આપણી દિનચર્યા

આપણી દિનચર્યા - રોશની ગૌતમ શાહ, ભુજ

કોરોના સામે લડવા આજે આપણે સૌ કટિબદ્ધ છીએ. પ્રયત્નશીલ છીએ. આ વૈશ્વિક સંકટનો સામનો કરવા આપણે શારીરિક અને માનસિક રીતે સજ્જ થઈ રહ્યા છીએ. આપણે આ પરિસ્થિતિને સ્વીકારીને એ પ્રમાણે આપણી દિનચર્યામાં ગોઠવાઈ ગયા છીએ. શરૂઆતના દિવસોમાં આ લોકડાઉનની સ્થિતિ આપણા માટે અકળાવનારી હતી. પણ ધીરે ધીરે તેનાથી આપણે ટેવાઈ ગયા કારણ કે આપણે જાણીએ છીએ કે પરિસ્થિતિ સામાન્ય થતાં સમય લાગશે માટે આપણે તેની સાથે અનુકૂળ થઈને જીવન જીવવાનું છે.

આ સમય દરમ્યાન સામાન્ય જનજીવનની સાથે દેશની આર્થિક વ્યવસ્થા પણ આહત થઈ છે. લોકો વર્ક ફ્રોમ હોમની પદ્ધતિ સ્વીકારી રહ્યા છે. ગૃહિણીઓનો કાર્યભાર વધ્યો છે. તેમ છતાં આપણે સૌ ઘરમાં રહીને અનેક નવીન પ્રવૃતિઓ કરી રહ્યા છીએ. જે આપણે આનંદિત કરે છે અને વિસરાઇ ગયેલાં આપણા શોખને પણ નવી દિશા મળી રહી છે. કદાચ આ એક મહત્વનું જમા પાસું છે. આ વિકટ પરિસ્થિતિમાં રહેવા માટે અને તેના સ્વીકાર માટે આપણે સ્વ અને સ્વજનો સાથે સમય વ્યતીત કરવાનો અપૂર્વ અવસર મળ્યો છે. ગૃહિણીઓ નવી નવી વાનગી બનાવી રહી છે. તો પતિ પણ ઘરકામમાં યથાયોગ્ય પત્નીને મદદરૂપ થઈ રહ્યા છે. વડીલો સાથે સંવાદનો સમય મળી રહ્યો છે. બાળકો પોતાની અવનવી રમતોમાં સમય પસાર કરી રહ્યાં છે. તો યુવાપેઢી પણ પ્રેરણાત્મક કાર્ય કરી રહી છે. ઘણા યોગ અને પ્રાણાયામમાં જોડાયા છે તો ઘણા સાહિત્ય વાંચન માટે સમય ફાળવી રહ્યાં છે. બાળકો ઓનલાઇન અભ્યાસ પણ કરી રહ્યા છે. ઘણા પરિવારના સભ્યો પોતાની દિનચર્યામાં સામૂહિક ધર્મ ધ્યાન માટે પણ સમય આપી રહ્યાં છે. આ રીતે દરેક વ્યક્તિ પોતાના રસ અને રુચિ પ્રમાણે અલગ-અલગ પ્રવૃતિ દ્વારા જીવનમાં ઉમંગ અને ઉત્સાહને ટકાવી આ પરિસ્થિતિથી લડવા પોતાના મનને મજબૂત કરી રહ્યાં છે. આ પ્રવૃત્તિઓ દ્વારા મળતો આનંદ આપણી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે.

આ પરિસ્થિતિમાં આપણે કદાચ વધુ નજીકથી, શાંતિથી જીવન મૂલ્યોને જાણી શક્યા. કુદરતે આપેલા સંકટમાં આપણને શીખ મળી છે કે જીવનશૈલીમાં બદલાવ લાવી શકાય અને ખુશ રહીને જીવી શકાય. થોડા સમય બાદ સ્થિતિ સામાન્ય થતાં આપણે સૌ કોરોના પહેલાની આપણી જીવનચર્યામાં જોડાઈ જશું. ચોથા લોકડાઉનમાં જ થોડી છૂટછાટ સાથે આપણું જીવન પહેલાની જેમ ધીમી ગતિમાં આગળ વધી રહ્યું છે. દેશમાં એવો પણ વર્ગ છે જેઓએ લોકડાઉન દરમિયાન પોતાના વતન પરત ફરીને જીવન નિર્વાહ માટે પોતાને અનુકૂળ નવું કામ શરૂ કર્યું અને આત્મનિર્ભર બન્યાં. દરેકના જીવનમાં આર્થિક, સામાજીક, કૌટુંબિક રીતે પરિવર્તન આવ્યું છે. દરેક નાગરિક સ્વપ્રયત્ન દ્વારા રસ્તાઓ શોધી આગળ વધ્યાં, ક્યારેક હતાશ પણ થયાં. આપણે ફરી એકવાર આ પરિસ્થિતિ સાથે જીવનને સ્વીકારી નવી આશા સાથે આગળ વધીએ.

આપણા જીવનમાં અવેલા પરિવર્તનને આપણી દિનચર્યા માં સામેલ કરીને ચાલશું તો આપણે જીવનમાં નવા ઉત્સાહનો અનુભવ થશે. જીવનને નવી દિશા મળશે. આપણા સહિયારા પ્રયત્ન દ્વારા આપણા દેશને વિકસાવી ગતિ તરફ આગળ લઇ જવામાં યોગદાન આપી શકીએ.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates