહોતો. ધીમે ધીમે એ શંકા સાચી ઠરવા માંડી. પછી મારી અને રીમા વચ્ચે ઝગડા થતા પરંતુ હું સુમીતને કંઈ કહી નહોતો શકતો. મારું ઘર બચી નહોતું ગયું પણ ભાંગી ગયું હતું. મારા અને રીમાના સંબંધોમાં તિરાડ પડી ગઈ પરંતુ હું તમને નહોતો છોડી શકતો કે નહોતો સુમીતને કંઈ કહી શકતો. ધંધાકિય સમસ્યાએ મને અંદરથી તોડી નાખેલો. મારી બધી અકળામણ, ગુસ્સો તારા પર ઢોળાતા. હું મારી અન્નુ માટે વધુ પડતો પઝેસીવ બનતો ગયો. સારો પતિ ન બની શક્યો તેથી સારો પિતા બનવા ચાહ્યું. પત્ની પર માલિકીભાવ ન રાખી શક્યો માટે પુત્રી પર તે જતાવવા માંડ્યો. અભાનપણે કે સભાનપણે તું વધુ પડતી છૂટછાટ ન લઈ લે તેની સાવધાની હું રાખતો. ઊંડે ઊં ડે એ જ ચિંતા હતી કે કોઈ તારો ગેરલાભ ન ઊઠાવે અથવા ક્યાંક ફસાવી ન દે. શું એ મારો વાંક હતો કે મારા બદલાયેલા સમય અને સંજોગોએ ઊભી કરેલી અસહ્ય પરિસ્થિતિ? સુમીતે પાથરેલી જાળમાં અમે ફસાઈ ગયા હતા પરંતુ હું તને બચાવી લેવા માંગતો હતો. બેટા, કેટલીક લાગણીઓ રૂબરૂમાં કહીને પ્રદર્શિત નથી કરી શકાતી માટે જ આ પત્ર લખી રહ્યો છું. મને માફ કરશેને? આશા છે તું મને સમજી શકશે. ખેર! તારી મમ્મી તો ન સમજી. હું હંમેશા તારી આસપાસ નહીં હોઊં તારું ધ્યાન રાખવા. ખરુંને? પ્લીઝ ટેક કેર.

તને અતિશય ચાહનારો,

તારો હિટલર પપ્પા.’

અનન્યાની આંખો છલકાઈ ગઈ. તેણે કાગળ ઘડી વાળીને પાછો પર્સમાં મૂકી દીધો. તે મમ્મી પાસે અંદર ગઈ. રીમાએ આંખો ખોલી. પહેલી વાર અનન્યાએ જોયું કે તેની મમ્મી સપ્રમાણ દેહસૌષ્ઠવ ધરાવતી ખુબ સુંદર સ્ત્રી હતી. તેણે રીમાને છેક ગળા સુધી ખેંચીને ચાદર ઓઢાડી દીધી.

‘તારા પપ્પા?’ રીમા પૂછી રહી હતી.

‘ગયા.’ અનન્યાને ગળે ડૂમો બાઝ્યો પરંતુ તે તેની મમ્મીને ગળે ન વળગી શકી. ઔપચારિક રીતે મળીને તે રૂમ બહાર નીકળતી હતી ત્યાં સામે તેના સુમીતઅંકલ મળ્યા.

‘અનન્યા બેટા, કેમ છે તારી મમ્મીને? ચિંતા ન કરતી, હું છું ને.’ સુમીતે હું પર ભાર દઈ કહ્યું.

‘તેને સારું છે. આઈ.સી.યુ.માં કોઈને પણ મળવાની મનાઈ છે. સુરક્ષિત અંતર રાખવું જરૂરી છે. તમારી જરૂર નથી અંકલ, પ્લીઝ જાઓ.’

અનન્યાને મુખેથી આવા સખત શબ્દો સાંભળી સુમીત ડઘાઈ ગયો. અનન્યાથી આવું સીધું સપાટ બોલી જવાયું તેની તેને પોતાને નવાઈ લાગી.

‘શું હું કોઈ છું? મને તારો પોતાનો ગણ બેટા.’ તેઓ ખચકાતા બોલ્યા પરંતુ અનન્યાએ પોતાનું મોઢું ફેરવી દીધું. તેની આંખોમાં ન સમજાય તેવા અનપેક્ષિત ભાવો સુમીતને વંચાયા.

પછી તો રીમાને હોસ્પિટલમાંથી રજા અપાઈ. તે ઘરે આવી. અનન્યા તેની ચાકરી કરતી. પુરતું ધ્યાન રાખતી.

એક દિવસ તે પૂછી જ બેઠી, ‘મમ્મી, સુમીતઅંકલ સાથે તારા કેવા સંબંધો છે. મને સાચું કહે.’

રીમા ચોંકી. આંખમાં ધસી આવેલા આંસુ લૂછતી તે બોલી, ‘એ મારા જીવનમાં ક્યારે કેવી રીતે વણાઈ ગયો તે મને ખબર જ ન રહી. મિત્રતા લાગણીમાં પરિણમી અને હું જાણે તેના ચુંબકીય વ્યક્તિત્વ તરફ ખેંચાતી ગઈ. હું તેને મારી તરફ આકર્ષિત કરવાની પેરવીમાં રહેતી અને તે પણ... તારા પપ્પાના અને મારા રસ્તા ભિન્ન હતા. અમારાં રસરૂચી અલગ હતા પરંતુ તારે ખાતર મેં બધું ચલાવી લીધું. અનન્યા, તું અમને જોડતી સાંકળ હતી. બધું જેમ ચાલતું હતું તેમ ચાલવા દીધું. અમારી વચ્ચે અવારનવાર થતાં ઝગડા જાણે જીવનનો એક ભાગ બની ગયેલાં. હું સુમીતમાં એક આધાર શોધતી, હૂંફ શોધતી.’

રીમા પૂરું બોલે તે પહેલાં ડોરબેલ રણકી.

સામે પુષ્પગુચ્છ લઈ ઊભેલા સુમીતઅંકલને જોઈ અનન્યાનું મોઢું વંકાયું.

‘સુમીત?‘ રીમાનો મીઠો સાદ સાંભળી સુમીત અંદર આવ્યો.

ત્યાં તો અનન્યા ક્રોધથી વરસી પડી,

‘મમ્મી.’ અનન્યાની આંખોમાંથી ઝરતા તણખા રીમાથી સહન ન થયાં.

‘તારો સાડીનો છેડો સરખો કર. આમ ખી.ખી કરી નહીં હસવાનું. સુમીતઅંકલથી જરા અંતર રાખ. લગોલગ નહીં બેસવાનું. સમજાય છે તને?’ અનન્યા બોલી રહી હતી કે ભીતરથી કોઈ બોલાવડાવતું હતું?

‘અંકલ, પ્લીઝ તમારા ઘરે જાઓ. અર્ચનાઆંટી અને ચીંટુ તમારી રાહ જોતા હશે.’

અનન્યા સુમીતની આંખોમાં પોતાની આંખ પરોવીને બોલી. તેનો અવાજ આમ અચાનક રૂક્ષ શાથી બની ગયો? જાણે પપ્પા તેની અંદર ઘુસી ગયા હતા!

રીમા અને સુમીત તેને આશ્ચર્યથી તાકતા રહ્યાં.

 

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates