આજનું શિક્ષણ અને જૈનોનું દાન

આજનું શિક્ષણ અને જૈનોનું દાન - પંકજ રવિલાલ શાહ, દાદર

દાનધર્મ મનુષ્યના જીવનમાં અનિવાર્ય છે. આપણી જેટલી શક્તિ હોય એટલું તો દાન કરવું જ જોઈએ. જો આપણી શક્તિ હોવા છતાં પણ આપણે દાન ન કરીએ તો અંતરાય કર્મ બંધાય, પણ દાન કરવામાં સાચા ધનથી કરાતું સુપાત્ર દાન અને અનુકંપા દાન એટલે કે જીવદયા.

આજે દરેક જગ્યાએ અનુકંપા દાન એટલે કે જીવદયા કરો, જીવદયા કરોની વાતો થાય છે પણ અનુકંપા દાન કરતાં પહેલાં જોવું જોઈએ કે આપણા દાનથી કોઈ હિંસા ને પોષણ તો નથી મળતું ને. આજે આપણા દેશમાં દાન કરનારા લોકો સહુથી વધારે શિક્ષણ ક્ષેત્રમાં અને હોસ્પિટલમાં દાન આપે છે. દાનવીરો દાન આપીને મનમાં સમજતાં હોય છે કે મેં પુણ્યનું કામ કર્યું તેથી મારા પુણ્ય બંધાય છે, પણ અહીં જ આપણી ભૂલ થાય છે. હોસ્પિટલમાં બીમારીઓથી પીડાતા લોકોને જોઈને દયા આવે એટલે અનુકંપાથી જૈન સમાજના લોકો આ આરોગ્યક્ષેત્રમાં મોટા પાયે દાન આપે છે પણ જૈન ધર્મ પ્રમાણે આજની આ હોસ્પિટલોમાં દાન કરવું તે હિંસાને પોષણ આપવા બરાબર છે. કારણકે મનુષ્યના શરીરને સુખ શાંતિ મળે તે હેતુથી આ ફિલ્ડમાં પશુઓ પર ક્રૂરતાપૂર્વક પ્રયોગો કરીને રિબાવી રિબાવીને એમને મારવામાં આવે છે. શું આપણે આવા પ્રયોગો કરવા માટે દાન આપશું? માંદગી માટે દવા કરવી જરૂરી છે પણ તેને માટે ઓછા પાપવાળી આયુર્વેદિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જે દાનવીરો પોતાનું દાન આ મેડિકલ ફિલ્ડમાં આપવા માંગતા હોય તેમણે આયુર્વેદિક હોસ્પિટલો બનાવવી જોઈએ. બાકી આજની આ એલોપથીએ તો આપણા આરોગ્યનો કેવો દાટ વાળ્યો છે તે દરેક લોકો સમજે છે, પણ આપણી પાસે સારા અને સાચા આયુર્વેદ ઉપચાર જાણતા વૈદ્યો નથી એ જે છે તેમની પાસે સાવ છીછરૂ જ્ઞાન છે એટલે આપણને તેના પર વિશ્વાસ નથી આવતો. બાકી પહેલાનાં જમાનામાં પ્લાસ્ટિક સર્જરી પણ થતી હતી અને શરીરના પાર્ટ (અવયવો) પણ બદલી થતા હતા જે તમે આયુર્વેદના ગ્રંથો અને ચરકસંહિતા વગેરેમાં વાંચશો તો ખબર પડશે કે દરેક બીમારીને જળમૂડથી કાઢી શકવાનું જ્ઞાન આપણા પૂર્વજો પાસે હતું. માટે આયુર્વેદ સારવારને પ્રોત્સાહન મળે તે માટે દાન કરવું જોઈએ. તો જ આજની પૈસા લૂંટવાની દુકાન જેવી હોસ્પિટલો અને ડૉકટરોથી બચી શકશું.

તેવું જ આજના શિક્ષણ ક્ષેત્રમાં છે. આજનું શિક્ષણ આપણને નાસ્તિક બનાવે છે. પ્રાચીન ભારતમાં નાલંદા અને તક્ષશિલા જેવી દુનિયામાં એક નંબરની શિક્ષણ સંસ્થાઓ હતી. જે આપણને સર્વગુણ સંપન્ન અને દરેકની જ્ઞાન મેળવવાની સમતા પ્રમાણે શિક્ષણ આપીને સમાજને મજબૂત બનાવવાના કાર્યો કરતી. જ્યારે આજનું ભણતર અંગ્રેજોએ ભારતના લોકોને ગુલામ બનાવવા માટે આપેલ ભણતર છે. અંગ્રેજો જ્યારે ભારત પર રાજ કરવા આવ્યા ત્યારે તેમણે જોયું કે ભારત દેશને ગુલામ બનાવવો હોય તો તેમને જ્ઞાનવિહીન કરીને તેમના વિચારોને એવા કુંઠિત કરી નાખવાના કે તેમને પોતાની શક્તિનું ક્યારે પણ ભાન ન થાય. તે માટે સૌથી પહેલા તેમના ગ્રંથોનો અને તેમની શિક્ષણ સંસ્થાનો નાશ કરો. અંગ્રેજોએ એ પ્રમાણે કરીને આપણા દેશના યુવાનોને આપણા દેશના સંસ્કારોના બદલે તેમના પશ્ચિમના સંસ્કારો, ખાનપાન, રીતભાત અને પહેરવેશ અપનાવતા કરી દીધા.

આજે આપણે સૌ પણ એ જ ખાનપાન, પહેરવેશ, તહેવારો અને શિક્ષણના હિસાબે અંગ્રેજોએ જે શીખવાડ્યું તે પ્રમાણે વિચારતા થઈ ગયા અને આપણા દેશના સારા સંસ્કારને જુનવાણી અને નકામા સમજીને તેના ઉપર હસીએ છીએ. આ ઉદાહરણ જુઓ એક અંગ્રેજ એક સજ્જન વ્યક્તિને પરાણે માંસાહાર ખવડાવે છે તેથી તે સજ્જન નાછૂટકે માંસાહાર કરે છે પણ તે મનથી આ ન ખાવું જોઈએ અને આ ખાવામાં પાપ છે તેમ સમજે પણ છે અને મનમાં નીંદે પણ છે. જ્યારે બીજો અંગ્રેજ એક બીજી સામાન્ય વ્યક્તિને માંસ તો નથી ખવડાવતો પણ તેને એમ સમજાવે છે કે માંસ ખાવું તે કંઈ પાપ નથી અને આખી દુનિયામાં અનાજ ખાવાવાળા કરતાં માંસ ખાવાવાળા વધારે છે, તો તે પાપ કેમ કહેવાય અને દુનિયામાં બધા જ અનાજ ખાશે તો એટલું અનાજ પણ ક્યાં છે? માટે માંસ એ ખોરાક જ છે અને તે ખાવામાં કોઈ પાપ નથી તેમ સમજાવીને સામાન્ય માણસની બુદ્ધિ બગાડીને તેને નાસ્તિક બનાવી દે છે. તો આ બંને અંગ્રેજોમાં કોણ વધારે નુકસાનકારક? જે પાપ કરાવે છે તે, કે જે પાપને પાપ નથી એવું આપણા મગજમાં ફીટ કરે છે તે?

આજે આપણને પાપ શેમાં છે તેની સાચી સમજણ નથી તો સાચો ધર્મ તો ક્યાંથી કરી શકવાના? બસ આજના શિક્ષણે પણ આવી જ રીતે આપણા બધાના મગજને નાસ્તિક બનાવી દીધા છે તેથી આપણને સારું શું અને ખરાબ શું તેની ખબર જ નથી. આ બધું વાંચીને આપણે વિચાર કરીશું કે તો શું આપણે આપણા બાળકોને ભણાવવા જ નહીં? ના, શિક્ષણ વગર તો માનવી પશુ સમાન છે માટે જ્ઞાન તો પહેલા જોઈએ. શિક્ષણ એ તો માનવના વિકાસનો પાયો છે પણ અત્યારે આ પાયો જ વિકૃત થઈ ગયો છે. ભૂતકાળમાં જૈન શ્રેષ્ઠીઓએ બનાવી હોય તેવી સ્કૂલો અને જૈનોનું મેનેજમેન્ટ હોય તેવી આજની સ્કૂલોમાં પણ શિક્ષણ તો પેલું અંગ્રેજોએ આપેલું એ જ ભણાવાય છે. તે ભણીને આપણા વિચારો નાસ્તિક જ રહેવાના. પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણ વિજયજી મ.સા. કે જેને નાના પંડિત મહારાજ સાહેબના નામથી ઓળખવામાં આવે છે તેમણે લોકોત્તર દાન ધર્મ ‘અનુકંપા’ નામની ચોપડીમાં આ વિશે વિસ્તારથી લખેલ છે અને પ્રૂફ સાથે અનેક ઉદાહરણ અને ભૂતકાળની વાતો વગેરે આપીને સમજાવેલ છે. તમને ખરેખર વધારે જાણવાની ઈચ્છા હાયે તા ે વાચં વા માટે પ્રકાશન ગીતાર્થ ગંગા અમદાવાદની મારી પાસે ત્રણ બુક છે. જેને વાંચવા માટે આપ લઈ જઈ શકો છો? તેમાં લખેલ છે કે કલકત્તાની રોયલ એશિયાટિક સોસાયટીની લાઈબ્રેરીમાં આ બાબતના ઘણા દસ્તાવેજો આજે પણ છે. અને વચ્ચે ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પણ આ અંગે લેખ આવેલો કે આજે જે ભારતમાં (Archeological Department)પુરાતત્વ ખાતાની સ્થાપના અંગ્રેજોએ કરી હતી તેનો હેતુ આપણી આર્ય સંસ્કૃતિને વાર્તા બનાવીને નાશ કરવાનો હતો. આજે પણ વિજ્ઞાનના નામે ઘણી ભ્રામક વાતો કહેવાય છે અને આપણે તે વિજ્ઞાને કહ્યું માટે નક્કર સત્ય માનીએ છીએ.

વિજ્ઞાને વનસ્પતિમાં જીવ છે અને પાણીના એક ટીપામાં અસંખ્ય બેક્ટેરિયા હોય છે આ બધું થોડા વર્ષો પહેલાં શોધ્યું છે જ્યારે આપણા તીર્થંકરોએ હજારો વર્ષ પહેલાં કહ્યું છે. તેવી જ રીતે ગ્રહો અને આકાશના માપ હજી વૈજ્ઞાનિકો શોધે છે જ્યારે એ બધા માપ પણ આગમોમાં લખેલ છે. પણ આગમ વાંચવાનો અને સમજવાનો આપણી પાસે સમય ક્યાં છે? આજના આ નાસ્તિક સમાજમાં ધર્મની વાત કરનારને, એ નિવૃત્ત થઈ ગયો છે માટે હવે ધર્મ કરે છે, તેને બીજો કોઈ કામધંધો નથી. આપણી પાસે તો સત્તર કામ છે, મરવાની પણ ફુરસદ નથી એમ કહીને હસીએ છીએ. તે આ શિક્ષણની વિકૃતિના હિસાબે.

૯૫% લોકો તો આ વાંચીને ભૂલી જશે અને જેમ જીવે છે તેમજ જીવતા રહેશે પણ આપણામાંથી અમુક વીરલાઓએ નક્કી કર્યું કે આ શિક્ષણક્ષેત્રમાં બદલાવ લાવવો જ છે અને તેમાંથી મુંબઈ, અમદાવાદ, સુરત, જોધપુર વગેરે જગ્યાએ ગુરૂકુલમ્‌ ચાલુ થઈ. જેણે આ શિક્ષણની ચોપડીઓની જગ્યાએ આપણી પોતાની ચોપડીઓ છપાવી. આજે અમદાવાદ ગુરૂકુલમમાં તમે એકવાર જાવ અને જુઓ કે હોશિયાર વિદ્યાર્થીઓ ગુરૂકુલમમાંથી તૈયાર થઈને સમાજમાં આવે છે કે તેમને તરત જ સારામાં સારા પગારની નોકરી મળી શકે તેમ હોવા છતાં તેઓ નોકરી કરવાને બદલે પોતાની રીતે સારા એવા પૈસા કમાતા થઈ અને સાથે ધર્મ અને સમાજ માટે પણ કામ કરતાં થઈ ગયા છે માટે તમારે શિક્ષણ સંસ્થામાં દાન દેવું હોય તો ગુરૂકુલમ જેવી જૈનોની સંસ્થામાં દાન આપો.

કારણકે જૈનો કોઈપણ દીન- દુઃખીને જુએ એટલે તરત દયા આવી જાય અને દાન દેવા તૈયાર થઈ જાય પણ તે પહેલાં વિચાર કરો કે તે જીવે પૂર્વના ભવમાં કરેલા અશુભ કર્મના કારણે આજે દુઃખી છે. આપણે આજે જે પાપ કરશું તેની સજા આજે નહીં તો કાલે આપણે ભોગવવી જ પડશે. આ સાચું શિક્ષણ આપણને નથી મળ્યું પણ આપણે તે આપણા બાળકોને તો જરૂર આપી શકીએ. જો સાચું જ્ઞાન અને ધર્મ હશે તો આવનારી પેઢી પણ સુખી થશે. બાકી સમજણ વગર દાન દેવા છતાં ઉંચું પુણ્ય ન બંધાય એવું પણ બની શકે છે. જિન આજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો મિચ્છામી દુક્કડમ્‌.

 

 

(કચ્છ ગુર્જરી જુલાઇ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates