આજના યુગમાં શૂરવીરો થાશે ખરા

આજના યુગમાં શૂરવીરો થાશે ખરા - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢશીશા)

આજનો કળિયુગનો કપરો કાળ ચાલી રહ્યો છે. આજે સંયુક્ત કુટુંબપ્રણાલી અલ્પ થવા માંડી છે. આજે વ્યક્તિને ‘હમ દો હમારે દો’ બસ એમાં જ પોતાની દુનિયા સમાઈ ગયેલી લાગે છે. પહેલાનાં સંતપુરુષો પણ એવા જ શૂરાતનવાળા હતા કે તેમના સપૂતો પણ એવા જ થતા. જેમ કે રાણી લક્ષ્મીબાઈ ઘોડેસ્વારી કરીને બાળકને પણ સાથે રાખીને એવા વીરતાભર્યા કાર્યો કર્યા છે. તે આપણે સૌ જાણીએ છીએ. જેમ કે માતા જીજાબાઈ પુત્ર શિવાજી પારણામાં પુત્રને વીરતાભર્યા સાહસની જ અભિવૃદ્ધિ પૂરી પાડતા. આવી તો અનેક વિરલ નારીઓ. જેમકે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર ‘પ્રાણ જાય પણ વચન ન જાય.’ સ્વામી વિવેકાનંદ બહારના દેશમાં ખૂબ અલ્પ શબ્દ વડે મધુર વાણીથી બહારના દેશના લોકોના મન જીતી લીધા. આ તેમના વ્યક્તિત્વના અનેરી ઝલક હતી.

પરંતુ... હવે, હવે? આ કાળમાં બધા માયકાંગલા છે. બસ યાંત્રિક સાધનોમાં પોતાનું જીવન પરોવી દીધું છે. આધ્યાત્મિક જ્ઞાનમાં રસ નથી. પરિવાર પણ વિભક્ત હોવાથી ભાઈચારો, લાગણી, એકતા એવા ગુણો પ્રગટ થતાં નથી.

બસ, હું પદનો અહં ભવ પ્રગટી ગયો છે. પહેલાના સમયમાં સાથે બેસવા-ઉઠવાની પ્રણાલી હતી. તેને અનેરો પ્રતિસાદ મળતો.

પહેલાની માતા પુત્રને પારણામાં હાલરડામાં ગીતો પણ એવા સાહસિકપૂર્ણ ગાતી. પોતાના માતૃત્વના ગુણો બાળકને વારસામાં મળતા.

હવેનો જનરેશન પાશ્ચાત્ય સંસ્કૃતિનો આવી ગયો છે. પોપ ગીત, રોક ગીતની જગ્યાએ લોકગીત અલ્પ થતા જાય છે. વેસ્ટર્ન આઉટ ફીટનો જમાનો આવી ગયો છે. ભારતીય સંસ્કૃતિનો પરિધાન, કપાળે ચાંદલો, સેંથે સિંદૂર, સાડીમાં લાગે નારી મગરૂર. સાડીથી દૂર રહી, જિન્સ-ટોપ, લેગીંગ, કુર્તીનો જમાનો આવ્યો છે. હવે આમાં દરેક રહેણીકરણીમાં બદલાવ આવ્યો છે. આવા જનરેશનમાં ક્યાંથી શૂરવીરો થાય.

પહેલા ઐતિહાસિક વાર્તાઓ, ગુણોનું અવલંબન જેવા અનેક પુસ્તકો વાંચતા, પછી તેનું અવતરણ સંતાનોને કહેતાં. પરંતુ વ્યક્તિ પોતે જ સાહિત્યપ્રેમી નહીં પણ યાંત્રિક સાધનોપ્રેમી બની ગયો છે. તેથી ચેતનની જગ્યાએ જડતા આવી ગઈ છે.

આજે દરેક વસ્તુઓમાં ભેળસેળ છે. જેમકે ખાણીપીણીમાં, બીજી અનેક-‘જેવું અન્ન તેવું મન.’

‘જેવો આહાર તેવો ઓડકાર.’

આજે કોઈ જ વસ્તુ શુદ્ધ રહી નથી. આ બધું જ અસર કરે છે વ્યક્તિત્વના જીવનમાં.

હતો એ જમાનો સાદગીનો, સીધા સાદા સત્યવાદી લોકો. ત્યાં જ શૂરવીરતાના સપૂતો સાર્થક રહ્યા છે. હવે કળિયુગમાં આ બધું શક્ય નથી. હંમેશા સારા ગુણો પ્રગટાવવાનો અવકાશ રાખો. વ્યક્તિ જેવું વિચારે તેવું બને છે. ઉચ્ચતમ વિચારોને પ્રાધાન્ય આપો.

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates