એ-વન ડાયરી

એ-વન ડાયરી - ધનસુખલાલ એ. મોરબીઆ, દાદર

(૧) કોઈકે પૂછયું, ‘તમને કોઈ વાત પર આશ્ચર્ય થાય છે?

જવાબ મળ્યો : ત્રણ વાત પર.

૧)માણસ જન્મ્યા પછી જલ્દી મોટો થઈ જવા માંગે છે, પણ મોટો થયા પછી આખી જિંદગી બચપણને યાદ કરે છે. ૨) પૈસા કમાવા માટે તબિયત બગાડે છે, પછી તબિયત સુધારવા માટે પૈસા બગાડે છે. ૩) માણસ જીવે છે એવી રીતે જાણે ક્યારેય મરવાનું નથી. મરે છે એવી રીતે જાણે જીવ્યો જ નથી.

(૨) આજનો માણસ ત્રણ બાબતે તાણનો અનુભવ કરે છે :

૧) એને રાતોરાત ગરીબ થઈ જવાનો ભય સતાવે છે. ૨) એને લોકનિંદાને કારણે પોતાની ઈજ્જત જાય તેનો ભય સતાવે છે. ૩) એને મૃત્યુનો ભય સતાવે છે.

(૩) માણસની પોતાની ત્રણ ઈચ્છા હોય છે :

ગામમાં મકાન, બજારમાં દુકાન અને સમાજનું સુકાન.

જેને મકાનમાં પરિવાર સાથે સારી રીતે રહેતાં ન આવડતું હોય, દુકાનમાં ઘરાક સાથે મીઠો વ્યવહાર કરતાં ન આવડતો હોય, તે સમાજનું સુકાન સારી રીતે સંભાળી શકે ખરો?

(૪) બીજાની સાથે સરખામણી કરવાને બદલે સ્પર્ધા જાત સાથે કરો. આપણે ગઈકાલે હતા એનાથી આજે વધુ બહેતર બન્યા? ગયા વર્ષ કરતાં આ વર્ષે આપણા બાયોડેટામાં શું ઉમેર્યું? આપણી પાસે ગયા મહિના કરતાં આ મહિને થોડા નવા વિચારો આવ્યા?

(૫) જીવનમાં બે વસ્તુ કાયમ માટે બંધ રાખો. ક્લોઝ ધ આઈ એન્ડ ક્લોઝ ધ માઈન્ડ. બીજાનો દોષો જોવા માટે આંખ બંધ, ખરાબ વિચારોથી અટકવા મગજ બંધ. બે વસ્તુ હંમેશા ખુલ્લી રાખો. સારી વાતો સાંભળવા કાન ખુલ્લા, સારા વિચારો કરવા હૃદય ખુલ્લું.

(૬) સાથે રહેવું અને સાથે જીવવું એ બેમાં ફેર છે. હોટેલમાં અને ધર્મશાળામાં લોકો સાથે રહેતા હોય છે, પણ સાથે જીવતા નથી. ઘર પણ જ્યારે હોટલ બની જાય ત્યારે સંબંધો સામે સવાલો ઉઠે છે. સાવ પાસેના રૂમમાં હોય તોય અજાણ્યા લાગે છે. બે દિલ વચ્ચે એક તોતીંગ દીવાલ ચણાઈ જાય છે કે એકબીજાનો અવાજ પણ સંભળાતો નથી.

(૭) સાદગી એટલે શું? ઓછામાં ઓછી સગવડોથી ચલાવી લેવું એનું નામ સાદગી. પણ ચલાવી લેવું એટલે? એટલે એ જ કે કોઈપણ જાતની કચકચ કે ફરીયાદ ન કરતાં સંતોષથી ચલાવી લેવું, સંતોષનો ફાઈનલ ઓડકાર ક્યારે આવે? યાદ રહે. વધુને કાંઈ અંત હોતો નથી પણ ઓછાને અંત હોય છે.

(૮) જે મા-બાપ એવું વિચારતા હોય કે એમને ત્યાં સંસ્કારી છોકરાઓ જન્મ લે.. તો એમણે સંયમ અને મર્યાદાને જીવનમાં ઉતારવાં પડશે. જ્યાં મા-બાપ જુગાર રમતા હશે, પાટર્ીમાં ભમતા હશે, નવરાત્રિમાં ફરતા હશે, હોટેલોમાં અને લારીઓમાં કચરા જેવી ચીજો ચરતા હશે, ત્યાં ક્યારેય શ્રવણ જેવા સંતાનો નહિ જન્મે, ત્યાં તો દુઃશાસનો જ પાકવાના છે.

(૯) આજના માનવી પાસે ભણતર વધ્યું છે, સમજણ ઘટી છે, ધાર્મિકતા વધતી ચાલી પણ પ્રમાણિકતા ઘટતી ચાલી, ધર્મની પ્રવૃત્તિઓ ખૂબ વધી પણ પરિણતિમાં ખાસ સુધારો ન થયો. સંબંધો ખૂબ વધ્યા પણ પ્રેમ ઘટી ગયો, મકાનો પહોળા થયા પણ મન સાંકડા થયા. શરીર મમરાના કોથળાની જેમ ફૂલ્યાં પણ હૃદય છીછરાં બની ગયાં.

(૧૦) માણસ જ્યારે એકલો હોય છે ત્યારે પોતાનું કલ્યાણ કેમ કરવું એના વિચાર કરે છે, બે ભેગા થાય છે ત્યારે ગરમાગરમ ચર્ચાઓ ચાલુ કરે છે, ત્રણ મળે છે ત્યારે જુદા જુદા પક્ષ સ્થાપવાની વાત કરે છે અને જ્યારે ચાર ભેગા થાય છે ત્યારે એકબીજા પર અત્યાચારો શરૂ કરી દેતા હોય છે.

(૧૧) જીવનમાં સુખ અને દુઃખ બંને સંયુક્ત છે, જેમને આખા દિવસમાં બનેલી દુઃખદ ઘટનાઓ જ યાદ રહે છે. તે નકારાત્મક મનોવલણ ધરાવતી વ્યક્તિ છે. તે જ્યાં જાય ત્યાં કાયમ દુઃખ, પીડા અને નરકનો જ અનુભવ કરે છે, એનાથી વિપરીત દુઃખ ભરેલા આ સંસારમાં જે માત્ર સુખદ ક્ષણોને યાદ રાખે છે અને વ્યક્તિના સારા પાસાંને જ જે જુએ છે તે જ્યાં પણ હોય ત્યાં સુખી, સંતુષ્ટ અને ધન્યવાદના ભાવથી ભરપૂર હશે. આવી વ્યક્તિ સદા સ્વર્ગમાં રહે છે. નરક એની નજીક પણ ફરકી શકતી નથી. 

(૧૨) મનુષ્યને ચાર કષાયમાંથી સહુથી વધુ સતાવતો કોઈ કષાય હોય તો તે અહંકાર છે. અહંકારની શ્રેષ્ઠ નિશાની એ છે, અહંકારમાં ચડ્યા પછી માણસ સતત વિજયી બનવાનો પ્રયત્ન કરતો રહે છે. અહંકારને વિજય વગર ચેન પડતું નથી પણ અહંકારી માણસ એ વાત ભૂલી જાય છે.. વિજયનો રથ જ્યારે ઘરના આગલા બારણેથી પ્રવેશે છે. બરાબર એ જ સમયે પ્રેમની પાલખી ઘરના બારણેથી વિદાય થાય છે, વિજયનો નશો માણસને પ્રેમના પરમસ્વાદથી દૂર રાખે છે.

(૧૩) સંબંધો બે પ્રકારના છે, દિલના અને દલીલના, હૃદયથી બંધાય તે દિલના, બુદ્ધિથી બંધાય તે દલીલના.. માણસ ભાંગી પડે ત્યારે દિલના સંબંધો જ એને જાળવી લે છે, જ્યારે દલીલના સંબંધો રાખનાર પૃથક્કરણ અને તર્કનો ઉપયોગ કરી સલાહ-સૂચન આપે છે અને યુક્તિપૂર્વકનું બહાનું કાઢી દૂર રહેવાનું પસંદ કરે છે.

(૧૪) ચોવીક કલાક માણસને ખાવાનું કહીએ તો તે ખાઈ ન શકે, પણ ઉપવાસ કરીને ચોવીસ કલાક પસાર કરવાનું કહીએ તો? તો આરામથી પસાર થઈ શકે. આ વાત એમ કહે છે. ભોગનો સમય મર્યાદિત છે, જ્યારે ત્યાગનો સમય દીર્ઘ છે. આવું જ ગુણ દોષની બાબતમં સમજવાનું છે. માણસ ધારે તો ચોવીસ કલાક શાંત રહી શકે, પણ કોઈની તાકાત છે કે ચોવીસ કલાક ક્રોધમાં રહી શકે? આનો અર્થ એ થયો. જીવનો સ્વભાવ શાંત રહેવાનો છે.

(૧૫) માણસનું મૃત્યુ થયા પછી એના માટે સારા શબ્દો બોલાય છે, સારી વાતો થાય છે, તો જો કોઈ જીવતા માણસ માટે તમને બીજાના મોઢે સારા શબ્દો સાંભળવા મળે તો સમજજો કે એ મરી ગયો, કારણકે માનવીની આદત છે. એ જીવતાની પ્રશંસા નહિ કરી શકે. ગમે તેટલો સારો હશે તોય, એના ગયા પછી જ એના માટે સારું બોલશે.

(૧૬) ઘરમાં જે સ્થાન દરવાજાનું છે, બેંકમાં જે સ્થાન દરવાજાનું છે, મકાનમાં જે સ્થાન વોચમેનનનું છે, શરીરમાં જે સ્થાન ઈન્દ્રિયોનું છે, દરવાજા પર ચોકી ન રહે, યા તો દરવાન કે વોચમેન ઉંઘતો રહે તો માલિકને નુકસાન થયા વગર ન રહે. પાંચ ઈન્દ્રિયો જો પ્રમાદમાં રહે, વશમાં કે કંટ્રોલમાં ન રહે તો આત્માને નુકસાન થયા વગર ન રહે.

(૧૭) દાન અને શીલ બંને ધર્મ છે. બેમાંથી કયો ધર્મ ચડે એમ કહેવું જ પડે કે શીલ ચડે. આમ જોવા જઈએ તો દાનમાં પણ ત્યાગ છે, અને શીલમાં પણ ત્યાગ છે, પણ ફરક એ છે કે દાન આપવાથી એટલે કે સંપત્તિને ત્યાગ કરવાથી લોકોમાં આપણું નામ થાય છે તેથી લોકોની આપણા ઉપર મમતા વધે છે, જ્યારે શીલનું પાલન કરવાથી વાસનાનો ત્યાગ થાય છે, એટલું જ નહિ સામેના પાત્ર ઉપરથી મમતા પણ ઘટે છે.

 

 

 

(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates