અભરખો

અભરખો - સુષ્મા શેઠ, વડોદરા

‘આઈગ્યા મેડમ. બવ થાકી ગ્યા હસો નૈં? છે..ક દિલ્લી જઈ આયા.’ કચરાપોતાં કરીને પરવારેલી અઢાર વરસની રમલીએ નીરુના હાથમાંથી સૂટકેસ લઈ લેતાં કહ્યું.

‘ગાંડી, સોળે સાન આવી જાય પણ તું તો સાવ બબુચક જ રહી. એરોપ્લેનની મુસાફરી હતી તે બે કલાકમાં તો અહીંયા. પ્લેનમાં તે કોઈ થાકતું હોય?’ હસતાં હસતાં નીરુએ કામવાળીને ટપારી.

‘એટલે ઈ પલેન આમ બારેથી આવડું દેખાય ઈ અંદરથી કેવુંક હોય હેં? બૌ ફાસ્સ ઉડે? તમે ઈમાં બેહીને જાવ?’ પાણીનો ગ્લાસ ધરી ઉભેલી નિદરેષ રમલીએ ઉત્કંઠાસહ સાવ ભોળોભટ સવાલ પૂછયો.

‘બહુ સરસ. અંદર લાઈનબંધ બેસવાની આરામદાયક સીટો હોય, નાનકડી બારી બહાર બધું દેખાય. ઍર-હોસ્ટેસને કહીએ તે લાવી આપે.’

‘હેં..? બારીમંઈથીને નીચે બધું કેવુંક દેખાય? પલેન ઉપર આકાસમાં આમ છેક અદ્ધર ઉડે તો અંદર ડર નો લાગે?’ બાઅઅઅઆ! પડી જવાય તો? અને ઈ તમ હું બોઈલા? એરહોસટે ઈ કુણ?’ રમલીએ એકી શ્વાસે સવાલોની ઝડી વરસાવી.

વિમાનનું ચિત્ર જોયેલું. માથા પરથી ઉડતું વિમાન જોયેલું પરંતુ અંદરથી તે કેવું હશે. તેમાંથી બહાર બધું કેવુંક દેખાતું હશે તેવા જાતજાતના સવાલો રમલીના નાનકડા મસ્તિષ્કમાં રમ્યા કરતા. જેને ત્યાં ઘરકામ કરતી તે મેડમ ઘણીવર પ્લેનમાં મુસાફરી કરતા એવું રમલી જાણતી હોવાથી તે કુતુહલવશ ગાંડાઘેલા સવાલો પૂછયા કરતી પણ જવાબ સાંભળી તેને ખાસ સંતોષ થતો નહીં.

આકાશમાં ઉડતા વિમાનની ઘરઘરાટી સાંભળી. હાથમાંનું ઝાડુ ફેંકી દઈ ઘડીક માટે તે ફાટી આંખોવાળું પુતળું બની જતી. અચરજ અને ઉત્સુકતાથી જોયા બાદ નજર સામેથી વિમાન અદૃશ્ય થાય પછી જ કામમાં તેનું ચિત્ત ચોંટે. જોકે મગજમાં ભમતા વિચારોની વણઝાર અટકવાનું નામ ન લે.

‘અમારા ગોમમાં બસ નો આવે. છે..ક આંયથી તે ટેસનલગી જૈઈએ ઈટલું સાલીન જૈયેને, પસી રીકસા કે બસ મલે. આ પલેન અમારા ગોમ ઉપરથીયે ઊડે? ઈમાંથી મારું ઘર કેવુંક દેખાય હેં મેડમ?’ પૂછાતા સવાલોના જવાબમાાં સામું હાસ્ય પડઘાતું. રાત્રે સ્વપ્નમાં પોતે જાણે વિમાનમાં બેઠી હોય તેવા દૃશ્યોમાં વિહરતી. પણ સપનું એટલે સપનું. સપનાંની પાંખે સાચુકલું ઓછું ઉડાય? પલાંઠી વાળીને ટી.વી. સામે બેઠી હોય ત્યારે તેમાં વિમાન જોતાં, ઉભી થઈ સ્ક્રીનની લગોલગ રમલી પહોંચી જાય.

‘એમ કાંઈ નજીકથી ચિત્ર સારું ન દેખાય ગાંડી. હું તને એરપોર્ટ લઈ જઈ સાચુકલું પ્લેન બતાવીશ બસ!’ નીરુ તેને કહેતી.

‘કીયારે બતાવસો?’ તેની અધીરાઈ છાની ન રહેતી.

જે દિવસે મેડમે તેને એરપોર્ટ લઈ જવાનું નક્કી કર્યું તેની આગલી રાત્રે તેને કેમે કરીને નીંદર ન આવી. ‘કયા કપડા પેરીને જઉં? પલેન કેવી રીતે ઉડસે? કેવડુંક દેખાતું હશે? તેમાં બધા કેવી રીતે જતા હસે? પલેનનો ડરાઈવર કેવો હસે?? મેડમ કે’તાતા એરહોટેસ કેવી હસે?’ અનેક વિચારો તેના નાનકડા મગજમાં ઘૂમરાતાં રહ્યાં. મોઢું અકારણ હસુહસુ અને બંધ મીંચેલી આંખોના ડોળા પટપટ!

બીજા દિવસે તો સવારમાં વહેલું કામ પતાવીને તૈયાર થઈ ગઈ. પણ.. મેડમ તૈયાર નહોતા!

‘આજે નહિ જવાય. મહેમાન આવવાના છે.’ મેડમનું એ વાક્ય સાંભળી તેના ઉત્સાહ પર ઠંડું પોતું ફરી ગયું. નિરાશ વદને તેણે નવા કપડા બદલી નાંખ્યા અને ચૂપચાપ કામે વળગી. આંખમાં બોર જેવડા આંસુ તગતગ્યાં.

પણ મન જેનું નામ! તેમ ઓછું માને? મહેમાનોના ગયા પછી તે, મેડમને કહ્યા વગર બહાર નીકળી. મુઠ્ઠીમાં સોની નોટ દબાવી. રિક્ષા પકડી.

‘પલેન ઊભું રીયે ને ઉડેને, તિઆં લઈ ઝાવને.’ રિક્ષાચાલકને સૂચના આપી ત્યારે પેલાએ માથું ખંજવાળતાં તેના ચહેરાને તાકતાં પૂછયું, ‘ક્યાં? એરપોર્ટ?’

‘હોવવે...તીંયાં.’

‘પચાસ રૂપિયા થશે.’

‘હોવવે આલેસ.’

અને રમલી ઉપડી સપનામાં દેખાતા પરાણપ્યારા વિમાનને નિરખવા. પહોંચતાં, ઝટપટ પૈસા ચૂકવી ગેટ ભણી દોટ મૂકી. ટિકિટની માગણી કરતા સિકયુરીટી ગાર્ડે તેને અંદર ધસી જતી અટકાવી.

‘મારે ઝોવું છે. ઈમાં બેહવુંનથ..’ જાણે સામાને અક્કલ ન હોય તેમ તેણે સમજાવટમાં ભળેલ વિનંતીના સૂરે કહ્યું.

ત્યાં ઉભેલા બંને ગાર્ડ એકબીજા સામું જોઈ હસવા માંડ્યા. ‘અંદર નહિ જા સકતે. બહાર વહાં સે દેખો.’ એકે સામી તરફ આંગળી ચીંધી.

‘પણ મને અડકીને જોવા હય.’ રમલીએ આવડે તેવું સમજાવવાની કોશીશ કરી.

‘ઊસકે વાસ્તે ટિકિટ મંગતા.’

‘કિતને કા મલે?’ અબુધ રમલીને આવું પૂછતાં સાંભળી બંને ફરી હસ્યા અને જવાબ આપ્યા વગર પોતાનાં કામે વળગ્યા.

ઢીલા પગલે અને ભાંગેલા નિઃસહાય મને તેણે દૂર ઉભા રહી આવતા-જતા વિમાન જોયાં. અવનવા વસ્ત્રોમાં સજ્જ યાત્રિકો ઝડપથી સીડી ચઢતા અંદર જઈ રહ્યા હતા. આહા.. મોટી ઉંચી ગોઠવાયેલી સીડી હવે ખસેડી લેવાઈ. દ્વાર બંધ થતાં મોટાં મોટાં પૈડાં ઘરરર.. કરતાં ફર્યાં અને ક્ષણવારમાં તો દોડતું વિમાન ઘરઘરાટી બોલાવતું હવામાં અદ્ધર થઈ આકાશમાં અલોપ થઈ ગયું. રમલીની અનિમેષ નજરો કાચને પેલા પારથી ઉડતા વિમાનને નીરખતી જ રહી. ‘ઓ..’ ઉદ્‌ગાર કાઢતાં હોઠ ઘડીક ખુલ્લા જ રહી ગયા. બધા ગયા તોય તે હલી નહીં. આજે આવડું મોટું પલેન નજીકથી જોવાનો સંતોષ થયો. વળતી રિક્ષા કરી એ ઘરે પહોંચી.

***

‘મેડમ, પલેનમાં અંદર જવું હોય તો સું કરવાનું?’ મેડમનો સારો મૂડ જોઈ તેણે પૂછવાની હિંમત કરી જ લીધી. સુંદર સપના જોયે કંઈ ન વળે એટલી સમજ તો તેનામાં હતી જ.

‘ટિકીટ લઈને મુસાફરી. લે વળી બીજું શું? તારે ક્યાં જવું છે?’

‘ઝાવું તો કંઈ નૈ પણ ઈમાં બેહવું સે. કેવું ઉડે ઈ ઝોવું સે. બવ મજ્જા પડે નૈ? ઈ ઊડતું ઊડતું મારે ગોમ ઝાય?’

‘ના હોં. તારે ગામ ન જાય.’

‘તો કીંયા ઝાય? કેટલા પૈસા લાગે મેડમ?’

‘પૈસા તો બહુ થાય. તારા છ મહિનાને સામટો પગાર.’ નીરુ તેને નાસી પાસ નહોતી કરવા માંગતી. હકીકતથી વાકેફ જરૂર કરવા માંગતી હતી.

‘હું બીઝું વધારાનું કોમ કરી ડબલ કમાઉં તો તો તઈણ મહિના ને?’

‘હા. પણ તારે જવું છે ક્યાં?’

‘બસ બંબઈ જૈનં પાસી આવી જઉં. મુને ઝાવા દેસોને?’ રમલીની વિમાન પ્રવાસ માટેની ઉત્કંઠા ચરમસીમાએ જોઈ નીરુ કંઈ ન બોલી. તેણે પ્રેમથી એના માથે હાથ ફેરવ્યો.

પછી તો રમલી મંડી પડી. મેડમ પાસેથી રકમ ઉધાર લેવા નનૈયો ભણી રમલીએ બીજાં બે ઘરકામ કરી ચાર મહિનામાં જોઈતા રૂપિયા એકઠા કરી લીધા. ‘મારા પોતાના પૈસે જૈસ.’ તે બોલેલી. ગામમાં રહેતા પોતાના પરિવારનેય છેલ્લા ત્રણ મહિનાની બચતના રૂપિયા ના મોકલ્યા.

રાતવરત અંગ્રેજીની ચોપડી લઈને ભણવા બેસી જતી. ‘પલેનમાં જવું હોય તો ઈંગલીસ તો આવડવું જોવેને? કોઈ કંઈ પૂછે તો હમજ પડવી જોવે.’ થેંક્ યુ અને સોરી મેડમે શિખવાડેલાં તે તો આવડતાં જ હતાં. તે મનને સમજાવતી.

‘માય નેમ ઈઝ રમીલા, હાઉ આર યુ.’ અરીસા સામું જોઈ કેટલીયે વાર બોલી એકનું એક વાક્ય ગોખી નાંખ્યું.

દસ હજાર ભેગા થયા ત્યારે જાણે પગ જમીન પર નહોતા ટકતા. વિમાનમાં ઉડતા પહેલાં તે હવામાં ઉડવા લાગી. આખરે તેણે સેવેલું એક સપનું સાચું પડવાનું હતું.

‘હું પલેનમાં બેહવાની.’ તે સૌને પોરસાઈને કહેતી અને એક દિવસ મેડમ તેની વહારે ધાયા.

‘જો રમલી. હું તને એરપોર્ટ મૂકી જઈશ. ટિકીટ બુક કરી આપીશ. તારે વિમાનમાં મુંબઈ જઈ, તેમાં જ પાછું આવવાનું. અંદર તને સૂચના મળે તે મુજબ કરવાનું. ગભરાઈશ નહિ. તારું સપનું સાકાર થશે.’

‘હોવવે..’ ઉત્સાહથી ઉભરાતી રમલી બધું જ કરવા તૈયાર હતી.

‘તમેય હાઈરે હાલોને.’ ધીમા સ્વરે તેણે કહ્યું. પણ મેડમને ખબર હતી. ‘તે એકલી જશે જ.’

‘મારે એવું જવાનું શું કામ?’ તું તારે જા. કંઈ નહીં થાય.’ મેડમે સધિયારો આપ્યો.

થતું તો ઘણું હતું. એક તરફ ઉત્કંઠા, આતુરતા, આનંદ તો બીજી તરફ ડર, આશંકા અને ઉચાટ. છેવટે ઈચ્છા જીતી. એક અભરખો આંબવા રમલી કટિબદ્ધ થઈ.

***

મેડમે આપેલી લટકાવવાની મોટી લાલ પર્સમાં તેણે ટિકિટ, ઓળખપત્ર, રૂમાલ, પેન, કાંસકો મૂક્યા. ટિકિટમાં પોતાનું નામ ત્રણ વાર વાંચી ચેક કર્યું. જાણે મોટી પરીક્ષા આપવા જવાની હોય તેમ આગલા દિવસે મંદિરે ફૂલ, પ્રસાદ ચઢાવ્યા. સવારે વહેલી ઉઠી ભગવાનનું નામ લઈ નવું પંજાબી સૂટ પહેરી તૈયાર થઈ. પર્સમાં પેલી અંગ્રેજીની ચોપડી પણ કોઈ ન જાણે તેમ વાળીને મૂકી દીધી. નવા ચંપલ પણ લાવેલી. ‘મેડમ અને સાયેબ જેવા લોકો હાયરે પલેનમાં જેમ તેમ ઓછું જવાય?’ વિચારતાં મોઢા પર સાધારણ મેક-અપ પણ ચોપડ્યો. સામાનમાં પર્સ સિવાય ક્યાં કંઈ હતું? વડોદરાથી મુંબઈની એક કલાકની સફર અને વળી પરત વડોદરા ઘર ભેગી.

મેડમ કેટલા સારા! તેને ખાસ વીન્ડો સીટ અપાવેલી. ‘મેડમ, હું તમને બારીમાંથી બા..ય કરીસ હોં.’ તે ગાડીમાં બેસતાં બોલેલી. જેમ એરપોર્ટ નજીક આવતું ગયું તેમ પેટમાં ગુંચળા વળવા માંડ્યા. ઉલટી થવાની બીકે કશું ખાધું નહોતું. હાથપગ પાણી પાણી થઈ ઢીલા થવા માંડ્યાં.

વિમાન મથકે મેડમે ગાડી ઉભી રાખી. ‘ઉતર. જા. કંઈ નહીં થાય. મજા પડશે.’

નીરુએ તેનો હાથ દબાવતાં બને તેટલી હિંમત આપી.

રમલીએ ગાડીમાંથી ઉતરતાવેંત પેલા એ જ સિક્યોરીટી ગાર્ડને રુઆબભેર ટિકિટ બતાવી. રમીલાના ઘભરાયેલા મોઢા સામું એક દૃષ્ટિ કરી એણે. અંદર જવાનો ઈશારો કર્યો. મેડમે જેવું કરવાનું કહેલું તેવું બધું મનોમન ગોખઈ ગયા મુજબ તે બરાબર ચેક-ઈન કરી સિક્યોરિટી પસાર કરી ગેટ પાસે બેઠી. ભૂખ્યાને અન્ન મળતાં જેવો આનંદ થાય તેવો જ આનંદ રમલીના ચહેરા પર હતો. દરેક પેસેન્જરને તે નીરખતી હતી અને દરેક તેને.

બોર્ડિંગની ઘોષણા કાને પડતાં જ તે લાઈનમાં સૌથી આગળ ધસી જઈ પહેલી ઉભી રહી ગઈ. ‘સેક વાહેંથી વારો આવે. જગીઆ ભરાઈ જાય અને પલેન મને મૂકીને હાઈલું ઝાય તો?’ તેનું હાલક-ડોલક મન બોલ્યું.

મીઠું મલકાતી પરિચારિકાએ તેને થોડી વાર બાદ ઈકોનોમી ક્લાસ જોડે આવવાની સૂચન આપી. તે પાછળ ખસી ગઈ.

ટિકીટ બતાવી લાઈનમાં આગળ વધતાં તો બસ આવી! એ જોઈ તેના પેટમાં ફાળ પડી. ‘માય નેમ ઈઝ રમીલા. આઈ ગો ઈન એરોપ્લેન.’ તેણે ત્યાં ઉભેલા સ્ટાફ મેમ્બરને કહ્યું.

‘યેસ મીસ.’ મૂછમાં હસતા પર્સરનો જવાબ સાંભળી રાહત થઈ. વિમાન સુધી જવા માટેય પહેલાં બસમાં જવું પડે તે જાણી તેને અચરજ થયું. પલેનને અડકાડીને ગોઠવાયેલી સીડીના પગથિયાં સાવચેતીપૂર્વક ચઢતાં તેનું હૈયું બે ધબકારા ચૂકી ગયું.

બરાબર પોતાની સીટ શોધીને તે બારી પાસે ગોઠવાઈ. મેડમે કહેલું તે મુજબ થોડી ગડમથલ કર્યા બાદ સીટબેલ્ટ પહેરી લીધો અને બારી બહારના દૃશ્યો જોવામાં તલ્લીન થઈ ગઈ. ઘરેરાટી સાંભળતાં તેનાથી આંખો મીંચાઈ ગઈ. તેણે સીટનું હેંડલ જોરથી જકડી રાખ્યું. બાજુમાં બેઠેલા કાકાને હસવું આવ્યું. ‘પહેલી વાર?’ તેમણે પૂછયું.

‘યેસ, સોરી. થેક્ યુ.’ તે શું બોલી તે તેને જ ન સમજાયું.

હડદોલો વાગતા, ધીરે રહી આંખો ખેલી. તેણે લંબગોળ કાચ બહાર જોયું. પૈડાના સહારે દોડતું વિમાન હવામાં ઉંચકાઈ રહ્યું હતું. એઈ...ને માણસો અને મકાનો રમકડાના થતાં ગયાં.

રમલીને પાંખો ફૂટી. વડોદરા શહેરની ભાગોળ અને ભૂગોળ આખી જ દેખાવા માંડી. રસ્તે જતા વાહનોની કતાર જોઈ તેને કીડીમંકોડાની એક પાછળ એક જતી હાર યાદ આવી ગઈ. નદી, નાળા, ધોરી માર્ગ, ખેતર, મકાનો જાણ કુદરતે કરામત કરી સુવ્યવસ્થિત ગોઠવી દીધાં હોય તેવા દેખાયા. ક્યાંય સુધી તેણે આકાશની નજરે અવનિને મન ભરીને નીરખ્યા કરી. પછી તો રૂના પોલા જેવા વાદળો વચ્ચે વિમાન વિહરતું હતું અને રમલીનું મન સાતમા આસમાને!

‘આજ મૈં ઉપર, આસમાં નીચે..’ તેનું થનગનતું મન ગીત ગણગણતું હતું. વિમાન હવામાં સ્થિર થયું અને રમલીનું મન પણ. આવી રોમાંચક અનુભૂતિ પહેલાં ક્યારેય નહોતી અનુભવી. તેણે નિરાંત જીવે નાસ્તો આરોગ્યો. બાજુમાં બેઠેલા કાકા જોડે વાતો કરી. ઍર-હોસ્ટેસની દરેક હિલચાલ બારીકાઈથી નિહાળી. વિમાનનું લેન્ડીંગ અનુભવતાં ટમટમતી ઝાકઝમાળ રોશનીમાં નહાતું મુંબઈ શહેર નિહાળ્યું.

મુંબઈના વિમાનમથકે બે કલાકના હોલ્ટ વખતે રમલી બે કલાક પહેલાંની રમલી નહોતી રહી. તે ભરપૂર આતમવિશ્વાસથી છલોછલ પરિપકવ રમીલા હતી. જાહેરાતનું હોર્ડિંન્ગ ‘ડરકે આગે જીત હૈ’ વાંચતી તેની આંખોમાં અનેક ચમક હતી. તે બીજી વળતી ફ્લાઈટમાં પાછી ફરી ત્યારે તેના મનમાંનો બધો જ ડર ઓગળી ગયેલો.

હસતી પરિચારિકા સામું તે મીઠું હસી અને એક દૃઢનિશ્ચય કરી વિમાન બહાર નીકળી. ઘરે પહોંચી. ત્યારે શરીરમાંથી થાક અને ઉંઘ સદંતર ગાયબ હતાં. એક નવલા થનગનાટ સહ મેડમને એ ભેટી પડી.

પ્રફુલ્લિત રમલીની આંખોમાં ઉમટેલી કેટલીયે લાગણીઓ સાથે નીરૂએ તેનું ‘થેંક યુ’સાંભળ્યું. પોતાનો સુખદ અનુભવ ઉત્સાહપૂર્વક વર્ણવી તે નહાવા ગઈ. ક્યાંય સુધી અરીસા સમક્ષ ઍર-હોસ્ટેસની દરેક વર્તણુંકનું તેણે અનુકરણ કર્યા કર્યું. રાત્રે પરાણે ધસી આવતા વિચારોના વાવાઝોડાએ ઉંઘ વેરણછેરણ કરી.

બીજી સવારે સૌના જાગ્યા પહેલાં જાગી જઈ રમલીએ ઘરનું કામ પતાવ્યું. મેડમને કહ્યું, ‘હું દિવસભર કામ કરી સાંજે અંગરેજી સ્પીકીંગ તેમજ ઍર-હોસ્ટેસની ટ્રેનીંગના વર્ગો ભરીશ. જરૂરી પરીક્ષાઓ આપીશ. મારે એરહો સ્ટેસ બનવું છે.’

ખુશીનો આંચકો અનુભવતી નીરૂએ નોંધ્યું કે ત્યારપછી ફૂટેલી રમીલાના રાત-દિવસ એક થઈ ગયા. એકલવ્યની જેમ તેનું લક્ષ્ય પણ એક હતું. એક ધ્યેયે, એક ચિત્તે કોઈનાય અવલંબન વિના તેને ઉંચી ઉડાન ભરવા સિવાય આસપાસનું કશુંય દેખાતું નહોતું. અથાક મહેનત કરી તે ધીરજપૂર્વક પડકારોનો સામનો કરતી ગઈ.

લોકોની હાંસી, પરિવારનો વિરોધ, આર્થિક સંકડામણ, વિજાતીય આકર્ષણ, મોજશોખ અને ભાષાની મુશ્કેલીઓને ગણકાર્યા વગર ચિંતાના વાદળો વિખેરતી તે સડસડાટ ઉપર ઉઠતી ગઈ. પ્રાણપ્યારા વિમાનની જેમ જ. મંઝીલે પહોંચવું મુખ્ય હતું. બીજું બધું ગૌણ બની ગયું. એરોપ્લેનની લંબગોળ બારીમાંથી દેખાતી દુનિયા જેવું.

***

આજે નીરૂને પતિ સાથે કામ અંગે દિલ્હી જવાનું છે. તે મોડી પડી પણ ફ્લાઈટ છૂટી નથી ગઈ. પ્લેનમાંય ચઢીને સીટ શોધતી નીરૂના હાથમાંથી કેબીન બેગ ઉંચકી લેતા નાજુક પણ મક્કમ હાથે મીઠું મલકતી ટટ્ટાર હસમુખી ઍર-હોસ્ટેસ જગ્યા બતાવતી અદબપૂર્વક કહે છે, ‘મેડમ, આ તરફ પ્લીઝ.’ તેની ઈસ્ત્રી ટાઈટ સાડીની કાળજીપૂર્વક વાળેલી પાટલીઓમાં ભરાવેલ બેચમાં કોતરેલું તેનું નામ ચોખ્ખું વંચાય છે : રમીલા વસાવા.

**

દર વર્ષે એક ચાર્ટર્ડ વિમાન ‘ફક્ત’બાળકોને લઈ વડોદરાથી સુરતની ઊડાન ભરી પરત ફરે છે. વિમાનની સફરનો ખર્ચ ન પરવડતો હોય તેવા ગામડામાં વસતા બાળકોને રમીલા અને નીરૂબેન મળીને સ્પોન્સર કરે છે. એ બાળકોના ચહેરા પરનું ઝગારા મારતું તેજ જોઈ અનેક આશ્ચર્યચકિત આંખો ઘડીભર અંજાઈ જાય છે.

કીલકારી કરતા બાળકોના ચહેરા પર હર્ષોલ્લાસ જોઈ રમીલાએ સંતોષનો ઘૂંટડો ભર્યો અને આત્મવિશ્વાસથી છલોછલ સ્પષ્ટ મીઠા અવાજમાં એક ખાસ સૂચના પ્રસારિત કરી. ‘હવાઈ ડ્રિમવાલે બચ્ચોંસે નિવેદન હૈ કી કૃપયા વે અપના આઈ-કાર્ડ લેકર ગેટ નંબર ચાર કી ઓર પ્રસ્થાન કરે.’

વાતાવરણમાં એક ગીત ગુંજ્યું. ‘દિલે હૈ છોટા સા, છોટી સી આશા.. ચાંદ તારોં કો છૂને કી આશા.. આસમાનોં મેં ઉડને કી આશા.’

 

 

 

(કચ્છ ગુર્જરી ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates