આજની યુવા પેઢી

આજની યુવા પેઢી - ઝયોતિકા અશોક મહેતા, કલીકટ (કેરળ)

‘બેંકેં  બેલેન્સ કેટલું છે?’

‘ઘર ભાડાનું છે કે પોતાનું ?’

‘ભરેલા ખોખા કેટલા છે?’

‘ખાલી ખોખા કેટલા છે?’

‘ભરેલા ડસ્ટબીન કેટલા છે?’

‘ખાલી ડસ્ટબીન કેટલા છે?’

‘સંયુક્ત પરિવાર નહિ ચાલે.’

ભરેલા ખોખા એટલે માતા-પિતા તન- મન - ધનથી સ્વસ્થ, ખાલી ખોખા એટલે તન- મનથી સ્વસ્થ પણ ધન ન હોય, ભરેલા ડસ્ટબીન એટલે દાદા-દાદી ઉંમરવાળા વડીલ અને શરીરથી અસ્વસ્થ, ખાલી ડસ્ટબીન એટલે દાદા-દાદી તનથી સ્વસ્થ ને પોતાનું કાર્ય પોતે જ કરતા હોય.

આવા વાક્યો અને તેના પ્રહારો આજકાલ જેના પર ઝીંકાય છે તે સાંભળી-જાણીને અત્યંત દુઃખની લાગણીનો અનુભવ થાય છે, આ બધું જ સત્ય છે તે માનવા દિલ-દિમાગ તૈયાર નથી, શું આ છે કોમ્પ્યુટર યુગનો યુવાન? કન્યા રત્નનાં માતા-પિતા પણ આવું જ ઈચ્છે છે. પોતાની દીકરીને વળાવતાં પહેલાં એટલે તો કન્યા આવા સવાલ કરવાની હિંમત કરે છે, તેઓને ડર પણ નથી લાગતો કે મારા પુત્ર માટે આવનારી કન્યા પણ આવું જ વિચારશે તો?

‘મારી દીકરી મોઢામાં ચાંદીની ચમચી લઈને જન્મી છે, પાણી માંગ્યું ત્યાં દૂધ આપ્યું છે, ગૃહ કાર્ય નહીં કરે, રસોઈ નહીં કરે, ભણેલી છે એટલે નોકરી તો કરશે જ,’ આવું તો કંઈ કેટલુંયે..

જંક ફૂડ, હોટલ, બહારનું જ ખાવું, તો પછી સ્વાસ્થ્ય શું? લાગણી-પ્રેમ - ભાવનાઓનું શું? કહેવાય છે કે પતિના હૃદય સિંહાસન પર બિરાજવા માટેનો રસ્તો પેટમાંથી જાય છે. ઘરનું સ્વાદિષ્ટ - પૌષ્ટિક - સ્વહાથે બનાવેલ ભોજનથી જ પતિ-પરિવાર પુત્ર-પુત્રીનાં સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે, પણ જો એ ભાવના જ ન હોય તો દિલમાં પહોંચશે કેમ કન્યા રત્ન? શું આવો વિચાર પુત્રીનાં માતા-પિતાને નહીં આવતો હોય?

વિદેશીઓનું આંધળું અનુકરણ ભારતીય સંસ્કૃતિને ક્યાં લઈ જશે? નોકરાણી મળે તો રાખો, પણ રસોઈયાણી ને આયા? શું તેનાથી તંદુરસ્ત પરિવાર મળશે? બાળકનું બાળપણ કે વડીલોનો બાળક પ્રત્યેનો પ્રેમ, ઉછેર, સંસ્કારોનું સિંચન, ધર્મનું આરોપણ, ભણતરની સાથે ગણતર આપવાનો અધિકાર તેમની પાસે છીનવી લેવાનો હક્ક આ યુવાનોને કોણે આપ્યો છે?

દહેજનાં દુષણમાંથી માંડ માંડ છૂટકારો થયો કન્યાનાં માતા-પિતાનો, ત્યાં પુત્રનાં માતા-પિતાને આવા સવાલોના દૂષણનો એરુ આભળી રહ્યો છે! આ સમસ્યાનું સમાધાન માત્ર ને માત્ર માતા-પિતા પાસેથી જ મળશે.

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates