આયના મહેલ

આયના મહેલ - ડૉ. મિહિર એમ. વોરા, ભુજ

મિત્રો સૌ પ્રથમ તો દેશ વિદેશમાં વસતા સૌ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવા વર્ષમાં ભુજ કચ્છની શાન ગણાતા આયના મહેલની વિશે વાત કરશું તો મજા આવશે.. હવે તો ત્યાં ટાવરમાં ડંકા પણ વાગે છે તેને આખું ભુજ સાંભળે છે અને અતીતની અટારીમાં ડોકિયું કરે છે. વેકેશનમાં ઘણા લોકો આ મહેલની મુલાકાત લે છે. જૂના ભુજમાં શહેરની વચ્ચોવચ જ્યાં એક સાંકડા પણ ભવ્ય દરવાજામાંથી અંદર પ્રવેશો કે લગભગ ૨૦૦-૩૦૦ વર્ષ પહેલાંની દુનિયામાં પહોંચી ગયાનો અનુભવ થાય. એક સમયે ભવ્ય દરબાર ગઢ ઈમારત આંખોમાં ચમક જગાવી જાય છે અને એ છે આયના મહેલ.

૨૬મી જાન્યુઆરીના ભૂકંપમાં આ ઈમારતને નુકસાન થયું હોવા છતાંય એની રજવાડી રોનક તો બરકરાર જ છે. ખૂબ સરળ અને સહજ શબ્દોમાં કહેવું હોય તો આયના મહેલ એટલે એવું મહેલ કે જ્યાં ૨૫૦ વર્ષ પહેલાં રજવાડી સપનું સાકાર થયું હોય. એમ તો આયના મહેલનું નામ જ એની વિશેષતા છતી કરી દે છે. હિંદીમાં આઈના એટલે અરીસા. આયના મહેલમાં પ્રવેશતાવેંત જ તેના નામની સાર્થકતા છતી થઈ જાય છે. મહારાવ લખપતજીએ ઈ.સ. ૧૭૫૦માં નિર્માણ કરેલા આયના મહલ પર પાશ્ચાત્ય સંસ્કૃતિનો ખાસો એવો પ્રભાવ જોવા મળે છે.

આ મહેલના બાંધકામમાં પડદા પાછળની વાત ખૂબ નાની પણ જાણવી ગમે એવી છે. હકીકતમાં રાવ લખપતજી એટલે રાવશ્રી દેશળજીના પુત્ર. લખપતજી સાહિત્ય, સંગીત, સંસ્કૃત અને વિવિધ કળાના શોખીન અને તેમણે પોતાના સામ્રાજ્યકાળના પ્રારંભથી જ કચ્છને કળા-સંસ્કૃતિ ક્ષેત્રે સધ્ધર બનાવવાનું જાણે કે બીડું ઝડપ્યું. કલાકારોમાં ધરબાયેલી કલાને શોધી કાઢવી અને તેમને ઊંચું પ્લેટફોર્મ આપીને વિશ્વ વંદનીય બનાવવાનો જાણે કે શોખ હતો એમને. તેમની આવી જ એક શોધ એટલે રામસિંહ માલમ.

હકીકતમાં તોપ બનાવનાર કારીગર તરીકે રામસિંહ માલમે લાંબો સમય સુધી વિદેશ વસવાટ કર્યો હતો. જોકે વિદેશમાં તેઓ કાચ, લોખંડ, ટાઈલ્સ, મીનાકામ, ચાંદીકામ વગેરેના હુન્નરમાં પ્રાવિણ્ય મેળવીને સ્વદેશ પાછા ફર્યા હતા. જોકે તેમના એ હુન્નરને પારખી શકે એવું કોઈ મળ્યું નહીં. એટલે સુધી કહેવાય છે કે તેમની કલા-કારીગરીને પારખી શકે તેવું કોઈ ના મળતાં દુભાયેલા રામસિંહ માલમ કચ્છના રાવ લખપતજી પાસે પહોંચ્યા અને ત્યાં જઈને તેમણે પોતાની કલાની પરખ થાય એવા કામની માગણી કરી. રામસિંહ માલમની નિપુણતા પર વિશ્વાસ મૂકીને તેમણે એક ભવ્ય મહેલના નિર્માણની જવાબદારી એમને સોંપી.

આશરે ૨૫૦૦ ફૂટ લાંબા આ મહેલના નિર્માણ માટે આજથી ૨૫૦ વર્ષ પહેલાં મુંબઈ ગેઝેટિયરની નોંધ પ્રમાણે આયના મહેલના નિર્માણમાં એ સમયે બે લાખ પાઉન્ડ એટલે કે ૮૦ લાખ કોરી (આશરે પચ્ચીસ લાખ રૂપિયા) જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. ભુજના રોયલ કોમ્પ્લેક્સનો એક ભાગ છે આયના મહેલ. જે ચોકમાંથી પસાર થઈએ છીએ ત્યાં એ સમયે કચ્છના રાજવી પરિવારના સભ્યો દિવાળીના અવસરે તોપખાનું ફોડતા. અનેક દબદબાભરી દિવાળીઓ જોઈ ચૂકેલા આ ચોકમાંથી પસાર થઈને પહેલો માળ ચડીએ એટલે આવે આયના મહેલમાં દીવાને-આમ, દીવાને-ખાસ, ફુવારાવાળી ખાસ બેઠક વ્યવસ્થા. રાજવી પરિવારજનોના રૂમ અને સૌથી મહત્ત્વનો એટલે આયના હોલ નિહાળીને મન ખુશ થઈ જાય છે. રૂમની ચારેબાજુ છૂટથી ફરી શકાય એ રીતે લોબીઓ બનાવવામાં આવી છે.

મોગલ કાળની યાદ અપાવી દે એવું પ્રવેશદ્વાર વટાવો એટલે દીવાને-આમ આવે છે. અહીંનું કાષ્ઠ કોતરકામ મનને મોહી લે છે. જોકે ત્યારબાદ આવે છે ફુવારાવાળી બેઠક વ્યવસ્થા. આ બેઠક વ્યવસ્થા જોતાંવેંત જ તમને જકડી લે છે. એક વિશાળ હોજની વચ્ચે એન્જિનિયરીંગ કાબેલિયતને કામે લગાડીને કરવામાં આવેલી ઉત્કૃષ્ઠ બેઠક વ્યવસ્થા. હોજની ચારે તરફ પાળીઓ પણ મીણબત્તી અને દીવા માટેનાં સ્ટેન્ડ છે. હોજની વચ્ચે બનાવવામાં આવેલી બેઠક વ્યવસ્થાની ચારેબાજુ નાના-નાના ફુવારા બનાવવામાં આવ્યા છે. ઉનાળાના  દિવસોમાં પણ આ ફુવારા અને હોજ શીતળતાનો રોમાંચક અનુભવ કરાવે છે. ધ મોસ્ટ ઈન્ટરેસ્ટિંગ થિંગ ઈઝ કે તે જમાનામાં તો હોજ સુધી પાણી પહોંચાડવા માટે માટીની પાઈપ બનાવવામાં આવી હતી. જોકે માટીની પાઈપ કદાચ આજની પાઈપલાઈનની મજબૂતીને પણ અંટે એવી હતી. હવે ઉપયોગમાં લેવાતી લોખંડની પાઈપલાઈન આપણે હોજની બાજુમાં જોઈ શકીએ છીએ. ફુવારા સુધી પાણી લાવવા માટે આયના મહેલથી આશરે ૧૦૦૦ ફૂટ દૂર ઊંચી ટાંકી બનાવવામાં અવી હતી. આ ટાંકીની નીચે કોઠવાવ નામે કૂવો છે. કૂવાનું પાણી રેંટ મારફતે ટાંકીમાં અને ટાંકીમાંથી પાઈપલઈન મારફતે આયના મહેલ સુધી પહોંચે છે. આ સુંદર મજાના ફુવારાવાળી બેઠક વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવતો હતો સંગીતની મહેફિલો માટે. ચારેબાજુ શીતળ અને સુગંધી ફુવારાનું પાણી ઉડતું હોય ત્યારે સંગીતની મહેફિલના સૂરો પણ કેવા જામતા હશે!

એવું કહેવાય છે કે રાજાશાહીના જમાનામાં કાળી ચૌદશ અને દિવાળીના દિવસે કચેરી ભરાય ત્યારે રાજા ખુદ અહીં આસન જમાવતા અને સંગીતની મહેફિલનો લુત્ફ ઉઠાવતા. કચ્છમાં કળા અને પાશ્ચાત્ય શૈલીનું આ સુંદર ઉદાહરણ છે. અઢીસો વર્ષ પહેલાં રામસિંહ માલમે વિકસાવેલી ટેક્નોલોજી અને એનું એન્જિનિયરીંગ નિહાળીને આંખો પહોળી થઈ જાય છે. ખરેખર, આખો મહેલ ન જોઈએ અને જો માત્ર આ બેઠક નિહાળીએ તોય એમ થાય કે રામસિંહ માલમ પર રાવ લખપતે મૂકેલો વિશ્વાસ તેમણે ખરો પુરવાર કર્યો. આ ફુવારાવાળા ખંડમાંથી બહાર નીકળો એટલે ઘણા ખંડ અને ઘણું બધું નિહાળવાનું છે. 

ભુજના એક સુથારે બનાવેલું લાકડાનું પ્રવેશદ્વાર નિહાળો તો મન ખુશ થઈ જાય છે. આ પ્રવેશદ્વારની વિશેષતા એ છે કે એના પર હાથીદાંતની નકશી મૂકવામાં આવી છે. ટેક્નોલોજીના આ યુગમાં પણ કારીગરીનું આવું ઉદાહરણ તૈયાર કરવું મુશ્કેલ છે. જ્યારે આ તો લગભગ ઈ.સ. ૧૭૦૮માં ભુજના માધવ નામના સુથારે માત્ર ૪૦૦ કોરી એટલે કે આશરે ૧૦૦ રૂપિયાના મહેનતાણામાં તૈયાર કરી આપેલો દરવાજો છે. રામસિંહ માલમે આયના મહેલ બનાવવામાં જે ચીવટતા દાખવી છે એ અને માધવ સુથારની મહેનત પર પણ આફરીન પોકારી જવાય!

હાલ આયના મહેલમાં કચ્છ ઈતિહાસની સમૃદ્ધ લાયબ્રેરી જોવા મળે છે જેનો લ્હાવો લેવા જેવો છે. આામ ખરેખર કચ્છ નહીં દેખા તો કુછ નહિ દેખા.

 

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates