કોઈની પણ નકલ કરવામાં આપણે આપણી સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યા છીએ એવું લાગે છે. આજકાલ કોઈનાં પણ નિધનનાં સમાચાર સોશિયલ મીડિયા મારફત મળે એટલે તરત જ આપણી લખી નાખીએ.. આર આઈ પી. સાચું ને?? નકલનાં રવાડે ચડી આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે આર આઈ પી નો અર્થ શું છે?
આર આઈ પી શબ્દનો અર્થ છે રેસ્ટ ઈન પીસ. મતલબ શાંતિથી આરામ કરો. આ શબ્દ એમનાં માટે છે જેમને દફનાવ્યા હોય. એક માન્યતા મુજબ કયામત કા દિન આવે ત્યારે આ મૃતકો કબરમાંથી પુનઃ જીવિત થશે ત્યાં સુધી શાંતિથી આરામ કરો એમ કહેવાય.
હિન્દુ ધર્મની માન્યતા મુજબ આત્મા અમર છે, શરીર નશ્વર છે, શરીરનો અગ્નિ સંસ્કાર થાય છે. અગ્નિ સંસ્કાર થયા હોય તેમના માટે આર આઈ પી લખવાનો તો સવાલ જ નથી આવતો.
આત્મા અમર છે. એક શરીર છોડી તેનાં કર્મ ફળ અનુસાર બીજા શરીરમાં પ્રવેશે છે. એ આત્માની આગળની યાત્રાને સારી ગતિ પ્રાપ્ત થાય તે માટે‘પરમાત્મા એ આત્મા ને સદ્ગતિ આપજે’એમ કહેવાય કે લખાય. શ્રદ્ધાંજલિ પણ લખાય.
ટૂંકમાં આત્માને સદ્ગતિ પ્રાપ્ત થાય એટલે કે A S P T લખો તો પણ ચાલે. સાંસ્કૃતિક પરંપરાનું જતન કરવું એ આપણી જવાબદારી છે, જે નિભાવવી જરૂરી છે. હા, જેમને દફનાવ્યા હોય તેમનાં માટે જ R I P લખાય.
(કચ્છ ગુર્જરીના ફેબ્રુઆરી ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)