આનંદની ક્ષણો

આનંદની ક્ષણો - રોશની ગૌતમ શાહ, ભુજ

આજે ઘરમાં ફરીવાર ખુશીઓએ દસ્તક દીધી હતી. દેરાણી તન્વીને ફરી વાર સારા દિવસો રહ્યા હતા. ઘરમાં બધાનો આનંદ સમાતો ન હતો. દીકરો પાંચ વર્ષનો હતો અને તન્વીને બીજીવાર મા બનવાનું સૌભાગ્ય મળી રહ્યું હતું. જેઠાણી સીમા પણ બહુ જ ખુશ હતી. પણ તેને આ ખુશીમાં રહી રહીને વિષાદ છવાઈ જતો હતો. તેના લગ્નને દસ વર્ષ વીતી ગયા બાદ પણ તે માતૃત્વથી વંચિત રહી હતી. આ દુઃખ તેને સતત ડંખ્યા કરતું. દેરાણી-જેઠાણી વચ્ચે અપાર સ્નેહ અને સંપ હતો. તે પોતાનું બધું જ દુઃખ ભૂલીને દેરાણીની સારસંભાળ કરવા લાગી.

‘મને એક વિચાર આવ્યો છે. જો તમારી સહમતી હશે તો એક ઉત્તમ કાર્ય કરવાનો આનંદ મળશે.’ તન્વી તેના પતિ તુષારને કહ્યું. આપણે આપણું આવનારું બાળક સીમાભાભીને સોંપી દઈને તેમના માતૃત્વને ખુશીઓથી ભરી શકીએ છીએ.’ તન્વીની વાત સાંભળી તુષારભાઈ થોડીવાર વિચારમાં પડી ગયા. તેઓ કંઈ જવાબ ન આપી શક્યા. આ નિર્ણય લેવા માટે તેઓએ પત્ની પાસે થોડો સમય માંગી લીધો. બંનેનો વાર્તાલાપ સીમાએ અનાયાસ સાંભળી લીધો.

રાત્રે પોતાના પતિ મનોજભાઈને દિયર-દેરાણીના વિચાર અંગે વાત કરી. એક તરફ તેને ખુશી હતી પણ તેનું મન એક માતાને તેના બાળકથી અળગું કરવા તૈયાર ન હતું. પતિ- પત્ની બંને નાના ભાઈ-ભાભીની ઉદાત ભાવનાને વંદી રહ્યા. સીમાએ મનોજભાઈને કહ્યું,‘મને એક વિચાર ઘણા સમયથી મનમાં આવી રહ્યો છે, આપણે એક બાળકને દત્તક લઈએ તો કેમ?’ સાંભળીને મનોજભાઈ કંઈ જવાબ ન આપી શક્યા. ‘આ માટે આપણે ફરી વિચાર કરશું.’ એમ કહીને તેમણે વાત પૂરી કરી પણ તેઓ આખી રાત સૂઈ ન શક્યા. પત્નીએ કરેલી રજુઆતે તેમને વિચાર કરતા કરી દીધા.

બીજા દિવસે સવારે બધા ડાઈનીંગ ટેબલ પર નાસ્તા માટે ભેગા થયા. વાતની શરૂઆત કરતાં મનોજભાઈએ માતા-પિતાને સંબોધીને કહ્યું, આજ હું આપ સૌને એક અગત્યની વાત કરવા માંગું છું. આ બાબતે આપ સૌની સહમતી મેળવવા માંગુ છું. મેં અને સીમાએ બાળક દત્તક લેવાનો વિચાર કર્યો છે.’ તેઓએ પત્ની તરફ દૃષ્ટિ કરી તેની આંખોમાં આનંદ સાથે મૂક સહમતી હતી. નાના ભાઈ-ભાભીને કહ્યું, ‘તમારી વાત સીમાએ ગઈકાલે સાંભળી લીધેલી. તમારા બંનેની આવી સુંદર અને ઉચ્ચ ભાવના માટે અમને બધાને ઘણું જ માન છે.’ અને તેમણે બધી વાત માતા-પિતાને કહી. તેઓ પણ આ વાત સાંભળી ખુશ થયા. ‘હવે જો બધાની સહમતી હોય તો અમે દીકરી દત્તક લેવાનો વિચાર કરીએ છીએ.. તેમણે વાતનો દોર ચાલુ રાખ્યો. તેમની આ વાતને સહુએ વધાવી લીધી. સહુની મંજુરી મળી ગઈ. તુષારભાઈએ મોટા ભાઈ-ભાભીને કહ્યું. તમારી આ ભાવના માટે અમને બધાને ઘણું જ માન છે. એક બાળક દત્તક લેવાથી તે આપણા જીવનને ખુશીઓથી ભરી જ દે છે સાથે એ બાળકને માતા-પિતાનો સ્નેહ તેમજ છત્રછાયા મળે છે. પરિવારનું સુખ મળે છે. તેનું જીવન નવપલ્લવિત બને છે. જે ખરેખર સરાહનીય પગલું છે.’

બીજે દિવસે તેઓએ આ બાબતે અનાથઆશ્રમમાં જાણકારી મેળવવા માટે જવાનું નક્કી કર્યું. સીમાના આનંદનો પાર ન રહ્યો. તેનું હૃદય માતૃત્વની લાગણીનું અનુભવ કરવા લાગ્યું. ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. આ આનંદની ક્ષણોને મનોજભાઈએ કેમેરામાં કેદ કરી લીધી.

 

 

 

(કચ્છ ગુર્જરીના મે ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates