અમે વર્ધમાનનગરના રહેવાસી

અમે વર્ધમાનનગરના રહેવાસી - પંકજ રવિલાલ શાહ, વર્ધમાનનગર

ભુજ એટલે કચ્છનું મેઈન મોટું શહેર. ૨૦૦૧માં જ્યારે કચ્છમાં ભૂકંપ આવેલો તેના પછી ભુજથી ૮-૯ કિલોમીટર દૂર વર્ધમાનનગર તરીકે જૈનોની એક વસાહત. જે શ્રી કાંતીલાલ બાબુલાલ શાહ, આર. સી. શાહ અને અન્ય લોકોની મહેનતથી ઊભી કરવામાં આવી. આ વર્ધમાનનગરમાં ૧૦૦૦થી વધારે જૈનોના બંગલા બનાવવાનું નક્કી થયું અને તેના નિર્માણ વખતે અમેરિકાની સંસ્થા જૈનાના સહયોગથી ૧૦૦ વારના બંગલા બનાવવામાં ૪૦% જેવી સહાય મળેલ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે પણ જૈના તરફથી બસ, એમ્બ્યુલન્સ, સ્કૂલ, હોસ્પિટલ, કોમ્યુનિટી હોલ જેવી સુવિધા કરી આપવામાં આવી અને ૧૦૦ વારના છોડીને બાકીના લોકોએ પોતાની રીતે ૧૫૦ વાર કે ૨૦૦ વારના કોઈએ પ્લોટ, તો કોઈએ સમાજ બનાવીને આપે એ રીતે તૈયાર બંગલા લીધા. કોઈએ ખરેખર રહેવા માટે તો કોઈએ ભવિષ્યમાં રહીશું એમ વિચારીને લીધા. વર્ધમાન એટલે જે હંમેશા વધે, પ્રગતિ કરે એવું નગર. તમે કોઈની પણ પાસે આ જમીનની ચકાસણી કરાવશો તે ખબર પડશે કે તેના કણકણમાં એવી ઉર્જા છે કે જેમની પરિસ્થિતિ પહેલાં સારી ન હતી તે પણ અહીં રહીને પોતાની મહેનતથી સારી પ્રગતિ કરી છે. બાકી બીજા નબળા ૧૦/૧૨ કુટુંબ એવા છે કે જે ઉંમરના હિસાબે પોતે કે ઘરમાં બીજા કમાવાવાળા નથી તેથી તેમની પરિસ્થિતિ સારી નથી.

હું ૫૨ વર્ષનો અને મારી પત્ની ૫૦ વર્ષની છે. અમે જ્યારે મુંબઈથી વર્ધમાનનગરમાં મારા બંગલા નંબર પીએ-૧૮માં રહેવા આવવાનું વિચાર્યું અને ઓળખીતા પાડખીતાને વાત કરી કે તરત બધા જ કહેવા લાગ્યા કે ભાઈ આવી ભૂલ નહીં કરતો. મુંબઈમાં સરસ રીતે સેટ છો. પોતાની જગ્યા, સેટ થયેલો ધંધો, બે જગ્યાએ સમાજની કમિટીમાં છો અને તારા કામથી બધા ખુશ છે. આ બધું છોડીને ત્યાં જઈશ, કે જ્યાં તમારાં કોઈ ઓળખીતા પણ નથી, તમે પસ્તાશો. તે છતાં પણ અમે ૨૯ ડિસેમ્બર-૨૦૧૯થી અહીં હંમેશને માટે રહેવા આવી ગયા છીએ અને આજે અમારા નિર્ણયથી અમે ખૂબ ખુશ છીએ.

બે અઢી વર્ષ પહેલાં આ વર્ધમાનનગરનો પૂરો વિસ્તાર માધાપર ગ્રામ પંચાયતની અંદર આવતો હતો પણ હવે તેમાંથી એક મોટોભાગ વર્ધમાન નગરની પોતાની ગ્રામપંચાયત બની અને તેની ઓફીસ વર્ધમાનનગરના ગેટ નંબર ૧ની પાસે જ છે. જેના સરપંચ જ્યોતિબેન હેમંતભાઈ વિકમશી પણ વર્ધમાનનગરના જ છે. જે અહીંની પ્રગતિ માટે કાર્ય કરવા હંમેશા તત્પર હોય છે. તે સાથે હવે ડિસેમ્બર-૨૦૧૯થી વર્ધમાનનગર ઓનર્સ એસોસિએશનની નવી કમિટી બની છે. જેની એક ખાસિયત એ છે કે તેના પ્રમુખ રાહુલભાઈ મોહનલાલ મહેતા, ટ્રસ્ટી શ્રી ધીરજભાઈ હંસરાજ પારેખ, મંત્રી હસમુખભાઈ વોરા અને દીપકભાઈ લાલન વગેરે દરેકે દરેક ૧૯ કાર્યકર્તાઓ વર્ધમાનનગરમાં જ રહેનાર વ્યક્તિ છે. તેઓએ હમણાં થયેલ એજીએમ મિટિંગમાં અહીંના રહેવાસીઓ માટે હજી કઈ સગવડ વધારી શકાય અને તે માટે તેઓ હવે કેવી રીતે પ્રયત્નશીલ રહેશે તેની જાણકારી આપી. જેમાં આપણે ગ્રામપંચાયતનો પાણી ન વાપરતા પોતાના બે બોર તો છે, પણ તેના પાણીની સાથે નર્મદાનું મીઠું પાણી હજી વધારે દિવસ મળે તે માટે તથા તેના જેવી હજી બીજી સગવડ વધારવા તેઓ મહેનત કરશે. જે કાર્ય ખરેખર વખાણવા લાયક બનશે.

નોર્થ સાઈડના વર્ધમાનનગરમાં ખૂબ જ સુંદર શીતલનાથદાદાનું દેરાસર, યાત્રિક ભવન અને નાની હોસ્પિટલ છે. તો સાઉથ સાઈડમાં તેનાથી પણ મોટું ખૂબ જ સુંદર વિમલનાથ દાદાનું જિનાલય છે. તેની સામે અચલગચ્છનો ઉપાશ્રય, તપગચ્છનો ઉપાશ્રય, આયંબિલશાળા અને બાજુમાં દાદાવાડી છે. તેનાથી થોડા આગળ છ કોટી, આઠ કોટી મોટીપક્ષ, નાની પક્ષના સ્થાનક. ઉંમરના હિસાબે વિહાર ન કરી શકે તેવા સાધુ ભગવંતોના સ્થિરવાસ માટે વૈયાવચ્ચ કેન્દ્ર છે. જેનું ઉદ્દઘાટન ૨૯ ડિસેમ્બર-૨૦૧૯ના થયું છે.

અહીં બાળકો માટે સ્કૂલ, ચાર ગાર્ડન+મેદાન અને ગ્રામપંચાયતે બનાવેલ સ્મશાન છે. જીવદયાના કામ કરવાવાળા ગ્રુપો છે. તો કોઈપણ ગચ્છના સાધુ-સાધ્વીજીના વિહારમાં તેમની સાથે રહીને સેવા આપે એવા વિહાર સેવા ગ્રુપ પણ છે. અહીં વર્ધમાનનગરમાં રહેતા ભુજ માનવજ્યોત સંસ્થાનાં પ્રમુખ પ્રબોધભાઈ મુનવરનાં માર્ગદર્શન હેઠળ જીવદયા અને માનવસેવાની ૪૦ જેટલી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જેમકે પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલીઘર અને પશુને ખાવાપીવા માટેની કુંડી, ડ્રગબેંક, નિરાધાર વૃદ્ધોને નિઃશુલ્ક ટીફીન, શિયાળામાં ધાબળા, ચોમાસામાં તાલપત્રી, ઉનાળામાં છાસ વિતરણ અને સૌથી વખાણવાલાયક કાર્ય કોઈપણ પાગલ લોકોને લાવીને આશ્રમમાં રાખી તેમનું પાગલપન દૂર કરી વ્યવસ્થિત બનાવી અને પાછા સમાજમાં મોકલાવીને માનવસેવાનું કામ કરે તે છે. તેમની જીવદયા, માનવસેવા અને પર્યાવરણ સેવા જેવી પ્રવૃત્તિઓને કારણે ૧૮ જેટલાં એવોર્ડ તો મળી ચૂકેલા હતાં અને હમણાં યુગાંતર ૨૦૨૦નો એવોર્ડ પણ તેમને મળ્યો છે. અહીં ધીરજભાઈ પારેખ જેવા દાનવીર લોકો પશુઓને ટ્રક ભરીને ઘાસચારો પણ આપે છે. અહીં અહીં બહેનો માટે સહિયર નામનું સોશિયલ ગ્રુપ છે તો સામાયિક મંડળ, પૂજા મંડળ વગેરે ગ્રુપો પણ છે. અહીં કરોડપતિ તેમના દિલથી બનાવેલા બંગલામાં અને આપણા જેવા માણસો પોતાના બંગલામાં પરિવાર સાથે આનંદ અને સુખશાંતિથી રહે છે.

ખરેખર તો ભુજ કરતાં અહીંની હરિયાળીના લીધે શુદ્ધ વાતાવરણ છે કે એમાં રહેવાવાળા લોકોની જિંદગીમાં બે-પાંચ વર્ષ તો વધી જ જાય. અહીં જેમના પોતાન વાહન ન હોય તેમના માટે વર્ધમાનગરની બસ માધાપર અને ભુજ માટે સવારે ૭થી રાતના ૧૦ વાગ્યા સુધી તેના ટાઈમટેબલ પ્રમાણે ફેરા કરે અને ગેટની બહાર મેઈન રોડ પરથી શેરેરિક્ષા પણ એજ ૧૦ રૂપિયામાં ફેરા કરે. બાકીની જરૂરિયાત માટે વર્ધમાનનગરનો ૧૫ માણસોનો સ્ટાફ છે. જીવનજરૂરિયાતની વસ્તુ અહીં ઘેર બેઠા મળે, તો સાધુ ભગવંતોને કલ્પે તેવા જયણાપૂર્વક ફરસાણ અને પેંડા બનાવીને વહેંચે એવા શ્રાવકો, જેને જરૂર હોય તેના ઘરે આવીને રસોઈ કરી જાય અને ૭૦ રૂપિયામાં પોતાના ઘરે પ્રેમથી આગ્રહ કરીને જમાડે તેવી શ્રાવિકા બહેનો પણ અહીં છે. તેમ છતાં મને એ નથી સમજાતું કે આજકાલની છોકરીઓ શા માટે લગ્ન કરીને વર્ધમાનનગર રહેવામાં વિચાર કરે છે? લોકો ભુજની આજુબાજુમાં બનતા નવા વિસ્તારોમાં માત્ર બિલ્ડર એક જૈન દેરાસર બનાવી દે એટલે તરત લાખો રૂપિયા ખર્ચીને રહેવા જાય છે. જ્યારે વર્ધમાનનગરમાં તેનાથી પણ વિશેષ સગવડો છે.

આ વખતની એજીએમ મિટીંગમાં સભાસદોના સૂચનો ઉપર કમિટીએ કહ્યું કે અમે થોડા સમયમાં એવાં પગલાં ભરવાના છીએ કે જે ઈન્વેસ્ટર અહીં બંગલા લઈને પોતે રહેતા નથી કે બીજા જૈન ભાઈઓને ભાડે દેતા નથી એવા મેમ્બરોને નોટિસ આપી તેમની સામે પગલાં લેશું. માટે જે લોકોના બંધ મકાનો અહીં છે તેમને આ લેખ સાથે તેમની ગેરસમજ દૂર કરીને અહીં રહેવાનું આમંત્રણ આપું છું.

આપ આવો, આ પ્રદુષણ રહિત વર્ધમાન -નગરનો આપણે સાથે મળીને હજી વધારે વિકાસ કરીએ.

 

 

(કચ્છ ગુર્જરી એપ્રિલ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates