માનવીએ ઘણું મેળવ્યું છે એમ કહે છે તો ખરું,
પણ ખરેખર માનવીએ ઘણું ગુમાવ્યું પણ છે ખરું.
‘ભલે પધાર્યા’ એમ લખાતું હતું ઘરને આંગણે,
‘કૂતરાથી સાવધાન’ લખાતું થયું હવે ઘર આંગણે.
પહેલાં મુશ્કેલીમાં સહુનો સહકાર મળતો હતો,
હવે મુશ્કેલીમાં બધાનો ફિટકાર મળતો થયો.
માણસાઈની જાળવણીમાં રાચતો હતો માનવી,
હવે પૈસાની પળોજણમાં રાચતો થયો માનવી.
એકાંતમાં પોતાપણું અનુભવતો હતો માનવી,
હવે ભર્યા શહેરમાં પણ એકાંત અનુભવે છે માનવી.
અન્યને તકલીફમાં સહાયરૂપ થતો હતો માનવી,
હવે અન્યને તકલીફ આપીને હસતો થયો માનવી.
થોડીક જરૂરિયાતમાં જીવતો હતો ખુશીથી માનવી,
આજે અઢળક વસ્તુઓ વચ્ચે પણ અધૂરો છે માનવી.
આમ જુઓ તો માણસે ફકત માણસાઈ ગુમાવી છે,
પણ તેમ જુઓ તો ઘણુંબધું ગુમાવી બેઠો છે માનવી.
(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)